બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કેમ્પ યોજાયો
બિદડા : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ ખાતે બે દિવસ બાળકો માટે ત્રાંસી આંખ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતી અરવિંદ બૌઆ પુનાવાલાના સહકારથી યોજાયેલ આ શિબિરમાં મુંબઈના ત્રાંસી આંખના નિષ્ણાંત ડો. અતુલ શેઠે બાળકો જન્મથી જ આંખ ત્રાંસી હોય અથવા ખેંચ કે અન્ય કોઈ બિમારીના કારણે આંખ ત્રાંસી થઈ ગઈ હોય તેવા ૪૦ દર્દીઓની તપાસણી કરી હતી, જે પૈકી ૧૭ બાળકોની સીધી આંખ કરવા માટેના ઓપરેશન સંસ્થાના અત્યાધુનિક ઉપકરણોથી સુસજજ એંકરવાલા આઈ રેટીના ઓપરેશન થિયેટર ખાતે વિનામૂલ્યે સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યા હતા.
નાના બાળકોના ઓપરેશન માટે ડો. અતુલ શેઠ સાથે ડો. સિદ્ધાર્થ કેશરવાણી અને એનેસ્થેસીયા બેહોશ કરવા એનેસ્થેટીક તરીકે ડો. અર્ચના મ્હાત્રે, ડો. મૃનાલ લંગોટે સેવાઓ આપી હતી. દર્દીની પ્રી અને પોસ્ટ ઓપરેશન સારવાર સંસ્થાના સ્થાનિક આંખનાં ડો. વિરલ રાણા તથા ડો. દર્શન શાહે સંભાળી હતી. ત્રાંસી આંખનાં નિષ્ણાંત સર્જન ડો. અતુલ શેઠે જણાવ્યાં હતું કે, આંખમાં ઉપર-નીચે અને આંખની આસપાસ એમ કુલ ચાર સ્નાયુઓ હોય છે. આ સ્નાયુઓ નબળા થઈ ગયેલ હોય અથવા કામ કરતા ન હોય ત્યારે આંખ ખેંચાઈ જતી હોય છે. આ સ્નાયુને જીવંત કરી સ્નાયુની હલચલ વધારી ત્રાસી આંખને અસલ જગ્યાએ ગોઠવવી પડે છે. આ કઠીન ઓપરેશન ખૂબજ ચિવટપૂર્વક કરવામાં આવે છે. વધુમા ડો. શેઠે જણાવ્યું હતુ કે, જન્મજાત ખોડ-ખાંપણ સિવાય વધુ પડતા મોબાઈલ અને ટીવીના ઉપયોગથી આંખને વધુ ઈજા પડે છે, જેના કારણે પણ આંખ ત્રાસી થવાની શકયતા વધે છે.
સંસ્થાના ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું હતું કે, બાળકોના માતા - પિતાને કેવી રીતે કાળજી લેવી તેની સમજણ આપવામાં આવેલ અને સમયાંતરે આંખની હળવી કસરત કરવાની સલાહ આપવામાં આવી હતી. દર્દી અને બરદાસી માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ ખાતે વિનામૂલ્યે કરવામાં આવી હતી. ઓપરેશન બાદ થયેલ દર્દીના ચહેરાના સુડોળ પરિર્વનને જોઈ દર્દીના વાલીઓએ ખુશી વ્યકત કરી હતી અને સંસ્થા, ડોકટરો તેમજ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો. પોપટભાઈ ગાલાએ વોલીંટીયર તરીકે સેવાઓ આપી હતી જયારે સ્ટાફના ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.
વધુમાં ટ્રસ્ટી શાંતિભાઈ વીરાએ જણાવ્યું હતું કે, બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મીજયોત આઈ હોસ્પિટલ ખાતે સોમવારથી શનિવાર સવારે ૯ થી ૧૨ દરમ્યાન સ્થાનિક ડો. વિરલ રાણા તથા આસિસ્ટન્ટ ડો. દર્શન શાહ આંખના દર્દીઓની તપાસણી સ્થાનિકે રાહત દરે કરે છે અને દર્દીઓના આંખ અને મોતિયાના ઓપરેશન ટ્રસ્ટ ખાતે રાહત દરે કરવામાં આવે છે. શરીરના વિવિધ અવયવોમાં થતાં રોગોના સચોટ નિદાન માટે ટ્રસ્ટ ખાતે અત્યાધુનિક સીટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ છે.
----

Comments