Trending News
સ્થાનિક સમાચાર

દરેક લોકોએ નાગરિક સંરક્ષણ તાલીમ લેવી જરૂરીઃ કલેક્ટર આનંદ પટેલ 

14 April

 

જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જોગણીનાર ખાતે અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ : નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છની અગરિયાઓને વિશેષ તાલીમના આયોજનને બિરદાવતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ


ભુજ : અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમના  આયોજન અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિક સંરક્ષણ તાલીમ અને સીપીઆર તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને શ્રી પટેલે ઉમેર્યું હતું કે, અગરિયાભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે. નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છના અગરિયાઓને વિશેષ તાલીમ આપવાના અભિગમને બિરદાવીને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ પ્રકારની તાલીમનું આયોજન સતત થતું જ રહેવું જોઈએ અને લોકોએ ઉત્સાહભેર આ તાલીમમાં સહભાગી બનવું જોઈએ. 
આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટર ડી.કે. પંડ્યાએ કચ્છીજનોને નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અગરિયાઓની તાલીમ દરમિયાન હાજરી આપીને તેમનો ઉત્સાહ વધાર્યો તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.  આ કાર્યક્રમમાં ૩૦૦થી વધારે અગરિયાઓને નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. 
૧૦૦ વધારે અગરિયાઓને આંખોની તપાસ એલએમએન લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી કરવામાં આવી હતી. જે પૈકી ૧૪ વ્યક્તિઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે રિફરની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ રેડક્રોસના સેક્રેટરી મીરા સાવલીયા એ આપી હતી.  
---

કચ્છમાં અગરિયાઓને નાગરિક સંરક્ષણ તાલીમ કેમ જરૂરી ? 

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાને ચક્રવાત આવવાની "અત્યંત સંભવિત" કેટેગરી એટલે કે ‘પી-ર’ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.  કચ્છમાં ચક્રવાત અને વાવાઝોડાની આપદા સમયે માછીમારો, અગરિયાઓ અને દરિયા કાંઠા વિસ્તારમાં વસતા નાગરિકો સૌથી વધુ પ્રભાવિત થાય છે. કચ્છ જિલ્લાના રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ, અબડાસા, મુન્દ્રા અને લખપત તાલુકામાં ૪૦૦૦થી વધુ અગરિયા કુટુંબો કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકાવવાનો વ્યવસાય કરીને આજીવિકા મેળવે છે. જ્યારે વાવાઝોડા જેવી આપદાઓ આવે ત્યારે તેની સીધી જ અસર અગરિયાઓને થાય છે અને આ સમયે ’નાગરિક સંરક્ષણ તાલીમ’ જીવનરક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે.  
---

નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા તાલીમમાં કાંઠાળ વિસ્તારના અગરિયાઓના ગામોને આવરી લેવાયા 

અગરિયાઓ અને માછીમારોને ચક્રવાત, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે કેવી રીતે જાનમાલનું રક્ષણ કરવું અને તકેદારીના ક્યાં ક્યાં પગલાંઓ લેવા અંગે વિસ્તૃત જાણકારી આ તાલીમ દરમિયાન આપવામાં આવી હતી. આ તાલીમમાં કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન (કેએસએસએમએ) નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.? અંજાર તાલુકાના સંઘડ, વીરા અને રામપર ગામ તથા મુન્દ્રા તાલુકાના કુકડસર, તુણા અને ભદ્રેશ્વર ગામ અને તેની આજુબાજુના મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓએ તાલીમનો વિશેષ લાભ લીધો હતો.  આ તાલીમ દરમિયાન સામાજિક અગ્રણી શંભુભાઈ આહિર,  શામજીભાઈ કાનગડ, અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, અંજાર મામલતદાર, રેડક્રોસના સેક્રેટરી મીરા સાવલીયા સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. 
------

Comments

COMMENT / REPLY FROM