બિદડા ગામે આઈપીએલની મેચ પર સટ્ટો રમતો યુવક પકડાયો
અવાર-નવાર એલસીબીએ દરોડા પાડ્યા, સ્થાનિક પોલીસ નિષ્ક્રિય રહેતા ક્રોસ તપાસ અપાઈ
માંડવી : તાલુકાના બિદડા ગામે ગ્રામ પંચાયતની બાજુમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા યુવકને ઝડપી લેવામાં આવ્ય હતો. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બિદડા ગામે દરોડો પાડતા હોલો ફળિયામાં રહેતો વિમલ નારાણભાઈ રાજગોર પોતાના મોબાઈલમાં સટ્ટો રમતો હતો. ગુજરાત અને કોલકત્તા વચ્ચેની મેચમાં પોતાના મોબાઈલ ઓનલાઈન આઈડી મેળવી તેમાં હારજીતનો સટ્ટો રમતો હતો. મોબાઈલ તપાસતા આઈડીમાં ૮૧પપ નું બેલેન્સ મળી આવ્યું હતું. આઈડી મુન્દ્રાના ગોપાલ ગઢવી પાસેથી મેળવી હતી. જેથી બન્ને સામે કોડાય પોલીસમાં જુગારધારાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહત્ત્વની બાબત એ છે કે, કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ એલસીબીએ દરોડો પાડી આઈપીએલની મેચ પર સટ્ટો રમતા યુવકોને ઝડપી લીધા છે. સ્થાનિકે પોલીસ નિષ્ક્રિય હોય તેમ અવાર-નવાર એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેને પગલે અનેક તર્કવિતર્ક વહેતા થવા પામ્યા છે. હાલ આ પ્રકરણમાં ક્રોસ તપાસ ગઢશીશાના ઈન્ચાર્જ પીઆઈ સી.વાય. બારોટને સોંપવામાં આવી છે.
.........

Comments