આયંબિલના તપસ્વીઓ માટે ઓળીની તપશ્ચર્યામાં દરરોજ ૬૦૦થી વધુ તપસ્વીઓ જોડાયા
વર્ધમાન તપ અને આયંબિલ શાળા ભુજના ઉપક્રમે યોજાયેલ
ભુજ : આયંબિલ ઓળીના નવ દિવસ દરમ્યાન નવ પદ એટલે કે નમો અરિહંતાણથી લઈ નમો લોએ સવ્વ સાહૂણં તથા સમયક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ધર્મની આરાધના કરવાની હોય છે. પ્રભુ મહાવીરે ૧૪,૦૦૦ સાધુ અને ૩૬,૦૦૦ સાધ્વીઓમાંથી ધન્ના અણગારના આયંબિલ તપની પ્રશંસા કરી. સાધુ વંદનામાં નિત્ય સ્મરણ કરીએ છીએ. શ્રી વીરે વખાણ્યો ધન્નો..ધન્નો અણગાર. ગ્રંથોમાં આયંબિલ તપનું મહત્વ બતાવતાં અનેક પ્રેરક દ્રષ્ટાંતો આવે છે, જેમાં શ્રીપાલ અને મયણાનું દ્રષ્ટાંત સુપ્રચલિત છે. આયંબિલ તપની આરાધના કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે, તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે કે ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ દીર્ધકાલીન સમય સુધી તપની આરાધના કરેલી. પહેલા તીર્થંકર ઋષભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલતપની આરાધના કરીને પોતાના શીલની રક્ષા કરી હતી અને તપના પ્રભાવથી જ ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના દુષ્ટ ભાવમાં પરિવર્તન આવી ગયેલ. આયંબિલ તપ કરવાથી રસેન્દ્રિય ઉપર વિજય મેળવી શકાય છે, કારણ કે પાંચ ઈન્દ્રિયમાં રસેન્દ્રિયને જીતવી ખૂબ જ કઠિન છે.
વર્ધમાન તપ અને આયંબિલ શાળા ભુજ આયોજિત સમગ્ર જૈન સમાજ માટે આયંબિલની ઓળીનું ગુર્જર જૈનવંડા મધ્યેે વિશાળ પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ છ સોથી પણ વધુ તપસ્વીઓ તપસ્યા માં જોડાયાં છે, તેમાં પણ સાડા ચારસોથી પણ વધુ તપસ્વઓ તો સળંગ નવ દિવસ સુધી આત્મશુદ્ધિ તથા સ્વાદવિજયના ઉદ્દેશ્ય સાથે આ તપસ્યા પૂર્ણ કરી રહ્યા છે . રવિવારના બસો જેટલાં નાના બાળકો માટે "બાળઆયંબિલ" ગોઠવાયું હતું , જેમાં ઉત્સાહભેર નાના ભૂલકાઓ તેમના મમ્મી- પપ્પા સાથે જોડાયા હતા. આ આયંબિલ તપની ઓળીના તમામ ખર્ચનો લાભ માતૃશ્રી પુષ્પાબેન ચમનલાલ ગાંધી પરિવાર તથા વીબસી મોર્નિંગ વોકીંગ ગ્રુપ ભુજએે લીધેલ છે. જૈન ધર્મમાં આયંબિલના તપનું વિશેષ મહત્વ છે , જેમાં સળંગ નવ દિવસ સુધી મોરું, લૂખું , તેલ- ઘી -દુઘ કે તેની બનાવટો વિનાનું તેમજ લીલાં શાકભાજી કે ફળ વીના દિવસમાં ફક્ત એક ટાઇમ ભોજન કરવાનું હોય છે. આ તપસ્વીઓના પારણાં ૧૩-૪ રવિવારે સવારે જૈનવંડા મધ્યેે દાતા પરિવારો તરફથી યોજાશે. આ સમગ્ર નવ દિવસીય અનુષ્ઠાનમાં સેવા માટે બન્ને દાતા પરિવારના સભ્યો તેમજ જૈનસંઘ અને સમાજના ઉત્સાહી કાર્યકર ભાઈ-બહેનો અનુમોદના અને અનન્ય સેવા ભાવ સાથે જોડાયા હતા તેવું મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments