મુન્દ્રા પોલીસને મળી મોટી સફળતા : ૩૭ લાખના કોકેઈન સાથે બે યુવક પકડાયા
ડમી કસ્ટમરને મોકલીને માદક પદાર્થ પકડી લેવાયો : રાજસ્થાનના સાંચોરના બિશ્નોઈ પાસેથી વેચાણ અર્થે માલ લાવ્યાની કબૂલાત
ભુજ : કચ્છ જિલ્લામાં પરપ્રાંતિય વસ્તીના કારણે ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે તેવામાં મુન્દ્રા પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં ૩૭ લાખના કોકેઈન સાથે બે યુવકને ઝડપી લેવામાં આવ્યા છે. ડમી કસ્ટમરને મોકલીને આ માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રા પોલીસના હેડ કોન્સ્ટેબલ રોહિતગિરિ ગોસ્વામીને બાતમી મળી હતી કે, મુન્દ્રામાં ભક્તિપાર્ક-ર મા રહેતા અને મુળ રાજસ્થાનના દિનેશ બિરબલરામ ગુર્જર અને દલારામ અમરારામ પરિહાર નામના યુવકો ગેરકાયદે રીતે નશીલા ડ્રગ્સનું વેચાણ કરે છે. જેથી પીઆઈ આર.જે.ઠુમ્મરના માર્ગદર્શનમાં પીએસઆઈ એન.પી. ગોસ્વામી સહિતની ટુકડીએ દરોડો પાડવા માટે વ્યૂહરચના ગોઠવી અને ડમી કસ્ટમરને મોકલીને આરોપીઓને રંગે હાથ ઝડપી લેવા પ્લાન બનાવ્યો હતો. ડમી કસ્ટમરની સામે આરોપીઓ માલ લઈને આવ્યા અને પોલીસે દિનેશ અને દલારામને દબોચી લીધા હતા. એફએસએલને બોલાવીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સદર માદક પદાર્થ કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. ૧ ગ્રામ કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ લાખ રૂપિયા કિંમત છે. જેથી ૩૭ ગ્રામ કોકેઈનની ૩૭ લાખ કિંમત આંકવામાં આવી હતી. પુછપર કરતા કબૂલાત આપી કે, ૧૯ એપ્રિલના દલારામ સાંચોર ગયો હતો, જ્યાં દિનેશ ગુર્જરના ઓળખીતા સેન્ડી બિશ્નોઈ પાસેથી દિનેશના કહેવાથી કોકેઈન લઈને આવ્યો હતો. વેચાણ માટે કોકેઈન લઈને આવ્યો હતો. પોલીસે બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમો સામે એનડીપીએસનો ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ મુન્દ્રા પોલીસે હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી કેટલી વખત માલ લાવી વેચાણ કરવામાં આવ્યું, કોણ કોણ ગ્રાહકો છે તે સહિતની દિશામાં તપાસ હાથ ધરાઈ છે. મુન્દ્રા વિસ્તારમાં ડ્રગ્સની બદી અટકાવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા કરાઈ રહેલી કામગીરી અભિનંદનને પાત્ર છે.
--

Comments