ગુગલ અને સોશ્યલ મિડીયાનાં યુગમાં પણ વાંચનાલયનું મહત્વ એટલું જ
રોટરી લાયબ્રેરી ખાતે વિશ્વ પુસ્તક દિવસની થઇ ઉજવણી : અપ્રાપ્ય પુસ્તકો સહિત ૧૦૧ પુસ્તકોનું મળ્યું અનુદાન : સામાજિક દાહીત્ય તરીકે રોટરી દ્વારા ૧૮૦૦ પુસ્તકો ૩૦ જેટલી શાળા કોલેજોને વિતરીત કરાયા : પુસ્તક દાતા અને વોટર કૂલર દાતાનું કરાયું સન્માન
ભૂજ : વિશ્વ પુસ્તક દિવસ નિમિતે ભૂજ ખાતેની રોટરી લાયબ્રેરી મધ્યે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પ્રારંભમાં સૌને આવકારતા રોટરી ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન ડો. નવઘણ આહિરે વિશ્વમાં સોશ્યલ મીડિયાનાં આક્રમણ સામે લાયબ્રેરીનાં ટકી રહેલાં સ્થાનને કચ્છ જિલ્લામાં મજબુતીકરણ તરફ થતી ગતિમાં રોટરી લાયબ્રેરી નિમિત બનતી હોવાનાં દાવા સાથે વર્ષ દરમ્યાન મળેલ દાતાઓનાં સહયોગનો ઉલ્લેખ કર્યો હતો.
ઉપપ્રમુખ જયેશભાઇ શાહે મનુષ્ય જીવનમાં પુસ્તકોનું મહત્વ વર્ણવતાં જણાવ્યું હતું કે, આજનાં ગુગલ અને મોબાઇલ હેન્ડ પીસ મારફતે મનુષ્ય જીવન પર આધિપત્ય જમાવવાની કોશિશ કરતાં સોશ્યલ મીડિયાની હાજરીમાં પણ લાયબ્રેરીનું સ્થાન અકબંધ રહ્યું છે, તેવું જણાવી વિશ્વનાં અગ્રગણ્ય લેખકોની ઉત્કૃષ્ટ કૃતિઓ વિષે આછેરો ખ્યાલ આપ્યો હતો. લાયબ્રેરી સંબંધિત આંકડાકીય માહીતી આપતાં લાયબ્રેરી ચેરમેન રોટે. પ્રફુલ્લ ઠક્કરે આ લાયબ્રેરી છેલ્લા ચાર દાયકાથી કચ્છની પ્રજાની વાંચન ભૂખ સંતોષતી આ લાયબ્રેરીમાં વિવિધ વિષય સુચી ધરાવતાં ૨૫,૦૦૦ જેટલાં પુસ્તકો ઉપલબ્ધ છે. જેનો ૨૦૦૦ જેટલાં કાયમી સભ્યો તેનો બહોળો લાભ લે છે. આ ઉપરાંત દૈનિક અને સામયિકોનો પણ દરરોજ ૧૨૫ જેટલાં વાંચન શોખીનો લાભ લે છે. જ્યારે સરકારી નોકરી માટેની પરિક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે અલાયદો રૂમ અને બુકસ ભંડોળ હોવાથી તેનો સરેરાશ ૧૦૦૦ જેટલાં વિધાર્થીઓ શાંતિપૂર્વક લાભ લેતાં હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે ગઢસીસાનાં ડો. સુરેશ પટેલ દ્વારા મળેલ અપ્રાપ્ય પુસ્તક “ ભગવઘ્રોમંડલ” નાં નવ ભાગ સહીત ૩૫ જેટલાં પુસ્તકો ભેટ અપાતાં તથા લાયબ્રેરીનાં ઉપયોગ માટે એક વોટર કુલર દાતા કરસનભાઇ ચૌધરી દ્વારા અપાતાં તે બન્ને દાતાઓનું સન્માન રોટરી પ્રમુખ ભાવેશ પટેલ તથા મંત્રી અરશફ મેમણ દ્વારા કરવામાં આવેલ હતા. નલીયાનાં ખ્યાતનામ કવિ- લેખક હરેશ જોષી “કસબી” એ પોતાના તરફથી ૫૧ પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાં રોટરી ક્લબે સામાજીક દાહિત્ય સ્વીકારી ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા ચાલુ સાલે ૩૦ જેટલી સ્કૂલ -કોલેજોને અપાયેલ ૧૮૦૦ જેટલાં પુસ્તકોની પ્રતિક અર્પણવિધિ કલબ મોભીઓનાંનાં હસ્તે કરવામાં આવેલ હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ રોટે. આસુતોષ ગોરે કરેલ હતી, જ્યારે વ્યવસ્થા સાર્જન્ટ વિમલ ખારેચા, દિલીપ રબારી વિગેરેએ સંભાળેલ હતી.
---------

Comments