ગાગોદર-ચિત્રોડ રોડ પર ઈંધણ ભરેલું ટેન્કર પલટી જતા દોડધામ મચી
ઘટનાના એક કલાક સુધી હાઈવે ઓથોરિટી કે અન્ય કોઈ જવાબદારો ફરક્યા નહીં : તોતીંગ ટોલ ઉઘરાવાતો હોવા છતાં સુવિધા આપવામાં નેશનલ હાઈવે ઓથોરિટી બેદરકાર રહી
ભચાઉ : ગઈકાલે મુન્દ્રા પાસે ડીઝલ ભરેલું કન્ટેઈનર પલટી ગયું હતું. આજે સવારે ગાગોદર-ચિત્રોડ નેશનલ હાઈવે પર ઈંધણ ભરેલું ટેન્કર પલટી જતા દોડધામ મચી ગઈ હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગાગોદર-ચિત્રોડ નેશનલ હાઈવે પર આજે સવારે ઈંધણ ભરેલું ટેન્કર પસાર થતું હતું ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ અને રોંગસાઈડમાં બીજા રોડ પર આવી જતા તેમાંથી મોટી માત્રામાં ઈંધણ રોડ પર વહી નીકળ્યું હતું. હોટલ સહયોગ પાસે આ બનાવ બન્ય હતો. મોટા પ્રમાણમાં ઈંધણ રોડ ઢોળાઈ જતા એક બાજુનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેના પગલે ટ્રાફિકજામ થયો હતો. આ રસ્તે આગળ આડેસર ટોલનાકે ૧ર૦ રૂપિયા ટોલ ઉઘરાવાય છે. અહીં રોજના નાના-મોટા અકસ્માતો થતા હોય છે. આવી ઘટનાઓ બને ત્યારે તાત્કાલીક પણે હાઈવે ઓથોરિટીની ટીમે ઘટનાસ્થળે આવી પરિસ્થિતિ પર કાબૂ લેવાનો હોય છે પરંતુ એક કલાક સુધી કોઈ દેખાયા ન હતા. જેને પગલે લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.

Comments