સરકારના વિકાસલક્ષી મહેસુલી સુધારા ઉદ્યોગોની સાથોસાથ લોકોને પણ રાહત આપશે
ફોકિઆ દ્વારા આ સુધારાઓ ઈઝ ઓફ ડુઈંગ અને ઈઝ ઓફ લીવીંગને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરાઈ
ભુજ : રાજ્ય સરકાર દ્વારા જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એવા મહેસુલી કાયદાના સરળીકરણનો નિર્ણય લેવાતા કચ્છના ઔદ્યોગિક વર્તુળોએ તેને આવકાર આપ્યો છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ)એ સરકારની આ જાહેરાતને વધાવી લીધી છે. અને તેને સતત થયેલી રજૂઆતોના પડઘા સમાન ગણાવી છે. ફોકિઆના કહેવા પ્રમાણે ઉદ્યોગ અને વ્યાપારી જગતની સાથોસાથ સામાન્ય જનતાનું પણ મહેસુલી તંત્ર સાથેનું કામકાજ ઘણું સરળ બની જશે.
ફોકિઆના મમતાબેન વાસાણીએ જણાવ્યું હતું કે, કેટલાક વિશેષ પાસાઓ અંગે પણ રાજ્ય સરકાર સુધારાવાદી વલણ ચાલુ રાખશે તો વિકાસ ને વધુ ગતિ મળશે. પાછલા સમય દરમિયાન ફોકિઆએ મહેસુલી નિયમોમાં આંટીઘુંટી પ્રત્યે વારંવાર અલગ અલગ માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું હતું. તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે ઉદ્યોગ જગતના અગ્રણીઓની બેઠકમાં ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિશ ફડકેએ જમીન સુધારણા માટે મુદ્દાસર રજૂઆત કરી હતી અને કચ્છના જમીનને લગતા પ્રશ્નોને વિશેષ રીતે માવજત કરવા માટે વિનંતી કરી હતી.
ફડકેના જણાવ્યા મુજબ બિનખેતી, હક્ક પત્રક, સત્તા પ્રકાર વગેરે કામગીરીની પ્રક્રિયા તથા જમીનોના પ્રીમીયમની જવાબદારી અંગે રાજ્ય સરકારે તાજેતરના વર્ષોમાં સતત હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. અગાઉની સરકારોએ હમેશા પ્રીમીયમ જેવી બાબતે સરકારનું જ હિત જોયું છે. આવું કરવું જરૂરી હોવા છતાં આમ જનતા અને ખાસ કરીને ઉદ્યોગ સાહસિકોને આગળ વધવામાં પ્રીમિયમના સંદર્ભમાં કાયદાનુસાર જો કોઈ લાભ મળવા પાત્ર હોય તો તે મળવા જોઈએ. એવી જ રીતે પ્રીમિયમની જવાબદારી પણ ઓછી કરવાનો જે અભિગમ અપનાવવામાં આવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. અને સરકારનું હિત જાળવી રાખીને પણ લોકોને મહતમ લાભ આપવામાં આવે એ તેમણે જરૂરી ગણાવ્યો હતો. આ સુધારાની જાહેરાત કાર્યના બીજા જ દિવસે બિન ખેતીની કાર્યવાહી માટે જરૂરી એવા ટાઈટલ કલીયરન્સ માટેના ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટેના ભાવ જાહેર કરી દઈને સરકારે આ સુધારાને આગળ ધપાવવા માટે પોતાની ઈચ્છાશક્તિ બતાવી દીધી છે ત્યારે, ફોકીઆએ એવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી કે મહેસુલી પ્રક્રિયામાં જે સરળીકરણની જાહેરાત થઇ તેવી જ જાહેરાત શહેરી વિકાસ મંત્રાલયમાંથી થાય તો મહાનગરો અને મોટા શહેરો કે જ્યાં સત્તા મંડળો અસ્તિત્વમાં છે તેમને પણ આ વિકાસ યાત્રાનો લાભ મળી શકે. ફોકિઆએ રાજ્ય સરકારના હકારાત્મક અને વિકાસલક્ષી અભિગમને આવકારીને આ પ્રક્રિયા સતત આગળ વધે એવી અપેક્ષા દર્શાવી હતી અને મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
----

Comments