સ્થાનિક ઈતિહાસને ઉજાગર કરતો કચ્છ યુનિ.નો ઈતિહાસ વિભાગ
ભુજ : સ્થાનિક ઈતિહાસ એ કોઇપણ પ્રદેશનો પ્રાણ છે. ‘જે પોતાનો સ્થાનિક ઈતિહાસ ભૂલી જાય છે તેનું ભવિષ્ય પણ અંધકારમય બની જાય છે’ એ ઉક્તિને કચ્છ યુનિવર્સિટીનો ઈતિહાસ વિભાગ ચરિતાર્થ કરી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં કચ્છ યુનિવર્સિટીમાં શરુ થયેલ ઈતિહાસ વિભાગમાં પ્રથમ બેચ ૨૦૨૫માં પૂર્ણ થઇ છે. આ પ્રથમ બેચમાં જ વિભાગનાં ૬૭ વિદ્યાર્થીઓએ સ્થાનિક ઈતિહાસ પર સંશોધન કરી પોતાનો લઘુશોધ નિબંધ રજુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તમામ વિદ્યાર્થીઓએ ભુજ તાલુકાની થીમ પર તાલુકાનાં ગામો જેવા કે કાળીતલાવડી, ધાણેટી, લાખોંદ, ઢોરી, નોખાણીયા, હબાય, ધ્રંગ, કુનરિયા, દેશલપર, મેઘપર, સુખપર, સામત્રા, કેરા, ઝુરા, નારાણપર, કોડકી, ભારાસર, અજરખપુર, બળદિયા, રાયધણપર, ભુજોડી, કુકમા, લોડાઈ, પધ્ધર, રૂદ્રમાતા, દહીંસરા, વરલી, માનકુવા, સણોસરા, માધાપર વગેરે જેવા ૫૦થી વધારે ગામોનો ઈતિહાસ અને તેમની સંસ્કૃતિ ઉજાગર કરી છે. આ ઉપરાંત ભુજ તાલુકાનાં મંદિરો, ભુજ તાલુકાનાં ઐતિહાસિક પર્વતો, પાળિયાઓ, ઐતિહાસિક સ્થળો, તાલુકાનાં સ્વામિનારાયણ મંદિરો, ભુજ તાલુકાની કલાઓ, વાવો, પ્રગટપાણી, શ્રવણ કાવડિયા, ટપકેશ્વરી, બાંધણી કલા, વણાટ કલા, ભરતગુંથણ કલા, ભુજ તાલુકામાં સેવા સાધના સંસ્થા, લેખકો અને સમાજ સુધારકો, ભુજ તાલુકાનાં મેળાઓ, પ્રવાસન સ્થળો, ભુજ તાલુકાનાં આહીર અને રબારી સમાજ વગેરે વિષયો પર ઈતિહાસ વિભાગનાં એમ.એ. સેમેસ્ટર-૪નાં વિદ્યાર્થીઓએ સંશોધનકાર્ય પૂર્ણ કર્યું છે. આ શોધકાર્યને સમાજ સમક્ષ લઇ જવાની અને તેઓ પોતાના સ્થાનિક ઈતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે પ્રકાશિત કરવાની નેમ ઈતિહાસ વિભાગનાં કાર્યકારી અધ્યક્ષ ડો. નંદલાલ છાંગાએ વ્યક્ત કરી હતી.
કચ્છ જિલ્લામાં સંશોધનને અનેકઘણો અવકાશ હોવાથી ભવિષ્યમાં અન્ય તાલુકાઓમાં અને પ્રદેશોમાં પણ સંશોધન કાર્યને વેગ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિભાગ દ્વારા ભુજ શહેરનાં ઐતિહાસિક સ્થળોએ હેરીટેજ વોક તેમજ ધોળાવીરા ઉપરાંત અન્ય પુરાતત્વીય સાઈટ ખાતે સ્થળ મુલાકાતો દ્વારા પ્રાયોગિક જ્ઞાન મળે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડો. નંદલાલ છાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ અને કુલસચિવનાં માર્ગદર્શન હેઠળ આ વિભાગનાં વિદ્યાર્થીઓએ વિભાગ શરુ થયાનાં ૨ વર્ષ દરમ્યાન જ અનેક સિદ્ધિઓના શિખરો સર કર્યા છે, જેમાં જૂન-૨૦૨૪ માં યુજીસી દ્વારા લેવાયેલી નેટની પરિક્ષામાં ૪ વિદ્યાર્થીઓ, ડિસેમ્બર-૨૦૨૪માં લેવાયેલી જીસેટની પરિક્ષામાં ૫ વિદ્યાર્થીઓ તેમજ જાન્યુઆરી - ૨૦૨૫માં યુજીસી દ્વારા લેવાયેલી નેટની પરિક્ષામાં ૬ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થઈને કુલ ૧૫ જેટલાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમ્યાન જ પ્રોફેસર બનવા માટે તેમજ પીએચડી કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે, જેમાં જીગ્નેશ પાયણે નેટની સાથે જેઆરએફ થવાથી યુજીસીની સ્કોલરશીપ માટે પણ યોગ્યતા પ્રાપ્ત કરી છે. વિભાગની વિદ્યાર્થીની પ્રિન્સી ગોસ્વામી વકતૃત્વ સ્પર્ધામાં બે વખત રાજ્યકક્ષાએ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
-------------------

Comments