ઝરપરાના તળાવ પાસે સૂતેલા યુવક પર ડમ્પરના ટાયર ફરી વળતા મોત
રોડ પર મેટલની ભરતી માટે હતભાગી યુવાન ગાડી ખાલી કરવા ગયો ત્યારે કાળ ભેટી ગયો
ભુજ : મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે સોનીવારા તળાવની બાજુમાં સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સૂતેલા યુવાન પર ડમ્પરના ટાયર ફરી વળતા કાયમ માટે તેણે આંખો મીચી લીધી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી લખમણભાઈ નાથાભાઈ મીંઢાણીએ મુન્દ્રા પોલીસમાં જણાવ્યું કે, તેમનો કૌટુંબિક પૌત્ર અર્જુન દેવરાજ મીંઢાણી ડમ્પર લઈને મેટલ ખાલી કરવા માટે ગયો હતો. તળાવની બાજુમાં રોડ પર મેટલની ભરતી કરવાની હોવાથી તે ગયો હતો. રાત્રિના ડમ્પર ખાલી કરી તે રોડની બાજુમાં સૂઈ ગયો હતો. દરમિયાન સવારે ડમ્પર નં.જીજે૩૬-ટી-૧૯૩૮ ના ચાલક કરશન મંગા ગેલવાએ પાછળ જોયા વગર અચાનક રિવર્સ લેટા સૂતેલા પૌત્ર અર્જુન પર ડમ્પરનું ટાયર ફરી વળતા શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જેને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક કરશન સામે મુન્દ્રા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવને પગલે ગામમાં પણ શોક ફેલાઈ જવા પામ્યો હતો.
--

Comments