વાગડમાં દારૂના ધંધામાં હવે કિશોરો પણ જોડાયા
એલસીબીએ ઘરાણાની સીમમાંથી પ.૦પ લાખનો દારૂ પકડ્યો : કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર મળ્યો પણ બે બૂટલેગર હાથ ન લાગ્યા
ભચાઉ : વાગડ વિસ્તારમાં દારૂની રેલમછેલ થતી હોવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. કારણ કે, પોલીસ દ્વારા વખતો વખત દરોડા પાડી દારૂ કબજે કરવામાં આવે છે. જે દર્શાવે છે કે, વાગડમાં દારૂની બદી બેફામ બની છે અને પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. પરંતુ સમાજ માટે ચિંતાજનક મુદ્દો એ પણ છે કે, દારૂના આ ગેરકાયદે ધંધામાં કિશોરો પણ સપડાઈ રહ્યા છે. બાતમીના આધારે ગાંધીધામ એલસીબીએ ઘરાણા સીમમાં આવેલા ખેતરમાં દરોડો પાડતા દારૂની ૮ર૮ બોટલ અને બીયરના ૮૪ ટીન મળી કુલ પ,૦પ,૭પર નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની અટક કરવામાં આવી હતી. તેની પાસેથી ૧૦ હજારનો મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ કરતા ઘરાણાના બૂટલેગર રામજી જીવા વરિયા અને લાકડિયાના બૂટલેગર જુસબ સુલેમાન ગગડાએ દારૂ મંગાવી વેચાણ અર્થે સંતાડીને રાખ્યો હોવાનું સામે આવ્યું હતું. એલસીબીએ લાકડિયા પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવ્યો હતો.

Comments