Trending News
સ્થાનિક સમાચાર

બેલાના રણમાં ગુમ ઈજનેરને શોધવા સવાસો કર્મચારીઓ સરહદને ખુંદી વળ્યા 

09 April




માથુ ફાડી નાખતી ગરમી વચ્ચે બીએસએફ, ખડીર પોલીસ, વન વિભાગ, સ્થાનિકોની અલગ અલગ ટીમો બનાવી કરાઈ રહી છે શોધખોળ : બે દિવસ સુધી રણને ખુંદી વળ્યા બાદ ઝાડી-ઝાંખરા, તળાવ, ડુંગરમાં તપાસ કરાઈ : બીએસએફનો રસ્તો બનાવવા માટે ખાનગી એજન્સીના માણસો સર્વે માટે આવ્યા હતા



ભુજ : ભારત-પાકિસ્તાનની સરહદને અડીને આવેલા રાપર તાલુકાના બેલા મૌઆણા રણ વિસ્તારમાં ચાર દિવસ અગાઉ પશ્ચિમ બંગાળનો ઈજનેર ગુમ થઈ ગયો હતો. જેની અવિરત શોધખોળ કરવા છતા હજી સુધી કોઈ અતોપતો મળ્યો નથી. 
આ બાબતે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સરહદી વિસ્તારમાં સુરક્ષા જવાનો માટે રસ્તો બનાવવાનો છે જેથી ખાનગી એજન્સીના માણસો રણમાં સર્વે કરવા માટે આવ્યા હતા. એક ગાડીમાં કુલ ત્રણ જણા રૂટ મેપ બનાવીને આવ્યા હતા. જે પૈકી કામ પૂર્ણ થતા સાંજના સમયે પરત જતી વખતે તેઓ ભુલા પડી ગયા અન્ય બે વ્યક્તિના મોબાઈલમાં લોકેશન ચાલુ હોવાથી તાત્કાલિક જાણ થતા તેઓને ઉગારી લેવાયા પરંતુ રણમાં ભટકી ગયેલા પશ્ચિમ બંગાળના ઈજનેર અર્નબ પાલનો કોઈ અતોપતો મળ્યો નથી. તેના મોબાઈલમો એરટેલનું સીમકાર્ડ હોવાથી નેટવર્ક કવરેજ આવતું નથી. બનાવની જાણ થતા બીએસએફ તેમજ બાલાસર, ખડીર પોલીસ, વનવિભાગ તેમજ સ્થાનિક લોકોની મદદ લઈ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરવામાં આવી રહી છે.  બીએસએફના ૭ વાહનો અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તાર ખૂંદવામાં આવ્યો છે. રાત્રે પણ ઈજનેરના મોબાઈલની લાઈટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બાબતે ખડીરના પીઆઈ એમ.એન.દવેનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ દ્વારા આકરા તાપ અને રણના વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ગુમ થયેલા ઈજનેરની શોધખોળ કરવામાં આવી રહી છે. હજી સુધી કોઈ સફળતા મળી નથી. બે દિવસ સુધી રણને ખુંદી નાખવામાં આવ્યું તેમજ ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે.


...............

રિ-કન્સ્ટ્રકશન કરાવાયું



રણમાંથી મળી આવેલા બે કર્મચારીઓને સાથે રાખી પોલીસ અને બીએસએફ દ્વારા રિ-કન્સ્ટ્રકશન કરાવાયું હતું. તેઓ કેવી રીતે પહોંચ્યા, ક્યાં ગયા ? તે સહિતની બાબતો મેળવી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરાયા છે. 

 

Comments

COMMENT / REPLY FROM