તંત્ર અંધારામાં કે આંખમિંચામણા? : રાપર પંથકમાં નર્મદાના અનામત પાણીની મધરાતે બેફામ ચોરી.!
પીવાના પાણીની સમસ્યા વિકટ બને તો નવાઈ નહીં ? નગરપાલિકા, મામલતદાર, પીજીવીસીએલ, નર્મદા વિભાગ, સરદાર સરોવર યોજનાની ટીમો સહિતનાઓએ બે દીવસ બે-ચાર બનકળીઓ દુર કરાવી અને જાણે કે મોટી કામગીરી કરી લીધાનો સંતોષ માનતો ઓડકાર ખાલી લીધો અને પાણીચોરી કરનારાઓ પુનઃ મંડી પડયા હોવાની ચર્ચા : કલેકટરશ્રી કક્ષાએથી જ આ કામગીરીનું મોનીટરીંગ કરાય તે અનિવાર્ય
નહી તો ૧પ દિવસમાં કેનાલનું તળીયું દેખાઈ આવશે : બે રાત માટે અને બે દિવસ માટે એમ ૪ એસઆરપી જવાન રાખવા તથા તંત્ર દ્વારા પોલીસની મદદ લઈને સિંચાઇ માટે પાણી ઉલેચવાનું સદંતર બંધ કરાવો
ગાંધીધામ : એક એપ્રિલથી કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલ રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે ત્યારે ચાર દિવસ અગાઉ મામલતદાર રાપર, નગરપાલિકા, પોલીસ, પીજીવીસીએલ નર્મદા યોજનાના અધિકારીઓ, સરદાર સરોવર યોજનાની ટીમ નર્મદા કેનાલ પર ફતેહગઢથી નંદાસર સુધીની કેનાલ પર બક નળીઓ અને એન્જીનો તથા ઈલેક્ટ્રીક મોટર દુર કરવા માટે ગયા હતા ત્યારે બે ચાર જગ્યાએ બક નળીઓ અને એન્જીન દુર કરી ફોટા અને વીડિયો બનાવી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, પરંતુ માત્ર સાત દિવસની અંદર આ રિઝર્વ પાણીમાંથી રાત્રીના સમયે ચોરી કરી અમુક બની બેઠેલા ખેડૂતો તલાવડી તથા પિયત માટે પાણી પીવડાવી રહ્યા હોવાની ચર્ચા સામે આવી રહી છે. ત્યારે મળતી વિગતો તા.૩/૪ ના રાત્રે અને સવારે સતત પાણી ખેંચવામાં આવી રહ્યા છે. તાત્કાલિક ચાર એસઆરપી, બે રાત માટે અને બે દિવસ માટે રાખવા તંત્ર દ્વારા પોલીસની મદદ લઈને સિંચાઇ માટે પાણી ઉલેચવાનું બંધ કરાવો નહિ તો ૧પ દિવસમાં કેનાલ ખાલી થઈ જશે, સબંધિત તંત્ર મારફતે જે કાર્યવાહી કરવાની જરૂર હતી તે થઈ નહીં ફકત કાગળના સબ સલામત બતાવી રહ્યા છે તા.૩/૪ના ના સાંકળ ૧૧૬ કિમીથી ૧૩૩ કિમી સુધીના બધા જ ગેટ બંધ કરી દીધા હતા. આ સાંકળ ૧૧૬ કિમી એટલે કે શાનગઢ પાસે ૪.૫૦ મીટરનું લેવલ હતું. તા.૭ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ ફક્ત ૨.૦ મીટરનું લેવલ છે એટલે કે પાંચ દિવસમાં ૨.૫૦ મીટર પાણી સિંચાઇ માટે વપરાય ગયું છે. સાંકળ ૧૧૯ કિમી પર એટલે કે સેલારીથી શાનગઢ જતા કેનાલ પર આવતા પુલિયા પાસે ત્રણ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૩.૯૦ મીટર લેવલ હતું જે ઘટીને આજે તારીખ ૭ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ ફક્ત ૧.૨૦ મીટર થઈ ગયું છે. એટલે કે પાંચ દિવસમાં ૨.૭૦ મીટર વપરાય ગયું (૩) સાંકળ ૧૨૫ કિમી પર એટલે કે કેનાલ પર થાનપરથી શક્તિનગર જવાના પુલિયા પર ત્રીજી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૪.૩૦ મીટરનું લેવલ હતું તે તારીખ ૭ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ફક્ત ૨.૪૦ મીટર થઈ ગયું છે એટલે કે ૧.૯૦ મીટર વપરાય ગયું (૪) સાંકળ ૧૩૩ કિમી એટલે કે નંદાસર પાસે ત્રીજી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૫.૦ મીટર લેવલ હતું તે ઘટીને આજે તારીખ ૭ મી એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૪.૧૦ મીટર થઈ ગયું છે એટલે કે પાંચ દિવસમા ૯૦ સે મી લેવલ વપરાય ગયું. આમ બધા જ ગેટ બંધ હોવા છતાં બધા જ પુલમાં માતબર લેવલ ઘટી ગયું છે જો આવું ને આવું ચાલશે તો રાપર માટે ફક્ત ૨૦ દિવસમાં પાણી વપરાઈ જશે એટલે કે લગભગ ૨૫ મી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં કેનાલમાં પાણી નહીં હોય, સાંકળ ૦ કિમી થી ૮૨ કિમી સુધીમાં આશરે ૧૪ કરોડના કામોના ટેન્ડરો ખુલી ગયા છે એકાદ બે દિવસમાં વર્કઓર્ડર આપી દેશે એટલે કોન્ટ્રાકરો એકાદ અઠવાડિયામાં કામો ચાલુ કરી શકશે. દરેક કામોની સમય મર્યાદા બે મહિનાની રાખવામાં આવેલ છે એટલે કે જો ૧૫ મી એપ્રિલ ૨૦૨૫ના રોજ કામો ચાલુ થાય તો ૧૫મી જૂનના પૂર્ણ થાય ૧૫મી જૂનના પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવે તો કચ્છમાં
પહોંચતા બીજા ત્રણ ચાર દિવસ લાગે એટલે કે ત્યાં સુધીમાં રાપર શહેરમાં પીવા માટે પાણીની મોટી સમસ્યા ઉભી થવાની દહેશત છે માટે હજુ પણ જો વહીવટી તંત્ર દ્વારા કેનાલમાંથી સિંચાઇ માટે વપરાતા ચોરીના પાણી બંધ કરવામાં આવે તો ૧પ દિવસ વધુ ખેંચી શકાય એટલે કે ૨૦ દિવસના બદલે ૩૫ દિવસ સુધી પીવા માટે પાણી ચાલી શકે જો ખેડૂતો હવે કેનાલમાં જથ્થો વધ્યો છે તે રાપર શહેર માટે અનામત રાખવા તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. આ કચ્છ નર્મદા કેનાલમાં રાપર તાલુકામાં થતી પાણી ચોરી રોકવા માટે જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક વહિવટી તંત્ર દ્વારા પગલાં લે તેવી માંગ ઉઠી છે. નહીંતર આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બની શકે તેમ છે.

Comments