ગાંધીધામમાં વધુ એક સ્પામાં ચાલતુ કુટણખાનું પકડાયું
વોર્ડ નં.૧ર/બીમાં આવેલા રીટ્રીટ સ્પામાં એ-ડિવિઝન પોલીસે પાડ્યો હતો દરોડોઃ પાંચ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી
ગાંધીધામ : પંચરંગી સંકુલ ગણાતા ગાંધીધામમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે. જેમાં વોર્ડ નં.૧ર/બીમાં આવેલા રીટ્રીટ સ્પામાં દરોડો પાડી પાંચ મહિલાઓને મુક્ત કરાવી સંચાલક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નં.૧ર/બીમાં પ્લોટ નં.ર૬૪ એફએફ ખાતે પહેલા માળે આવેલા રીટ્રીટ સ્પામાં એ-ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો.
જ્યાંથી સંચાલક આરોપી મૂળ ડગાળાના હાલે આદિપુર રહેતા રાજુભાઈ બાબુભાઈ ઢીલાની અટકાયત કરાઈ છે. આ સ્પામાં દેહ વ્યાપાર માટે પાંચ ભારતીય મહિલાઓ હાજર મળી આવી હતી.
સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે રોકડા રૂા.૧પ હજાર, ડીવીઆર સહિતનો મુદ્દામાલ કબજે કરી સંચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
..........................
ગાંધીધામ સિવાય આખા જિલ્લામાં સ્પા પર પોલીસની મીઠી નજર
પંચરંગી શહેર આદિપુર અને ગાંધીધામ સંકુલમાં અવાર-નવાર સ્થાનિક પોલીસ અને એસઓજી દ્વારા સ્પા પર દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવે છે પરંતુ અન્ય વિસ્તારોમાં જાણે સબસલામત હોય તેમ કોઈ કાર્યવાહી ન થતા અનેક ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને ભુજ, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, અંજાર, ભચાઉ, રાપર સહિતના વિસ્તારોમાં સ્પા પર કોઈ કાર્યવાહી થતી નથી. ભુજના તો ગ્રામીણ વિસ્તારોમાં સ્પા ધમધમી ઉઠ્યા છે પરંતુ દરોડો પાડી કુટણખાનાનો પર્દાફાશ કરાયો નથી ત્યારે ખરેખર અનૈતિક સંબંધોના દુષણને ડામવા માટે જિલ્લાસ્તરેથી પગલાં લેવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments