Trending News
સ્થાનિક સમાચાર

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેને બતાવ્યો ઠેંગો !

13 April

સ્થાનિક ‘રાજકારણીઓ’ને સાચવી લેનાર







અબડાસાના નાનકડા ગામમાં ઉભા થયેલા પવનઉર્જાના પ્રકલ્પો બન્યા ગ્રામજનો માટે મુસીબત : ૧૦ પવનચક્કીઓ, પ૦૦ જેટલા વીજ પોલ ઉભા થયા બાદ ગ્રામ પંચાયતને વિકાસ ફંડ આપવાની વાતથી ફરી ગયા કંપનીના સત્તાધીશો


કંપનીની મોટાભાગની કામગીરી સ્થાનિક સત્તાપક્ષના મોટા ગજાના નેતાઓને કોન્ટ્રાક્ટ ધોરણે સોંપી ગ્રામ પંચાયતને કરાઈ રહ્યો છે અન્યાય : ન્યાય માટે કાયદાકીય લડાઈનું ગ્રામજનોએ બનાવ્યું મન : જિલ્લા વહિવટી તંત્ર અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરી થાકેલા ગ્રામજનો હવે અદાલતના શરણે




ભુજ : વિશાળ ભૂભાગમાં પથરાયેલો સરહદી કચ્છ જિલ્લો વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન માટેનું હબ બન્યો છે. કચ્છમાં સૌર અને પવન ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે મોટું કામ થઈ રહ્યું છે. બીજી તરફ ગ્રીન એનર્જીના ઉત્પાદન પ્રકલ્પોના કારણે કેટલાક ગામોની મુસીબત વધી છે. પવનઉર્જાના ઉત્પાદનની દોટમાં અબડાસા તાલુકાનું નાનાકડું ઐડા ગામ મુસીબતના ભરડામાં સપડાયું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અબડાસા પંથકમાં ઉભી થયેલ પવનચક્કીઓ શરૂઆતથી જ વિવાદનું કારણ રહી છે. ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વીજરેષા અને ખેતરોમાં ઉભા થતા વીજપોલ સંબંધિત અનેક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. અબડાસાના નાનકડા ઐડા ગામની આસપાસ ઉભી થયેલી પવનચક્કીઓના કારણે સ્થાનિકોની મુસીબત વધી છે. આ ઉપરાંત કંપની દ્વારા ગ્રામજનોને આપવામાં આવેલ વાયદાઓ પણ પૂરા થયા નથી. 
ગામના સરપંચ લગધીરસિંહ જણાવે છે કે, પવનઉર્જા ઉત્પાદન સાથે સંકળાયેલ આઈનોક્ષ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી ગામમાં માળખાકીય સુવિધાઓના વિકાસ કામો કરવાની ખાતરી ગ્રામજનોને અપાઈ હતી. ઐડાની આસપાસ ૧૦ પવનચક્કીઓ ઉભી કરાયા સાથે ૪૦૦ થી પ૦૦ જેટલા વીજ થાંભલા પણ ઉભા કરી દેવાયા છે. કંપની દ્વારા ખેડૂતો પાસેથી જે જમીન લેવાઈ છે તેની રકમ ચૂકવી દેવામાં આવી છે, પરંતુ ગામના વિકાસ માટે ફંડ આપવાની વાતથી કંપનીના સત્તાધીશો ફરી ગયા છે. પંચાયતને બે ટુકડામાં માત્ર સાત અને આઠ લાખ મળી કુલ ૧પ લાખં જેટલું ફંડ વિકાસ માટે અપાયું છે. લાઈન બ્રિજ થયા બાદ હવે કંપનીના સત્તાધીશો ગ્રામ પંચાયતના સત્તાધીશો સાથે વાત કરતા નથી.
ગ્રામસભામાં હાજર રહેવાના બદલે ગામના ચાર-પાંચ અગ્રણીઓને મળી સેટલમેન્ટ કરવાનુું જણાવી રહ્યા છે. આ કંપનીનું મોટા ભાગનુંં કામ સત્તા પક્ષના હોદ્દેદારો દ્વારા કોન્ટ્રાક્ટ ધોરણે ચાલી રહ્યું છે. સત્તા પક્ષના હોદ્દેદારો ઐડા ગામના વિકાસ માટે આગળ આવવાના બદલે કંપની દ્વારા મળનાર સીએસઆર ફંડમાં બાધા બની ગયા છે. સ્થાનિક રાજકારણીઓને સાચવી લીધા હોવાથી હવે કંપનીના સત્તાધીશો ગ્રામ પંચાયતના હોદ્દેદારોને ગાંઠતા નથી તેવું ખુદ ગામના સરપંચ જ જણાવી રહ્યા છે.અગાઉ એક કંપનીથી મળેલ ફંડમાંથી ગામમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કંપની સીએસઆર ફંડ ફાળવે તો ગામમાં અનય વિકાસના કામો થઈ શકે. વારંવારની રજૂઆત બેઅસર રહેતા હવે ગ્રામજનોની સહમતિથી કંપની સામે કાયદાકીય લડાઈ આદરવાનો નિર્ધાર કરાયો છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.


..........



ઐડાની તલાવડીમાં લોખંડના થાંભલા જોખમરૂપ



અબડાસા તાલુકાના ઐડા ગામની ઉત્તર દિશામાં આવેલ તલાડીમાં પવનચક્કીના લોખંડના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. આ થાંભલાઓના કારણે તલાવડી આવનાર દિવસોમાં લોકો અને અબોલ પશુઓ માટે મોતના કૂવા સમાન બની જશે. હાલે તલાવડીમાં થોડું પાણી છે. ચોમાસામાં વરસાદ થશે તો ઉત્તર દિશામાંથી રસ્તો પસાર કરતા લોકો તેમજ તલાવડીમાં પાણી પીવા આવતા પશુઓ માટે મોતના કૂવા સમાન બની જશે. વરસાદના પગલે પાણી ભરાયા બાદ કોઈ અબોલ પશુ તેમાં પાણી પીવા આવશે કે પીવા મટો કોઈ ગ્રામજનો પાણી ભરશે તો શોર્ટસર્કિટના કારણે વીજશોક લાગવાની ભીતિ છે. તલાવડીની આસપાસ ખેતર આવેલા હોવાથી ખેડૂતોને જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડશે. જો સ્થાનિક તંત્ર કંપની વિરૂદ્ધ પગલાં નહીં ભરે અને તલાવડીમાંથી થાંભલા દૂર નહીં થાય તો આવનાર દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ ઐડાના ગ્રામજનોને સતાવી રહી છે.

............

Comments

COMMENT / REPLY FROM