કચ્છના સમગ્ર શિક્ષા અભિયાનમાં વધુ એક મોટા કૌભાંડની ગંધ
ભ્રષ્ટાચાર બની ગયો છે શિષ્ટાચાર
કચ્છના આઈડી કો-ઓર્ડિનેટર દ્વારા બોગસ ટીએ-ડીએના બીલ બનાવી ઉચાપત કર્યાની ફરિયાદ : જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર (ડીપીઈઓ)ને કરાયેલી ફરિયાદમાં સનસનીખેજ આક્ષેપોની ઝડી : સાથી કર્મચારી સાથે બનાવેલી હોટલના બોગસ બીલ બનાવી છેલ્લા પાંચ વર્ષથી આચરાઈ રહ્યું છે કૌભાંડ : જવાબદાર અધિકારીની કૃપા દૃષ્ટી કે મિલિભગત ? : રજૂઆત કર્તાનો વેધક સવાલ
સમગ્ર પ્રકરણ-ફરીયાદ બાબતે ચોકકસથી તપાસ કરાવીશુ, ડીપીઈઓ શ્રી વાઘેલાને પણ આ બાબતે પુછી યોગ્ય કાર્યવાહી થવાના સુચન આપું છું : શ્રી ઉત્સવ ગૌતમ(જિલ્લા વિકાસ અધિકારીશ્રી-કચ્છ)
અમને ફરીયાદ મળી છે, હાલમાં તો એવુ કંઈ લાગતુ નથી, છતા પણ નિયમ આધારીત તપાસ ચોકકસથી કરાવીશુ : શ્રી ભુપેન્દ્રસિંહ વાઘેલા(ડીપીઈઓ, કચ્છ)
ખાટલે મોટી ખોટ : જો શિક્ષણ વિભાગમાં આજ રીતે વહીવટ ચાલતા હોય અથવા તો તેને લઈને ફરીયાદો ઉઠતી હોય તો જિલ્લા શિક્ષણ સમીતી ચેરમેનની પણ પુરતી જવાબદારી બની રહી છે કે તેઓ ડીપીઈઓને આ બાબતે જરૂરી માર્ગદર્શન અને સુચનો આપી આવી ગેરરીતીઓ બાબતે ત્વરિત એકશન લે. ફરીયાદ થઈ એટલે એ સત્ય જ છે તેવુ માની લેવાનુ કારણ નથી પરંતુ હકીકતમાં તેમા તથ્ય શું છે, તેની તપાસ કેવી રીતે અને શું કરાઈ છે તે બાબતે ડીપીઈઓ અને જિલ્લા શિક્ષણ સમીતી ચેરમેન બન્નેએ સરકારનાહિતમાં સામે ચાલીને માહીતી સાર્વજનિક કરવી જ જોઈએ તેવી લોકઅપેક્ષાઓશિક્ષણ જગતમાંથી સામે આવવા પામી રહી છે. જો કે, આ અંગે શિક્ષણ સમિતી ચેરમેનના ફોનની ઘંટડીઓ જ રણકતી રહી હોવાથીત ેમની પ્રતિક્રીયાઓ મળવી વિફળ રહી હતી
ભુજ : સામાન્ય પ્રજાજનો પાસેથી વસૂલાતા ટેક્સની રકમમાંથી મોટાભાગની રકમ સરકારી બાબુઓના પગાર અને અન્ય ખર્ચમાં વપરાતી હોય છે. સરકારી નોકરીમાં દર મહીને મસમોટી રકમ વેતન સ્વરૂપે મળતી હોવા છતાં કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ ઉપરી આવક મેળવવાની એકેય તક જતી કરતા નથી. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી જ રહે છે. કેટલાક સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર જ બની ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે તેવામાં કચ્છમાં શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્ર સાથે સંકળાયેલા સમગ્ર શિક્ષા વિભાગમાં મોટી જવાબદારી સંભાળતા એક કર્મચારી દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની રાવ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી પહોંચી છે. આ વિભાગના એક કર્મચારીએ ખોટા ખર્ચ બીલો રજૂ કરી ગેરરીતિ કરી હોવાની ફરિયાદ ઉઠતા કચ્છના શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.
