Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ખાવડા પંથકમાં ગેરકાયદેસર ખનિજ પરિવહન પ્રવૃતિ પર લદાયો અંકુશ

16 April

જવાબદાર તંત્રવાહકો ધારે તો શું ન કરી શકે.. ?




ખાવડાના ધ્રોબાણા પાસે હંગામી ચોકી શરૂ થતાં રોયલ્ટી વગર ખનિજ ભરી દોડતા વાહનો થયા અલોપ : પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારી દેવેન્દ્ર બારીયા અને ફલાઈંગ સ્કવોર્ડ અધિકારી મેહુલ શાહના સપાટાથી ખનિજચોરોને સુંઘી ગયો સાપ : ગત એક મહિનામાં તંત્રની ટીમોએ ૧પથી વધુ ગાડીઓ ઝડપી કરી દંડનીય કાર્યવાહી 



ખાવડા પંથકમાં ખનિજ રોયલ્ટીની આવકમાં વધારો : તંત્રની બીકે ખનિજ માફિયાઓ થયા સીધા દોર : આવનાર દિવસોમાં પણ સઘન ઝુંબેશ રહેશે અવિરત : કચ્છમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ નજીક સહિત અન્ય જગ્યા ઉપર ખાણ ખનીજ હગામી ચોકી અથવા ચેકપોસ્ટ ઉભી કરાય તે પણ જરૂરી


ગેરકાયદેસર ખનિજ પરિવહનને અટકાવવા ખાણ ખનિજ વિભાગ કટિબદ્ધ : દેવેન્દ્ર બારિયા (પ. કચ્છ ભૂસ્તરશાસ્ત્રી)




ભુજ : જવાબદાર તંત્રવાહકો જો ધારે તો   કોઈ તસ્કર મંદિરની બહારથી પગરખાં પણ ચોરી ન શકે. હિન્દી ફિલ્મનો આ ડાયલોગ હાલે પશ્ચિમ કચ્છના ખાવડા પંથકમાં યર્થાથ સાબિત થઈ રહ્યો છે. બેફામ ગેરકાયદેસર ખનિજ ચોરી માટે બદનામ કચ્છના ખાવડા પંથકમાં જાણે ખનિજ માફિયાઓને સાપ સુંઘી ગયો હોય તેમ પોતાની ગેરપ્રવૃતિઓનો સંકેલો કરી લઈ અન્ડર ગ્રાઉનડ થઈ ગયા છે. કચ્છના ખાવડામાં બેફામ બનેલી ખનિજચોરીની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહી હતી. ખાવડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનિજ ચરી ઓવરલોડ વાહનો દિવસ -  રાત દોડતા રહેતા હતા. રણ વિસ્તારમાં મહાકાય એનર્જી પ્રોજેકટની ઘોષણા બાદ ખાવડા વિસ્તારમાં ગૌણ ખનિજની ચોરી અને ગેરકાયદેસર હેરાફેેરીની પ્રવૃતિનો વ્યાપ વધ્યો હતો. પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારી દેવેન્દ્રભાઈ બારિયા અને ફલાઈંગ સ્કવોર્ડના મેહુલ શાહ દ્વારા ખાવડા દ્વારા ખાવડા વિસ્તારમાં ખનિજચોરીને અટકાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા થોડા સમયથી તંત્રવાહકોની સઘન ઝુંબેશના પગલે ખાવડા પંથકના માર્ગો પર ખનિજ ભરી રોયલ્ટી વગર દોડતા વાહનો અલોપ થઈ ગયા છે. પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગે ખનિજચોરી અટકાવવા ખાવડાના ધ્રોબાણા પાસે ખનિજ પરિવહન કરતા વાહનોની ચેકિંગ માટે હંગામી ચોકી બનાવવામાં આવી છે. આ ચોકી પર ખાણ ખનિજ વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની ટીમો દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી રહી છે. આ હંગામી ચોકી શરૂ થતાં રોયલ્ટી ચોરી અટકી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર ખનિજ ભરી દોડતા વાહનો હવે નજરે ચડી રહ્યા નથી. રોયલ્ટી ભરીને જ ખનિજ પરિવહન થતું હોવાથી તંત્રની આવક પણ વધી છે. આ વિસ્તારના જાગૃત નાગરિકો ખાણ ખનિજ વિભાગની ચોકી હંગામી નહીં, પરંતુ કાયમી રહેવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જો આ ચોકી કાયમી કાર્યરત રહેશે તો રોયલ્ટી ચોરીથી સરકારની તિજોરીને થતું મોટૂં નુકશાન અટકાવી શકાશે. પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારી દેવેન્દ્ર બારીયાએ જણાવ્યું હતું કે, ખાણ ખનિજ વિભાગ દ્વારા હંગામી ચોકી શરૂ કરાયા બાદ ગેરકાયદેસર ખનિજ પરિવહનની પ્રવૃતિ પર અંકુશ આવી ગયો છે. ખાણ ખનિજ વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની ટીમોએ એક મહિનાના ટૂંકા સમયગાળામાં ૧પથી વધુ ગાડીઓ પકડી દંડનીય કાર્યવાહી કરી છે. તંત્ર દ્વારા હંગામી ચોકી કાર્યરત કરાયા બાદ રોયલ્ટીની આવકમાં પણ વૃદ્ધિ થઈ છે. ખાવડા પંથકમાં ગેરકાયદેસર ખનિજ પરિવહનની પ્રવૃતિને અટકાવવા આવનાર દિવસોમાં પણ સઘન ઝુંબેશને અવિરત રખાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યુ હતું. 

 

Comments

COMMENT / REPLY FROM