શેખપીર પાસેથી ૧.૭૦ લાખના એમડી ડ્રગ્સ સાથે નાના વરનોરા અને ઝીંકડીનો શખ્સ ઝડપાયો
અમદાવાદથી ખેપ કરી આઈસર ટ્રકમાં લઈ આવતા એસઓજીને હાથ લાગ્યા
ભુજ : પશ્ચિમ કચ્છના પ્રવેશદ્વાર શેખપીર ત્રણ રસ્તા પાસે પાર્ક કરેલા આઈસર ટ્રકમાંથી રૂપિયા ૧.૭૦ લાખની કિંમતના ૧૭ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે નાના વરનોરા અને ઝીંકડી ગામના બે શખ્સોને એસઓજીએ દબોચી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસઓજીને બાતમી મળી હતી કે, નાના વરનોરા ગામનો આરોપી કરીમ સિદીક મમણ અને ઝીંકડી ગામનો આરોપી હરેશ વાલજી કેરાસીયા શેખપીર ત્રણ રસ્તા પાસે પાર્ક કરેલ આઈસર ટ્રક નંબર જી.જે. ૧ર સીટી ૩૪૯૯ વાળી પાર્ક કરી ઉભેલા છે. જેમાં માદક પદાર્થનો જથ્થો રાખેલો છે. બાતમીના આધારે શનિવારે મોડી રાત્રે સ્થળ પર તપાસ કરતાં બંને આરોપીઓ ટ્રકની કેબીનમાં બેઠેલા હતા. પોલીસે આરોપીઓની ઝડપી લેતાં આરોપી કરીમના ખિસ્સામાંથી સફેદ કલરનો પાવડર ભરેલ બે નાની પ્લાસ્ટિકની પડીકી મળી આવી હતી. જેની ખરાઈ કરતાં એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ૧.૭૦ લાખના એમડી ડ્રગ્સ સહિતના મુદામાલ સાથે અટકાયત કરી હતી. પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ ટ્રક લઈ અમદાવાદ ગયા હતા. સ્થાનિકે માદક પદાર્થનું વેચાણ કરતા હોઈ ૧૮મી એપ્રિલના બપોરે અમદાવાદ આલમ વિસ્તારમાં ગયા હતા. જયાં સલીમ સૈયદને ફોન કર્યો હતો. જે બાદ સલીમનો માણસ એમડી ડ્રગ્સનો જથ્થો આરોપીઓને આપી ગયો હતો. આરોપીઓએ રૂપિયા ૧૯ હજાર એડવાન્સમાં આપી દિધેલા હોવાનું અને ૧૩ હજાર માલ મળ્યો ત્યારે આપ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ બંને આરોપીઓની અટકાયત કરી પદ્ધર પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments