Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ૪ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી હજુય બાકી

17 April



૩૦ એપ્રિલ સુધી ઈ-કેવાયસી ના કરાવનારનું અનાજ બંધ થશે 


ભુજ : ગુજરાત રાજ્યના એનએફએસએ લાભાર્થીઓના ઈ-કેવાયસીનું ભૂત પુનઃ ધુણ્યું છે, અને આગામી ૩૦ એપ્રિલ સુધીમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે. તેમજ મળવાપાત્ર સબસીડીવાળું અનાજ બંધ કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા ૩૦ મી એપ્રિલ સુધીમાં સો ટકા કામગીરી પૂર્ણ કરવા દોડધામ કરી રહ્યું છે. કચ્છમાં કુલ્લ ૧ર,૮૭,૪૦૭ પૈકી ૮,૮૪,૦૩૩ રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે, પરંતુ હજુ પણ ૪ લાખથી વધુ કાર્ડધારકોનું ઈ-કેવાયસી થયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા લાભાર્થીઓ અને જે લોકો આ કાયદાની જોગવાઈ હેઠળ નોંધાયેલા નથી પરંતુ રેશનકાર્ડ ધરાવે છે એમના માટે પણ લાભાર્થીઓના સમગ્ર પરિવારના સભ્યોનું ઓન લાઈન પંચાયતના વી.સી. ઓપરેટરો કે જે તે મામલતદાર, ઝોનલ કચેરી જઈને ઈ-કેવાયસી ફરજીયાત કરવાના આદેશના પગલે ગુજરાત સરકાર દ્વારા પણ ઈ-કેવાયસી લાભાર્થીઓ માટે ફરજીયાત બનાવવામાં આવ્યું છે. ગત જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના હતી પરંતુ આ કામગીરીથી વ્યાજબી ભાવના દુકાનદારો અળગા રહેતા આ કામગીરી એક વર્ષ ઉપરાંતથી ચાલતી હોવા છતાં આજની તારીખે સમગ્ર ગુજરાતમાં અનાજ મેળવતા એનએફએસએ કાર્ડ ધારકો પૈકી ૭૭ ટકા જેટલી થઇ છે. કચ્છના સંદર્ભમાં વાત કરીએ તો કચ્છમાં પણ ૪,૦૩,૩૭૪ કાર્ડધારકોનું ઈકેવાયસી બાકી છે. દરમ્યાન રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લાને સૂચના આપવામાં આવી છે કે, આગામી ૩૦ એપ્રિલ સુધીમાં  ઈકેવાયસી કામગીરી પૂર્ણ કરવી અને ત્યારબાદ બાકી રહી ગયેલ લાભાર્થીઓને અનાજથી વંચિત રહેવાનો વારો આવશે.આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છમાંં કુલ્લ ૧ર,૮૭,૪૦૭ પૈકી ૮,૮૪,૦૩૩ રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે, પરંતુ હજુ પણ ૪ લાખથી વધુ કાર્ડધારકોનું ઈ-કેવાયસી બાકી છે. જેથી તાત્કાલિક ધોરણે રાશનકાર્ડધારકોને ઈકેવાયસી કરાવવા અપીલ પણ કરી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે પોતાના અનેક વિભાગ જેવા કે પંચાયત, આરોગ્ય, આંગણવાડી, એમ.ડી.એમ. શ્રમ અને રોજગાર, નગરપાલિકા, તાલુકા પંચાયતને આ કામગીરી સોંપેલ અને ત્યારબાદ પણ કામગીરી નહીં થતા વ્યાજબીભાવના દુકાનદારોને પણ પીડીએસ પ્લસથી ઈકેવાયસી કરવા માટે દબાણ કરેલ. પરંતું એસોસિએશન તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળતા કામગીરી હજુ ખોરંભે ચડેલી છે.



..............


ઈ-કેવાયસીની પડોજણમાં મરો અરજદારનો, ગામે ગામ કેમ્પ યોજવા જોઈએ

બાળક જન્મે ત્યારથી લઈ માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી દસ્તાવેજો મેળવવા માટે કોઈને કોઈ સરકારી કચેરીમાં લોકોને ઉભવું પડે છે. તેવામાં સરકારે ઈ-કેવાયસી નિયમ લાગુ કર્યો જે આવકારદાયક પરંતુ સામે જોઈએ તેટલી સુવિધા મળતી નથી. સરકારે કહે છે, ઓનલાઈન થાય છે પરંતુ આવડે કોને છે  ? તેની તાલીમ પણ આપી નથી. આજની તારીખે લખપતના અંતરિયાળ હોય કે ખાવડા કે વાગડનો વિસ્તાર જયાં મોબાઈલનું નેટવર્ક માંડ માંડ આવે છે ત્યાં ઓનલાઈન ઈન્ટરનેટથી ૬૦ વર્ષિય વૃદ્ધ ઈ-કેવાયસી કેવી રીતે કરશે ? શહેરમાં તો સાયબર કેફેમાં લૂંટ ચલાવાય છે પરંતુ ગામડાઓમાં યુવાનો છે કયાં ? ખરેખર સરકારને પોતાનું લક્ષ્યાંક સિધ્ધ કરવો હોય તો ગ્રામીણ વિસ્તારોમાં કેમ્પ યોજવા જોઈએ અથવા તો તલાટી અને વીસીઈને સુચના આપી આવા અરજદારોના ઈ-કેવાયસી પૂર્ણ કરાવવા જોઈએ. મહત્વની બાબત એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં તલાટી અઠવાડીયામાં માંડ એક દિવસ હાજરી આપે અને અરજદારો આવા કામ લઈને જાય તો ધક્કે ચડાવી દે છે. જયાં સુધી તલાટી કે વીસીઈના ગજવા ગરમ ન થાય ત્યાં સુધી કામગીરી કરતા નથી. એસી ઓફીસમાં બેસીને કામગીરીનો રીવ્યુ ન થાય, અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા હોવાના ફોટા પડાવે છે પરંતુ વાસ્તવિકમાં જયાં સુધી અરજદારોના મનની વાત નહીં સાંભળે ત્યાં આવા તાયફાઓ માત્ર લક્ષ્યાંક પુરતા જ સીમીત બની રહેશે. જો એક મિસ્ડ કોલ મારવાથી પક્ષના સભ્ય બનાતું હોય અને ઘરે કાર્યકર્તા પહોંચી આવે તો ઈ-કેવાયસી માટે કાર્યકર્તાઓ કેમ ઘરોઘર ફરતા નથી તેવો સવાલ પણ ભોગગ્રસ્તો લોકો ઉઠાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM