સરદાર પોસ્ટ સીઆરપીએફના જવાનોને વીરતાનો કરાવે છે અહેસાસ
૧૯૬પ મા પાકિસ્તાન આર્મીએ સરદાર પોસ્ટની ચોકી પર હુમલો કરતા ૨ બટાલિયનના જવાનોએ ૧૨ કલાક સુધી પાક. બ્રિગેડનો સામનો કરી પીછેહઠ કરવા મજબુર કર્યા હતા : શહીદ થયેલા ભારતના ૭ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ
ભુજ : ભારત-પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છમાં આજથી ૬૦ વર્ષ પહેલા સરદાર પોસ્ટ પર સીઆરપીએફના જવાનો ફરજ બજાવતા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ રણને પચાવી પાડવા માટે આક્રમણ કર્યું હતું ત્યારે ભારતના ૧પ૦ જવાનોએ પાકિસ્તાનના ત્રણ હજાર સૈનિકો સામે બહાદુરી પૂર્વક લડાઈ કરી તેઓને તગેડી મૂક્યા હતા. આ યુદ્ધમાં ભારતના ૭ જવાનો શહીદ થયા હતા. સીઆરપીએફના જવાનોની વિરતાના કારણે કચ્છના રણનો કબજો હાલમાં ભારત પાસે છે ત્યારે દર વર્ષે સીઆરપીએફના જવાનોની વીરતાને યાદ કરવા માટે ૯ એપ્રિલને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ ખાવડા વિસ્તારમાં આવેલ રણ સરહદ ક્ષેત્રમાં સરદાર પોસ્ટ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી જવાનોને વીરતા શૌર્યતાનો સંદેશો આપવામાં આવ્યો હતો.
૧૯૬૫માં કચ્છમાં સરદાર પોસ્ટ ચોકી ઉપર સીઆરપીએફની બટાલિયન પહેરો ભરતી હતી ત્યારે પાકિસ્તાન આર્મીની બ્રિગેડે હુમલો કર્યો હતો. જેમાં ૨ બટાલિયનના ૧પ૦ જવાનોએ બહાદુરી સાથે ૧૨ કલાક સુધી પાકિસ્તાની બ્રિગેડના ૩ હજાર સૈનિકોનો સામનો કર્યો હતો. આ લડાઈમાં દુશમનના ૩૪ સૈનિક મોતને ભેટ્યા હતા. જ્યારે ભારતના સાત જવાનો શહીદ થયા હતા. જેમાં સિંઘવીર પ્રધાન, સમશેરસિંગ, ગણપતરામ, જ્ઞાનસિંગ, હડુરામ, કિશનસિંગ અને કિશોરસિંગે શહીદી વહોરી હતી. આ હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને દર વર્ષે ૯ એપ્રિલના શ્રધ્ધાજંલિ અપાય છે. આ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે શૌર્ય દિવસ નિમિત્તે સીઆરપીએફના એડીજી દીપકકુમાર, આઈજી વિરેન્દ્ર અગ્રવાલ, બીએસએફ ડીઆઈજી અનંતકુમાર, સીઆરપીએફ ડીઆઈજી ધર્મેન્દ્રસિંગ, ૯૦ બટાલિયાનના કમાન્ડન્ટ વિજયકુમાર, ૧૦૦ રેપિડ એકશન ફોર્સ અમદાવાદના કમાન્ડન્ટ રાતુલદાસ, ખાવડા પીઆઈ વી.બી. પટેલના સહિતના હાજર રહ્યા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
.............
દેશસેવા માટે સીઆરપીએફનો જવાન સદાય ખડેપગે છે : દીપકકુમાર
સીઆરપીએફના એડીજીએ કચ્છમાં સરદાર પોસ્ટ પર કરી વાતચીત
ગાંધીધામ : કચ્છના સરદાર પોસ્ટ પર સીઆરપીએફ દ્વારા ૧૯૬પમાં દર્શાવેલી બહાદુરીને સલામ કરી અને તેનાથી સતત પ્રેરણા અને જોમ જુસ્સો-પ્રેરણા લેવાના ઉદેશ્ય સાથે શોર્ય દીવસની ઉજવણી કરવામા આવે છે. સીઆરપીએફ દિલ્હીના એડીજીએ આ બાબતે મીડીયાની સાથે વાત કરતા કહ્યુ હતુ કે, દેશસેવા માટે સીઆરપીએફનો જવાબ સદાય ખડેપગે છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દ્વારા પ્રતિવર્ષ આજના દિવસને શૌર્ય દીવસ તરીકે મનાવવામા આવે છે તે વીર જવાનોને યાદ કરવામા આવે છે. આજના દીવસે પાકીસ્તાનની એક મોટી બ્રીગેડ જે ૩૦૦૦ની હતી જેમા સીઆરપીએફના માત્ર ૧પ૦ જવાનોએ તેમને પરાસ્ત આપી હતી તેને યાદ કરવા માટે આજના દીવસને શોર્ય દિન તરીકે યાદ કરીએ છીએ.આપણે નકસલવાદ, નોર્થ ઈસ્ટની તકલીફ, કાશ્મીરની સમસ્યા, પુર, ચૂંટણી, તેમાં સીઆરપીએફ ડીપ્લોય કરવામા આવતુ હોય છે. સૈન્ય બળ-જવાનોને પ્રોત્સાહિત કરવા આજનો પ્રસંગે છે. ૧પ૦ સેનિકોએ જે મોટી બ્રિગેડને માત આપી છે તો આ જ વીરતાથી આપણે દેશભરમાં કયાય પણ તૈનાત થાઈએ તો આવી વીરતા અને આવી જ બુદ્ધીમતા સાથે કાર્ય કરીએ. દેશની સેવા માટે સદાય ખડેપગે રહીએ તેમ ઉમેર્યું હતું.

Comments