આણંદ કેમીકલ ચોરીમાં કચ્છ કડીનો ખુલાસો
કચ્છથી પાનોલી જઈ રહેલા ટેન્કરને રાહતલાવના ગોડાઉનમાં લઈ જઈ આદરાઈ ર૧ ટન કેમીકલની ચોરી : પોલીસે મુદ્દામાલ સાથે ચોર ટોળકીને દબોધી લીધી : કેમીકલ કંડલાથી ભરાયું હતું : પુછતાછમાં કચ્છ કનેક્શનના થઈ શકે છે વધુ ખુલાસા
પોલીસે દરોડો પાડતા ટેન્કર ચાલક, ગોડાઉન માલિક સહિત ૩ ઝડપાયા : ૪.૨૦ લાખનું કેમિકલ ૨૫ બેરલમાં ભર્યુ હતું
ગાંધીધામ : આણંદ તાલુકાના રાહતલાવ સીમના ગોડાઉનમાં ચાર દિવસ અગાઉ કચ્છથી પાનોલી જઈ રહેલ ટેન્કરને લઈ જઈ તેમાંથી ૨૧ ટન કેમિકલ્સ કિ.રૂ. ૪.૨૦ લાખનું કાઢવામાં આવ્યુ હતું. પોલીસે તરત જ છાપો મારી ડ્રાઈવરને ઝડપ્યો હતો. અને ગોડાઉન માલિક તથા મદદ કરનાર તેના સાગરિતને પણ દબોચ્યો હતો. આ અંગે ફરિયાદ દાખલ થઈ છે.નડિયાદ તાલુકાના ડભાણ ગામે શ્યામકુંજ બંગલામાં ગીરીશકુમાર મણિલાલ સોલંકી ઉ.વ.૪૧ રહે છે, અને મહેતા રોડ લાઈન્સ કંપનીમાં વેરહાઉસ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપની કેમિકલ ટેન્કરો તથા આઈસ્ક્રીમ વાન દ્વારા માલની હેરાફેરી કરતા હોય તેની દેખરેખ રાખે છે. તા.૧૬ના રોજ તેમને આણંદ પોલીસે લેખિતમાં જણાવ્યુ હતું કે તેમની કંપનીની ટેન્કરનો ડ્રાઈવર ઈંદલ સંગ્રામ યાદવ રહે. શુરામલપુર તા.જિ. જોનપુર ઉત્તરપ્રદેશ ટેન્કરમાંથી રાહતલાવ સીમ ખાતે આવેલ હેતકુમાર જીતેન્દ્રભાઈ પટેલ રહે. ડાકોરના ગોડાઉનમાં કેમિકલ ચોરી કરતા પકડાઈ ગયા છે. આ માહિતી મળતા ગીરીશભાઈ સોલંકી ભાલેજ પોલીસ મથકે પહોચ્યા હતા. જયાં તેમને જાણવા મળ્યુ હતું કે તેમની ટેન્કર પર છેલ્લા છ મહિનાથી ઈંદલ યાદવ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત તા.૧૪ના રોજ તે ટેન્કરમાં કંડલાથી કેમિકલ ભરી ભરૂચના પાનોલી જવા સાંજે નીકળ્યો હતો. અને તા.૧૫ના રોજ રાત્રે આણંદ તાલુકાના રાહતલાવ ગામે હેત જીતેન્દ્રભાઈ પટેલ રહે. ડાકોરના ખેતરના ગોડાઉનમાં આ ટેન્કર લઈ જવાયું હતુ અને ત્યાં ૨૧ ટન કેમિકલ્સ કિ.રૂ. ૪.૨૦ લાખનું કાઢી લેવામાં આવ્યુ હતું. ૨૫ બેરલમાં આ માલ ભરવામાં આવ્યો હતો. માલ કાઢવામાં આવતો હતો, ત્યારે પોલીસે છાપો માર્યો હતો, અને તેને ઝડપી લીધો હતો. આ વખતે સ્થળ પર નીતેશકુમાર અરવિંદભાઈ વસાવા રહે. નવી ભાગોળ ડાકોર પણ હાજર હતો એટલે પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી.

Comments