રૂદ્રમાતાથી વેકરિયાના રણ સુધી નર્મદાનું પાણી ચોરનારા ઝપટે ચડ્યા
ગામડામાં લોકોના પાણી માટે વલખા અને ગેરકાયદે કનેકશન ધરાવનારને મોજેમોજ
અલગ અલગ ૧પ જેટલી હાઈવે હોટલો અને બ્લોકના કારખાનાના સંચાલકોએ મહિનામાં ૧૩.૯૧ લાખનું પાણી ચોર્યું : બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદાની લાઈનમાં કાણુ પાડી આચરી કરતુત
ભુજ : કાળઝાળ ગરમીના પગલે છેવાડાના વાગડથી માંડી ખાવડા અને સરહદી ગુનેરી સહિતના ગામના લોકો તોબા પોકારી ઉઠ્યા છે. શહેરી વિસ્તારમાં ચાર-પાંચ દિવસે પાણી આવે છે ત્યારે ગામડાઓમાં હજુ સુધી નર્મદાના નીર પહોંચ્યા નથી ત્યાં કેવી હાલત હશે તેની કલ્પના પણ ન કરી શકાય. લોકો પાણી માટે તરસે મરે છે અને હાઈવે હોટલોના સંચાલકો દ્વારા ગેરકાયદે રીતે પાણી ચોરવામાં આવતું હોય છે. વ્યાપક ફરિયાદો બાદ આખરે ભુજ ખાવડા હાઈવેની હોટલોના સંચાલકો સામે પગલાં ભરવામાં આવ્યા છે.
માધાપર પોલીસ સ્ટેશનમાં જુનાગઢના કોન્ટ્રાક્ટર દેવાયતભાઈ નારાણભાઈ પીઠિયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓએ બન્ની જુથ પાણી પુરવઠા યોજનાની નર્મદાની પાણીની પાઈપલાઈન પસાર થાય છે તેમાં રૂદ્રમાતા હેડવર્કથી વેકરિયા રણ સુધી રોડ સાઈટમાં આવેલ હોટલો અને કારખાનાના સંચાલકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે પાણીની મુખ્ય લાઈનમાં કાણુ પાડી ૧પ હજારનું નુકશાન કર્યું હતું. તેમજ ગેરકાયદે રીતે કનેકશન લઈ ૩૦ દિવસમાં ૧૩,૯૧,૧૭પ રૂપિયાના પાણીની ચોરી કરી હતી. જેના કારણે પાણીનો પુરવઠો બન્નીમાં પહોંચી શક્યો ન હતો. જેથી માધાપર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
અત્રે મહત્ત્વનું છે કે, ભુજ ખાવડા હાઈવે રોડ પર નમક ભરેલા અને આરઈ પાર્કના વાહનોની ભારે અવર-જવર હોવાથી બેફામ હોટલો ખુલી ગઈ છે. સરકારી જમીન પર ગેરકાયદે રીતે હાઈવે હોટલો ખડકી દેવામાં આવી છે. અગાઉ અનેક વખત મામલતદાર કચેરી દ્વારા દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે પરંતુ દબાણ હટાવવાની કાર્યવાહી પર રાજકીય દબાણ આવી જતા હોટલોના દબાણ તૂટતા નથી. હાલમાં કલેક્ટરે આખા જિલ્લામાં ગેરકાયદે દબાણો તોડવાની કામગીરીનો નિર્દેશ આપ્યો ત્યારે આ રોડ પર ગેરકાયદે હોટલો અને કારખાનાના દબાણો તૂટશે કે તેવો સવાલ ઉઠી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગે ગેરકાયદે પાણીના જોડાણ કાપ્યા છે તેમ પીજીવીસીએલ સહિતના તંત્રો તપાસ કરે તો વીજ ચોરી પણ સામે આવે તેમ છે. હવે જોવાનું રહે રહ્યું કે, આ કામગીરી આગળ ધપે છે કેમ.
.............
આ હોટલ ધંધાર્થીઓએ લોકોના હક્કનું પાણી ચોર્યું
ગોપાલ લખણ (શ્રી મહારૂદ્ર શક્તિ ટી હાઉસ)ના માલિક, રાઘવજી ગોપાલ (મહારૂદ્રાણી હોટલ)ના માલિક, સામજી ગોપાલ (હોટલ રૂદ્રાણી કૃપા)ના માલિક, હોટલ રૂદ્રાણીની પાછળ આવેલ સર્વિસ સ્ટેશન, ભીલાલ ઈભલાભાઈ (રૂદ્રાણી હાઈવે હોટલ)ના માલિક, કાનજી જીવા (રામદેવ કૃપા હાઈવે હોટલ)ના માલિક, કાના રૂપા (વાઘેશ્વરી કૃપા ટી હાઉસ)ના માલિક, વાલજી લખણા (મુરલીધર સર્વિસ સ્ટેશન)ના માલિક, માવજી રાણા (જય વડવાળા ટી હાઉસ)ના માલિક, લોરિયા ફાટક પાસે બ્લોકના કારખાનાના માલિક રમેશભાઈ, રાણુભા શિવુભા (ન્યુ બાબા રામદેવ રાજસ્થાન હોટલ)ના માલિક, વિરમ આહિર (આશાપુરા હોટલ)ના માલિક, આશાપુરા હોટલની પાછળ આવેલ ડામર પ્લાન્ટ, પ્રહલાદસિંહ (જોગમાયા હોટલ)ના માલિક, લાખાભાઈ (રામદેવ હોટલ)ના માલિકનો સમાવેશ થાય છે.

Comments