Trending News
સ્થાનિક સમાચાર

લ્યો બોલો... રાપરની કેનાલમાં અનામત રખાયેલું પાણી ચોરી લેવાયું ’

10 April


અગાઉ તંત્રએ ગેરકાયદે જોડાણોકાપ્યા છતાં માથાભારે તત્ત્વોને કોઈ ડર નહીં : સમારકામ માટે કેનાલ બંધ રહેવાની હોવાથી ઉનાળામાં નવું પાણી નહીં મળે, વર્તમાન જળમાં શહેર અને તાલુકાની જરૂરિયાત સંતોષવાની હોવાથી બકનળી કાપવાની કાર્યવાહી યથાવત : પાણીચોરી કરી જનાર નેતાઓના મળતીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાશે કે પછી તેમાં પણ વ્હાલા દવાલાની નીતિ તંત્ર દ્વારા અપનાવાશે 


રાપર : કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે બે મહિના સુધી બંધ કરવામાં આવી છે, ત્યારે એક તારીખથી બંધ થઈ ગયેલ નર્મદા કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રિઝર્વ પાણી માંજુવાસથી નંદાસર સુધી રાખવામા આવ્યું હતું, જે અંગે નગરપાલિકા, મામલતદાર, પોલીસ, સરદાર સરોવર, પીજીવીસીએલ સહિતના અધિકારીઓએ સ્થળ પર જઈ ડીઝલ એન્જિન બકનળીઓ દુર કરી નાખવા માટે ખેડૂતોને જાણ કરી હતી. અમુક લોકોના બકનળીઓ કાપી નાખી હતી પરંતુ રાજકીય નેતાઓ અને સરપંચો અને અન્ય મળતીયાઓએ જ છેલ્લા ત્રણ દિવસમાં સાડા પાંચ મીટર પાણી હતું, તેની જગ્યાએ બે મીટર પાણી રહેવા દીધુ રાત દિવસ એન્જિન અને ઈલેક્ટ્રોનિક મોટર ચલાવી નર્મદા કેનાલમાંથી પાણી ઉલેચવાની કામગીરી કરી હતી. 
રાપર શહેરની ચાલીસ હજારની વસ્તી અને સાઇઠ હજારનુ પશુધન તથા નંદાસરથી ખડીર પ્રાંથળ સુધીની વસ્તી અને પશુઓને આગામી સમયમાં પાણી વિનાના કરી દીધા હતા. લાખો લીટર પાણી ઉલેચી લીધા બાદ આજે વહીવટી તંત્ર નગરપાલિકા પોલીસ નર્મદા યોજના પીજીવીસીએલની ટીમ પંદર વીસ જેટલા બકનળીઓ કાપી નાખી બચેલા પાણીને બચાવું પડયું હતું કારણ કે અગાઉ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર, પીજીવીસીએલ નર્મદા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ મોટા ઉપાડે ફોટોગ્રાફ અને વીડિયો બનાવી પ્રસિધ્ધિ મેળવવા માટે વાહ વાહ મેળવી હતી. પરંતુ રાતોરાત ભાજપના જ હોદ્દેદારોના મળતીયાઓએ રાતો રાત પાણી ચોરી કરવા માંડી હતી. જોતજોતામાં સિત્તેર ટકા પાણી માંજુવાસથી નંદાસર સુધી ચોરાઇ ગયું છે. જે બાદ તંત્ર અચાનક જાગ્યું હોય તેમ બકનળીઓ કાપવાની શરૂઆત કરી હતી. 
બકનળીઓ કાપવા સમયે કલ્યાણપર અને ગેડી વચ્ચે ડીઝલ એન્જિન દ્વારા પાણી લેવાનુ ચાલુ હતું જે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. હાલ જે પાણી કેનાલમાં બચ્યું છે તે દશ બાર દિવસ સુધી ચાલનાર છે એમ જાણકારી મળી હતી. નર્મદા કેનાલ પર નામના આપવાની શરતે એક ખેડૂતે જણાવ્યું હતું કે અમને પાણી લેવા માટે ના પાડી હતી પરંતુ નેતાઓ રાત્રે આવી મોટર અને ડીઝલ એન્જિન તથા ટ્રેકટર પર ડીઝલ એન્જિન લગાવી પાણીથી તળાવ ભરતા હતા. પશુઓને પાણી નથી મળતું એટલે અમે અમારા પશુઓ ઘર લઈ ગયા છીએ. વહાલા દવલાની નિતિના લીધે આગામી દિવસોમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા ઉભી થાય તેવી શક્યતા છે. હાલ આજે તંત્ર દ્વારા જે કામગીરી કરી તેવી પ્રથમ દિવસે કરવા જેવી હતી. નર્મદા યોજનાની કેનાલ પર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજા, પી.એસ.આઈ પી.એલ. ફણેજા, વણવીર ચૌધરી, વિજય ચૌધરી, દશરથ મહારાજ, નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે, માવજી મેરીયા સહિતના અધિકારીઓ જોડાયા હતા. બકનળીઓ કાપી કેનાલ મા પાણી બચાવવાની કામગીરી કરી તે વખાણવા લાયક છે પરંતુ જે પાણી ચોરી કરી ગયા ચોક્કસ નેતાઓના મળતીયાઓ વિરૂદ્ધ પાણીચોરીની નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તે અંગે કલેકટર દ્વારા તપાસ કરવામાં આવે તેવી ચોક્કસ ખેડૂતો એ માંગ કરી છે.

Comments

COMMENT / REPLY FROM