ભુજમાં હત્યાના પ્રયાસના બનાવને અકસ્માતમાં ખપાવાયો, આરોપી ઝડપાયો
મામા-ફુઈના ભાઈઓ વચ્ચે પારિવારીક દુશ્મનાવટમાં ૧૦ દિવસ પહેલા કોમર્સ કોલેજ પાસે બોલેરો વડે ટક્કર મારી હત્યાનો કરાયો હતો પ્રયાસ
ભુજ : શહેરમાં હત્યાના પ્રયાસના બનાવને અકસ્માતમાં ખપાવી દેવામાં આવ્યો હતો. જોકે, પોલીસની તપાસમાં કડીઓ ખુલતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગણેશનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ પાસે રહેતા અને શાકભાજીના વેપારી નરેન્દ્રસિંહ દૈયબતસિંહ જાડેજા પોતાની બાઈક જીજે૧ર-એચડી-પ૩૦ર લઈને ચાર એપ્રિલના સવારે ૪ઃ૩પ કલાકે એપીએમસી તરફ જતા હતા ત્યારે ભુજ-મિરજાપર રોડ પર ટીઓ ક્લોકની સામે અકસ્માત થયો હતો. કોઈ અજાણી બોલેરો કારના ચાલકે ટક્કર મારતા ફરિયાદીને મુઢ અને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. તે બાબતે એ-ડિવિઝન પોલીસમાં અકસ્માતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની તપાસ ચાલુ હતી ત્યારે શંકાના આધારે તપાસ કરતા હકીકતો સામે આવી હતી. ફરિયાદીના ઘરથી બનાવવાડી જગ્યા સુધીના કેમેરા ચેક કરતા વહેલી સવારે ટ્રાફિક ન હતો અને બોલેરો ગાડીનો ચાલક ટક્કર મારીને સીધો જવાના બદલે યુટર્ન મારીને ભાગી ગયો હતો. નેત્રમના કેમેરાથી બચી ભુજ શહેરથી ભાગી ગયો હતો. જેથી પોલીસે આ રોડ પર અલગ અલગ દુકાનોના કેમેરા જોતા ગાડીના નંબર સહિતની વિગતો સામે આવી હતી. જેમાં બોલેરો ગાડી સુખપર નવાવાસમાં રહેતા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢાની હોવાનું સામે આવ્યું હતું. મૂળ વિંઝાણના પૃથ્વીરાજસિંહએ પોતાની જીજે૧ર-સીટી-૯૮૯૬ નંબરની ગાડીવડે ટક્કર મારી હત્યાનો પ્રયાસ કરી બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ફરિયાદીના સંબંધમાં મામાનો દીકરો ભાઈ થાય છે. તેની પુછપરછ કરતા આરોપીના પરીવારના સભ્ય સાથે આડા સંબંધ હોઈ પારિવારીક દુશ્મનાવટના કારણે જાનથી મારી નાખવાના ઈરાદે બોલેરોથી ટક્કર મારી ગુનો આચર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી આગળની તપાસ હાથ ધરી છે.
.........
શંકાના આધારે તપાસ કરતા સમગ્ર બનાવ સામે આવ્યો : ડીવાયએસપી
આ બાબતે ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચને માહિતી આપતા જણાવ્યું કે, જે-તે સમયે ફરિયાદી દ્વારા અકસ્માતની ફરિયાદ આપવામાં આવી હતી. તપાસ કરતા આ બોલેરો ગાડીના ચાલકે રેકી કરી હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત કરીને ચાલક યુટર્ન લઈ ભાગી ગયો હતો અને અકસ્માત પહેલાં રોડ પર બેથી ત્રણ વખત આટાફેરા કરી રેકી કરી હતી. અકસ્માત બાદ આ ગાડી સીધી ૧૦ તારીખે જોવા મળી. જેમાં આગળના ભાગે લેમ્પ સહિતની વસ્તુ બદલાવેલી હતી. અકસ્માત પહેલાં ગાડી પર જાડેજા લખ્યું હતું અને અકસ્માત પછી સોઢા લખેલું હતું. જેથી શંકાઓ દૃઢ બની હતી. ચાલકને ફોન કરી બોલાવતા ગોળગોળ જવાબ આપી રાપર હોવાનું કહેતો હતો. જોકે, તપાસમાં લોકેશન અલગ આવ્યું હતું. તેને બોલાવી પુછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી. પારિવારીક દુશ્મનાવટના કારણે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ગુનાનો ભેદ ઉકેલવામાં કેમેરા મદદરૂપ સાબીત થયા હતા.
.........
અકસ્માત કરી ગઢશીશાથી ગાડી રીપેર કરાવી
ચાર તારીખે અકસ્માત કરતા બોલેરો ગાડીમાં નુકશાન થયું હતું. આરોપીએ નેત્રમના કેમેરાથી બચી ગાડી ગઢશીશા લઈ જઈ ત્યાં રીપેર કરાવી હતી. જેમાં બોલેરો ગાડીના બમ્પર અને જાળી બદલાવાયા હતા. પોલીસે ગઢશીશાની ગેરેજમાંથી અકસ્માત ગ્રસ્ત સ્પેરપાર્ટ પણ કબજે કર્યા છે. અકસ્માત કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
............

Comments