મોટા કપાયા અને ભુજમાં રેતી ચોરી ઝડપાઈ
પૂર્વ બાતમીના આધારે ક્લાઈંગ સ્ક્વોર્ડનો સપાટો : બે દિવસમાં કુલ ૧ કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત
ભુજ : મદદનીશ નિયામક, ક્લાઈંગ સ્ક્વોર્ડની કચેરી, કચ્છ દ્વારા સાદી રેતી તથા સાદી માટી ખનિજની ચોરી અંગે મળતી અવાર નવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ તા.૨૦/૪ના રોજ સાંજના સમયે મળેલ બાતમીના આધારે ખાનગી વાહનથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમ્યાન મુંદ્રા તાલુકાના મોટા કપાયા ગામના નદી પટ્ટમાં તપાસ કરતાં એક્ષકેવેટર, ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી થતી સાદી રેતી ખનિજની ચોરી પકડી પાડવામાં આવી હતી. તપાસમાં સાદી રેતી ખનિજની ચોરીમાં સામેલ ૧ એક્ષકેવેટર, ૩ ડમ્પર, ૧ ટ્રેક્ટર સહિત કુલ પાંચ વાહનો પકડી આશરે ૭૦ લાખનો મુદ્દા માલ સીઝ કરી મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યો હતો.
બીજીતરફ તા.૨૧/૪ના રોજ પણ મળેલ બાતમીના આધારે ખાનગી વાહનથી ભુજ શહેરના એરપોર્ટ રોડ વિસ્તાર પર આવેલ કેનીયોન હોટલની પાછળ બિન અધિકૃત રીતે સાદી માટીનું ખનન કરતા ૧ લોડર અને ૧ ડમ્પરને પકડી પાડી કુલ મળી ૩૦ લાખનો મુદ્દા માલ સીઝ કરાયો હતો. બે દિવસમાં કુલ ૧ કરોડનો મુદ્દા માલ જપ્ત કરી બંને તપાસોની આગળની નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
-----

Comments