ભુજના એક જાગૃત્ત નાગરિકે જિલ્લા પ્રાથમિક અધિકારી સમક્ષ કચ્છમાં સમગ્ર શિક્ષાના આઈડી કો-ઓર્ડિનેરટ સામે નામજોગ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી સમગ્ર કૌભાંડની તલસ્પર્શી તપાસ કરવા માંગ કરી છે. આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર સમગ્ર શિક્ષા વિભાગના આઈડી કો-ઓર્ડિનેટર તરીકે જિલ્લમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહેલા વિષ્ણુ પ્રજાપતિ નામના કર્મચારીએ જ્યારથી ફરજ સંભાળી છે ત્યારથી આજ સુધી અનેક ખોટા ટીએ/ડીએના બીલ રજૂ કરી નાણાંની ઉચાપત કરી છે. આ સાથે જ સમગ્ર શિક્ષાની કચેરીમાં તેમની સાથે કામ કરતા ઓફિસ ઓપરેટર સાથે મળીને ભુજના પ્રાઈમ લોકેશનમાં મારું ગામડું નામની હોટલ પણ ચલાવે છે. આ હોટલમાં અધિકારીઓના જમવાના ખોટા બીલો રજૂ કરી વ્યાપક ભ્રષ્ટાચાર કર્યા છે. રજૂઆતકર્તાએ છેલ્લા પાંચ વર્ષના હોટલના રજૂ થયેલા બિલોની ચકાસણી કરવા અનુરોધ કર્યો છે. તેમણે આ કૌભાંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરી છે. ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયેલા સમગ્ર શિક્ષા અભિયાનમાં ચાલી રહેલ ગેરરીતિની તટસ્થ તપાસ કરી કૌભાંડ આચરનારને છાવરવાના બદલે કડક કાર્યવાહી કરવા ભારપૂર્વક અનુરોધ અરજદાર અર્જુન જેઠી દ્વારા કરવામા આવ્યો હતો.
આ અંગે ડીપીઈઓશ્રી વાઘેલાએ કહ્યુ હતુ કે, અમને ફરીયાદ મળી છે, હાલમાં તો એવુ કંઈ લાગતુ નથી, છતા પણ નિયમ આધારીત તપાસ ચોકકસથી કરાવીશુ જો કે, ફરીયાદ આધારેનું કાંઈ જ લાગતુ ન હોવાનું જણાવનાર ડીપીઈઓશ્રીને જયારે કહેવાયુ કે, અલગ અલગ તાલુકાની વિઝિટ બુકમાં નોધ-નોટીંગ દેખાતુ નથી, તેવા પત્રો પણ અરજદારે જોડયા છે, અલગ અલગ તાલુકાઓમાં જો વીઝીટ બુકંમા નોધ જ ન લખાઈ હોય અને એ દીવસોના પણ ટીએડીએ ઉધારી લેવાયા હોય તો શું સમજવુ? ત્યારે શ્રી વાઘેલાએ જણાવ્યુ કે, અમે હાલમાં કલીનચીટ નથી આપતા, હજુ તો ગઈકાલે જ ફરીયાદ અરજી આવી છે, કડકથી નિમય આધારીત તપાસ કરાવીશું. ટીએડીએ બાબતે વ્યકિત કર્મચારી ટુર ડાયરી લખતા હોય છે, તે વ્યકિતગત જવાબદારી તેમની રહેતી હોય છે, આવુ કહેનારા શ્રી વાઘેલા સાહેબને જયારે એમ પુછાયુ કે, કેાઈ પણ કર્મચારી ટીએડીએમાં જે કંઈ દર્શાવે તે બીલો ચૂકવવા પાત્ર બની જાય છે, તેનું કોઈ જ વેરીફીકેશન કરવામાં નથી આવતુ? કેમ બરાબરને? ત્યારે એમણે જણાવ્યુ કે, ના એવુ નથી હોતુ, હિસાબીનસ અધિકારીએ વેરીફીકેશન કરવાનુ થતુ હોય છે. હવે અહી જોવાની વાત એ છે કે, ડીપીઈઓશ્રી આ કેસમાં હકીકતમાં સત્યલક્ષી તપાસ કરાવે છે, કે પછી જે રીતે પ્રતિક્રીયાઓમાં દર્શાવાયુ છે તે જ રીતે ફરીયાદનો છેદ જ ઉડી જવા પામે છે? તે તરફ શીક્ષણજગતના મીટ મંડાયેલા છે.
