Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના નાના રણમાં ૬૫ કિલોમીટરનો રસ્તો બન્યો જળમાર્ગ

23 April



નર્મદા કેનાલના ભંગાણ મુદ્દે ર૪મીએ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક


નહેરનું સમારકામ, ચેક ડેમનું નિર્માણ અને કૃત્રિમ તળાવોમાં પાણી વાળવા જેવી કાર્યવાહી શરૂ : સાંતલપુર, ધ્રાંગધ્રા, વિરમગામ અને બજાણા સહિતના વિસ્તારોમાંથી પાણીનો પ્રવાહ પસાર



ભુજ : કચ્છ જેવા સુકા અને પરંપરાગત જળસ્ત્રોતના અપુરતા સંશાધનો ધરાવતા પ્રદેશ માટે નર્મદા એ જીવાદોરી સમાન બની છે. પરંતુ ૭૫,૦૦૦ કિમી લાંબી નર્મદા કેનાલના લીકેજને કારણે કચ્છના નાના રણમાં આશરે ૬૫ કિલોમીટર લાંબો અને ૫૦૦ મીટર પહોળો પાણીનો અણધાર્યો માર્ગ બની ગયો છે. પાણીના મોટા જથ્થાના લીકેજથી પર્યાવરણીય ગંભીર સમસ્યાઓ ઉભી થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા આઠ મહિનામાં લીકેજને રોકવા માટે નહેરનું સમારકામ, ચેક ડેમનું નિર્માણ અને કૃત્રિમ તળાવોમાં પાણી વાળવા જેવી ઉપચારાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ૨૪ એપ્રિલના રોજ ગાંધીનગરમાં એસએસએનએનએલ કાર્યાલય ખાતે આ અંગે સંકલન સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં તપાસ સમિતિ દ્વારા રજુ કરાયેલા ઉપાયો અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવશે. રણમાં થઈ રહેલા પાણીના વેડફાટને અટકાવવા વિવિધ મોરચે ચાલી રહેલા પ્રયાસોની દિશા નિર્ધારીત કરવામાં આવશે. 
આ અંગે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ થયેલા તારણો અનુસાર, આ પાણીનો પ્રવાહ સાંતલપુર, ધ્રાંગધ્રા, વિરમગામ અને બજાણા સહિતના અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે. આ ગંભીર પરિસ્થિતિની નોંધ લેતા, જીએસએચઆરસી ચેરમેન જસ્ટિસ કે.જે. ઠાકરે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન મુકેશ પુરીને આ મામલે ધ્યાન દોર્યું છે. સિંચાઈ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ૨૮ મેના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન, જીએસએચઆરસી એ આ મુદ્દાની તપાસ કરવા અને વ્યવહારુ ઉકેલો શોધવા માટે એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, પાઇલોટ ડ્રોન સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલા ઉપાયોમાં ધ્રાંગધ્રા શાખા નહેર સાથે જોડાયેલી નદીઓ અને નાળાઓ પરના જૂના ચેક ડેમનું સમારકામ સામેલ છે.સમિતિના સભ્ય અને અરજદાર અગરિયા હિતરક્ષક મંચના પ્રમુખ હરિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “પાટડી અને ધ્રાંગધ્રા જેવા પેરિફેરલ બ્લોકના ખેડૂતોને ડિસેમ્બર સુધીમાં નર્મદાના પાણીની જરૂર હોય છે. ચોમાસા સિવાયના સમયગાળા દરમિયાન કચ્છના નાના રણ સુધી વધારાનું પાણી પહોંચતું અટકાવવા માટે પાણીનું માપિત વિતરણ કરવું જરૂરી છે.” તેમણે ૨૦૧૪ની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, માળિયા શાખા નહેરમાં ભંગાણ થવાને કારણે ગણતરીના કલાકોમાં મોટી માત્રામાં પાણી કચ્છના નાના રણમાં વહી ગયું હતું.

 

Comments

COMMENT / REPLY FROM