Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રાના વ્યાજખોર શકીલ વિરૂદ્ધ વધુ બે ફરિયાદ નોંધાઈ 

16 April


૧૦ ટકા વ્યાજે ર૦ લાખ લીધા બાદ આઠ લાખ ચૂકવ્યા છતા મૂડી કરતા બમણી કિંમતની મિલકતો પોતાના નામે લખાવી લીધી : શાકભાજીના ધંધાર્થી દોઢ લાખ લીધા જેના બદલામાં મકાન અને પ્લોટ લખાવી લીધા 


મુન્દ્રા : શહેર પોલીસે રેપ કેસની ફરિયાદનો ડર બતાવી ખંડણી માંગનારા ચાર ઈસમોને ઝડપી લીધા હતા. તે પૈકી શકીલ જાકબ ધુઈયા વ્યાજખોરીનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું હતું. તેની સામે વ્યાજખોરીની વધુ બે ફરિયાદ થઈ છે. જેથી અત્યાર સુધી આ પ્રકરણમાં છ ગુના દાખલ થયા છે. 
બારોઈમાં રહેતા મગનભાઈ પચાણભાઈ સોંધરા નામના ફરિયાદીએ મુન્દ્રા પોલીસમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન બનાવ બન્યો હતો. ફરિયાદીએ ધંધા માટે આરોપી શકીલ જાકબ ધુઈયા પાસેથી ર૦ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાં આઠ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી કોરા ચેક લઈ લીધા અને ફરિયાદીની બારોઈ ખાતે રજી. નં.પ/પપ વાળો પ્લોટ તથા પ૪૦ ચો.વા.ના પ્લોટ પર ૭ રૂમો આવેલા છે. તે મિલકત બળજબરી પૂર્વક લખાણ કરાવી લીધી હતી. મૂડી કરતા બમણીથી વધારે કિમતની મિલકત ધાકધમકી કરી લખાવાઈ હતી. જેના લખાણ મુન્દ્રાના મામદ ખોજા વકીલે કર્યા હતા. ફરિયાદીની મિલકતો પચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ મિલકત લખાવ્યા છતા કોરા ચેક માંગતા આપવાની ના પાડી હતી. જેથી મુન્દ્રા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 
ગાયત્રી નગરમાં રહેતા અન્ય એક ફરિયાદી ખીમજી વિશનજી દેવીપુજક શાકભાજીનો વેપાર કરે છે. ધંધા માટે તેઓએ શકીલ જાકબ ધુઈયા પાસેથી દોઢ લાખ રૂપિયા માસિક ૧૦ વ્યાજે લીધા હતા. ફરિયાદીએ એક વર્ષ સુધી વ્યાજ આપ્યું તેમ છતાં પઠાણી ઉઘરાણી કરી ઘરે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ આરોપીએ પાવાપુરી ખાતે આવેલી પોતાની ઓફિસે બોલાવી ધાકધમકી કરી ફરિયાદીનું મકાન અને પ્લોટ પડાવી લીધા હતા. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી શકીલ ઉપરાંત મામદ ખોજા વકીલ અને સબીર જાકબ ધુઈયા સામે મુન્દ્રા પોલીસમાં મની લોન્ડરિંગ એક્ટની કલમ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 
મહત્ત્વની બાબત છે કે, આરોપીની ઓફિસમાંથી સંખ્યાબંધ દસ્તાવેજો અને બળજબરીથી પડાવેલ મિલકતોના કાગળીયા મળી આવ્યા હતા. પોલીસે આ આરોપીઓથી ભોગ બન્યા હોય તો અરજદારોને ફરિયાદ નોંધાવવા માટે આગળ આવવા ઈજન આપ્યું છે. 

Comments

COMMENT / REPLY FROM