મીઠીરોહરના ગોડાઉનમાં આગ લાગતા ૧.૧૪ કરોડનું નુકશાન
આકરી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવો વધ્યા
જસમેર ફૂડના ૧૦૦ ટન ચોખા કિંમત રૂા.૮પ લાખ, આઈટીસી લિમિટેડ નોન બાસમતીના ૭૦ ટન ચોખા કિંમત રૂા.ર૪ લાખનો જથ્થો બળીને ખાખ થયો, આગનું કારણ અકબંધ
ગાંધીધામ : તાલુકાના મીઠીરોહરમાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા ૧.૧૪ કરોડનું નુકશાન થયું હતું. આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મીઠીરોહર સીમમાં સર્વે નં.૩૧૧ મા આવેલા રાજદેવ વેરહાઉસના ગોડાઉન નં.૯ મા આ બનાવ બન્યો હતો. ફરિયાદી મેનેજર વિજય બચુભાઈ પટેલે એ-ડિવિઝનમાં નોંધાવેલી જાણવા જોગ પ્રમાણે કોઈ અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગતા જસમેર ફૂડના ૧૦૦ ટન ચોખા કિંમત રૂા.૮પ લાખ, આઈટીસી લિમિટેડ નોન બાસમતીના ૭૦ ટન ચોખા કિંમત રૂા.ર૪ લાખ અને ગોડાઉનમાં ચોખા ભરવાની ૧ લાખ ખાલી બેગ કિંમત રૂા.પ લાખ મળી કુલ ૧.૧૪ કરોડનું નુકશાન થવા પામ્યું હોવાનું એ-ડિવિઝન પોલીસને જાણવા જોગમાં લખાવાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ અને એપ્રિલ મહિનામાં કચ્છમાં આગ લાગવાના બનાવમાં ઉછાળો આવ્યો છે. દરરોજ અલગ અલગ સ્થળોએ આગ લાગવાના ઘટનાક્રમો સામે આવી રહ્યા છે. દેશ અને રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલાનું નોંધાઈ રહ્યું છે. આકાશમાંથી વરસતા અગન ગોળા વચ્ચે ધરતીપર આગ લાગવાના બનાવો બનતા ચિંતા ફેલાઈ છે. મીઠીરોહરના ગોડાઉનમાં લાગેલી આગ બાબતે હજુ સુધી કોઈ સચ્ચોટ કારણ સામે આવ્યું નથી. પોલીસ મથકે એવું જણાવાયું છે કે, ૧૬ એપ્રિલના સવારે ચાર વાગ્યાના અરસામાં આગ લાગવાનો આ બનાવ બન્યો હતો. ફાયર વિભાગની ટીમો આવીને પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ નુકશાનીની વિગતો મેળવ્યા પછી એ-ડિવિઝન પોલીસમાં જાણવા જોગ નોંધાવાઈ છે. આગ એટલી ભીષણ હતી કે, ગોડાઉનમાં રહેલા ચોખાનો જથ્થો આગમાં બળીને નાશ થઈ ગયો હતો. મહત્ત્વનું છે કે, પોર્ટ પરથી ઈમપોર્ટ એક્સપોર્ટ કરવા માટે અહીંના અલગ અલગ ગોડાઉનમાં ચોખાનો જથ્થો રાખવામાં આવતો હોય છે. ગોડાઉનમાં અન્ય પણ કિંમતી સમાન હોય છે ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે તકેદારી રાખવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments