ગોવાથી ગાંધીધામ આવી રહેલો ૭૦.પ લાખનો શરાબ ઝડપાયો
એસએમસીએ નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા નજીક ઘેટાના ઉનની આડમાં ઘૂસાડાતી ૭,૮૯૬ દારૂની બોટલો જપ્ત કરી : દારૂ મોકલતા, મંગાવનાર સહિત ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
ગાંધીધામ : ગોવાથી ગાંધીધામ આવી રહેલા લાખોનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયો હતો. એસએમસીએ ભરૂચ જિલ્લામાં નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા નજીક ૭૦.૫ લાખ રૂપિયાની કિંમતની ૭,૮૯૬ દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે માલ લઈ જતી ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી હતી.એસએમસી પોલીસને બાતમી મળી હતી કે આરજે-૨૭-જીબી ૨૮૫૫ નંબર પ્લેટવાળી ટ્રક દારૂ લઈ જઈ રહી છે. એસએમસીની ટીમ નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા નજીક પહોંચી અને જ્યારે ટ્રક તેની નજીક આવી ત્યારે તેમણે તેને રોકી હતી. ટ્રક ગાંધીધામ જઈ રહી હતી અને દારૂની બોટલો ગોવામાં લોડ કરવામાં આવી હતી. ડ્રાઈવર પોલીસ અને અન્ય એજન્સીઓને છેતરવા માટે નકલી ઈ-વે બિલ લઈ જઈ રહ્યો હતો. તપાસ કરતા ડ્રાઇવર પિન્ટુ રાવતે
પોલીસને જણાવ્યું કે તે ‘ઘેટાનું ઊન’ લઈ જઈ રહ્યો હતો. તેણે એક નકલી ઈ-વે બિલ પણ બનાવ્યું જેમાં લખ્યું હતું કે મેંગલોર સ્થિત એશિયન એન્ટરપ્રાઇઝ ગાંધીધામ સ્થિત ‘કચ્છી ઊનની દુકાન’ માટે ‘ઊન’ સપ્લાય કરે છે. જોકે, ટ્રકના ઉપરના ભાગમાં ફક્ત ૩૯ થેલી ઊન મળી જ્યારે દારૂની બોટલો આ ઊનની થેલીઓ નીચે છુપાયેલી હતી. જેથી પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી અને ચાર અન્ય લોકો સામે ગુનો નોંધ્યો હતો તેવું એસએમસીન ડીવાયએસપી કે. ટી. કામરિયાએ જણાવ્યું. દારૂની બોટલોમાં મોટાભાગે વોડકા અને બીયર મળી આવ્યો હતો. એસએમસીએ દારૂ મોકલનાર, મંગાવનાર, ટ્રક માલિક સહિત ચાર સામે અંકલેશ્વર બી ડિવિઝન
પોલીસ સ્ટેશનમાં દારૂબંધી કાયદાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

Comments