મુંદરાના ધ્રબ ગામે સરકારી જમીન પરથી દબાણો દૂર કરાયા
મહેસૂલી વિભાગ દ્વારા ૭૪ દબાણો દૂર કરી ૩૭૮ર ચોરસમીટર જમીન ખૂલ્લી કરાઈ
મુંદરા : તાલુકાના મહેસૂલી તંત્ર દ્વારા મંગળવારે ધ્રબ ગામે સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવામાં આવ્યા હતા. ધ્રબ ગામે સરકારી સર્વે નંબર ૧૬૯ પૈકીની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી હોટલ, ઓરડીઓ, ભંગારના વાડા, દુકાનો બનાવવામાં આવી હતી. મહેસૂલી તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીમાં સરકારી જમીન પર થયેલ અનધિકૃત દબાણ તથા બાંધકામ દૂર કરાયા હતા. આ કામગીરી અંતર્ગત મુંદરા મામલતદાર કે.એસ. ગોદિયા દ્વારા દબાણકર્તા શખ્સોને દબાણ હટાવી લેવા નોટીસ આપવામાં આવી હતી. જે ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ અને બાંધકામોને મંગળવારે તોડી પાડવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને મુંદરા પ્રાંત અધિકારીના સુપરવિઝન હેઠળ મુંદરા મામલતદાર, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર (દબાણ), પીજીવીસીએલ તથા પોલીસની હાજરીમાં હોટલ, ઓરડીઓ, ભંગારના વાડા સહિત ૭૪ દબાણો દૂર કરી ૩૭૮ર ચોરસ મીટર જમીન ખૂલ્લી કરવામાં આવી હતી. જંત્રી મુજબ રૂા.ર,૪૯,૬૧,ર૦૦ની કિંમતી સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી હતી તેવું મુંદરા પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાની યાદીમાં જણાવાયું છે.
------------

Comments