ઉદ્યોગ જુથોના બદલાયેલા વલણથી નાના ટ્રાન્સપોર્ટરોનો મરો
કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વધુ એક ફટકો
નમક પરિવહનમાં એસએસ ટ્રોલીનો આગ્રહ બન્યો મુસિબત : કેટલાક ઉદ્યોગ જુથોએ પરિવહન માટે પોતાના જ વ્હીકલો વસાવ્યા : લિગ્નાઈટ પરિવહન મંદ થયા બાદ વધુ એક મુસીબત ટ્રાન્સપોર્ટરો પર ત્રાટકી : ડ્રાઈવર - કલીનર સહિત અનેક સંલગ્ન વ્યવસાયકારોના રોજગાર છીનવાય તેવી ભીતિ : બેંક ઈએમઆઈના ભારણ તળે દબાયેલા ટ્રાન્સપોર્ટરોની હાલત બની કફોળી
ભુજ : ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એ કચ્છનો ખેતી પશુપાલન બાદ સૌથી વધુ રોજગારી આપતો મુખ્ય વ્યવસાય છે. કચ્છના પેટાળમાંથી મળી આવતા લિગ્નાઈટ, ચાઈનાકલે, બોકસાઈટ, જેવા ખનિજોના પરિવહન માટે કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના મંડાણ થયા હતા. વર્ષ ર૦૦૧માં આવેલા મહા વિનાશક ભૂકંપ બાદ કચ્છનો બંદરીય અને ઔદ્યોગીક વિકાસ થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગ મળ્યો હતો. કચ્છ જિલ્લામાં અનેક સાહસિક વ્યવસાયકારોએ બેંકમાંથી ધિરાણ મેળવી કે સોનાના દાગીના ગીરવે મુકી કોમર્શિયલ વાહનો વસાવ્યા છે. ઉદ્યોગો થકી ટ્રાન્સપોર્ટરોને સારી આવક થતા લોકો બે પાંદડે થયા છે પરંતુ હવે મહાકાય ઉદ્યોગ ગૃહો દ્વારા પરિવહન માટે આકરી શરતો ઉપરાંત કેટલાક ઉદ્યોગ જુથોએ પોતાના જ વ્હીકલ વસાવી લેતા કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટો ફટકો પડયો છે. ઉંચા વ્યાજે ધિરાણ મેળવી કોમર્શિયલ વાહનો વસાવનાર ટ્રાન્સપોર્ટરો આર્થિક ભીંસમાં મુકાયા છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છમાં કાર્યરત મીઠા સહિત અનેક ઉદ્યોગ એકમ વર્ષોથી પોતાના માલ સામાનના પરિવહન માટે પોતાના જ વ્હીકલનો ઉપયોગ કરે છે. હવે કચ્છના લખપત અને આબડસા તેમજ ધોરડો સમીપેના એગ્રોસેલ જુથ પણ તે દિશામાં જ આગળ વધી રહ્યા છે. પરિવહન માટે સ્ટેઈનબેલ સ્ટીલના ઠાંઠા (ટ્રોલી)નો આગ્રહ રાખવામાં આવે છે. આ ઉપરાંત પરિવહન માટે હવે ડમ્પર વાહન જ જોઈશે તેવું પણ અત્યાર સુધી અન્ય ગાડીઓ મોકલતા ટ્રાન્સપોર્ટરોને જણાવી દેવાયું છે. આર્ચિયન કંપનીના પ૦ થી વધુ ગાડીઓ વસાવી લેવામાં આવી હોવાનું સુત્રો જણાવે છે.ઉદ્યોગ જુથોના બદલાયેલા વલણથી લિગ્નાઈટ પરિવહન મંદ થયા બાદ કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વધુ એક કમરતોડ ફટકો પડયો છે. નાના ટ્રાન્સપોર્ટરો એટલી આર્થિક ક્ષમતા ધરાવતા નથી કે નવા વાહનો વસાવી શકે. અગાઉ ખરીદેલા વાહનોના બેથી ત્રણ વર્ષના ઈએમઆઈ હજુ બાકી છે તેવામાં વાહનો વિવિધ કંપનીઓ દ્વારા રિજેકટ કરી દેવામાં નાના ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે. જો આ બાબતે કોઈ ઉકેલ નહીં આવે તો જિલ્લામાં હાલે નમકનું પરીવહન કરતા ટ્રાન્સપોર્ટનોને માત્ર નમક જ ખાવાનો વારો આવશે તેવું ધંધાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં માલિક ઉપરાંત ડ્રાઈવર, કલીનર, ગેરેજ, ટાયર પંચક સહિતના અનેક સંલગ્ન વ્યવસાય થકી લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ઉદ્યોગ જુથોના નવા તેવરથી તેમના પર બેરોજગારીની તલવાર લટકી છે.

Comments