નાની ચીરઈની ગેરેજમાં ડીઝલનો ટાંકો બલાસ્ટ થતા આધેડનું મોત
મુન્દ્રા અદાણી પોર્ટમાં મશીનના ટાયરમાં આવી જતા ઝારખંડના શ્રમિકનો જીવ ગયો
ગાંધીધામ : ઔદ્યોગિકરણના કારણે કચ્છમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય નાગરિકો મજૂરી માટે આવે છે પરંતુ આ સાથે દુર્ઘટનાનું પ્રમાણ વધ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે નાની ચીરઈની ગેરેજમાં ડીઝલનો ટાંકો બલાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. જેમાં આધેડનું કમકમાટી ભર્યું મોત થયું છે, જ્યારે મુન્દ્રા પોર્ટમાં મશીનના ટાયરમાં આવી જતા ઝારખંડના શ્રમિકનું મોત થયું હતું. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે આ ઘટના બની હતી. નાની ચીરઈ ગોકુળ ગામ ખાતે કુળદેવી મોટર બોડી રિપેરીંગ સર્વિસ સેન્ટર નામની ગેરેજ આવેલી છે. અહીં ભોગ બનનાર પ૦ વર્ષિય બળદેવ સુલક્ષણસિંહ ડીઝલનો ટાંકો ખાલી કરી રીપેરીંગ કરતા હતા. એ દરમિયાન અચાનક ટાંકો બલાસ્ટ થયો અને હતભાગીને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં પ્રવીણ પરમાર નામના અન્ય એક વ્યક્તિને પણ ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દરમિયાન મુન્દ્રા ખાતે અદાણી પોર્ટમાં સીએફએસ અરીયા હનીકોમમાં બનાવ બન્યો હતો. ભોગ બનનાર મૂળ ઝારખંડના હાલે નાના કપાયાના શક્તિનગરમાં રહેતા ઓમકારરામ હરીરામ નામના ૩૮ વર્ષિય શ્રમિક સીએફએસ એરિયામાં કામ કરતા હતા. અહીં કલમાર મશીન નં.જીજે૧ર-સીએમ-પરપર દ્વારા કન્ટેઈનર લોડ કરવાનું કામ ચાલુમાં હતું ત્યારે હતભાગી પગપાળા જતા હોઈ કોઈ અગમ્ય કારણોસર કલમાર મશીનના ટાયરમાં આવી જતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે શ્રમિકનું મોત થયું હતું. મુન્દ્રા પોલીસે નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Comments