આવા પ્રશ્નો એટલા માટે થઈ રહ્યા છે કે, આ પહેલા પણ એસએસએમા હિસાબનીશની સામે પગલા લેવા જે સાત સભ્યોની સમીતી ડીપીઈઓ દ્વારા બનાવાઈ હતી, તેને સરકાર તબક્કેથી વિખેરી અને એ કેસની તપાસ પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સોપવામા આવી હતી. હાલના ટીએડીએવાળા કેસની સમગ્ર બાબતે ડીડીઓશ્રી ઉત્સવ ગૌતમની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આખાય પ્રકરણની હું તપાસ કરાવું છુ અને ડીપીઈઓને પણ ટીએડીએ બાબતે થયેલી ફરીયાદ અંગે પુછી યોગ્ય કરવા સુચના આપું છુ તેવી ખાત્રી દર્શાવી હતી. આગળના કેસની તેઓને જે તપાસ સોપોલી હતી તેનો અહેવાલ સરકાર તબક્કે તેમણે તપાસ કરી અને રજુ કરી દીધો છે જે મામલે સરકાર કક્ષાએથી જ પગલા લેવાઈ શકે છે, તેઓ આ બાબતે હાલતુરંત કઈ પણ કહેવા અસમર્થતા દર્શાવી હતી.
..........
બોગસ બીલોને મંજૂરી આપનાર અધિકારી શંકાના દાયરામાં
કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા સમગ્ર શિક્ષાના આઈડી કો-ઓર્ડિનેટર વિષ્ણુ પ્રજાપતિ દ્વારા રજૂ કરવામાં આવેલ ટીએ-ડીએના બીલોને કોઈપણ જાતના વેરિફિકેશન વગર જ મંજૂર કરનાર જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભુજની એક માત્ર ખાનગી હોટલના રજૂ થયેલા બીલોને અપાયેલ મંજૂરીની પણ તટસ્થ તપાસ થવી જોઈએ. કોઈપણ ઉપરી અધિકારીની કૃપા દૃષ્ટી વગર નાના કર્મચારીઓ ગેરરીતિ આચરી શકે નહીં તેથી ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયેલ સમગ્ર શિક્ષા પ્રોજેક્ટમાં ગેરરીતિની ઉઠતી ફરિયાદોની વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તે ઈચ્છનીય છે તેવું જાગૃત્ત નાગરિકો જણાવી રહ્યા છે.
..................
વિઝિટ બુકમાં એન્ટ્રીની નથી લેવાતી દરકાર
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ વિભાગના સંયોજકોને બીઆરસી ભવનની મુલાકાત લેવાની થતી હોય છે પરંતુ કોઈપણ તાલુકાના બીઆરસી ભવનની મુલાકાત વખતે વિઝિટ બુકમાં તેની નોંધ કરવાની કોઈ જ દરકાર લેવામાં આવતી નથી. વિઝિટ બુકમાં નોંધ ધરવાનું મરજીયાત હોવાનો ગેરલાભ ગેરરીતિ આચરનારા લેતા રહે છે. આઈડી કો-ઓર્ડિનેટરની વિવિધ બીઆરસી ભવનની મુલાકાત અંગે તાલુકા બીઆરસી કો-ઓર્ડિનેટરનોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુંં હતું કે, સમયાંતરે આઈડી કેમ્પ જેવા સંયોજક મુલાકતે આવતા રહે છે પરંતુ વિઝિટ બુકમાં તેની નોંધ કરવામાં આવતી નથી. સમગ્ર શિક્ષા અભિયાન જાણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા જ ચાલી રહ્યું હોય તેમ પ્રોજેક્ટ અંતર્ગત થતી કામગીરીમાં અનેક છીંડાઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે કેટલાક ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળી રહે છે.

Comments