કચ્છ યુનિ. દ્વારા યોજાયેલી પીએચડીની પરીક્ષામાં ૧૪૫ વિદ્યાર્થીઓ થયા પાસ
૩૨૫ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા : ૯ એપ્રિલ સુધી વિદ્યાર્થીઓને પ્રશ્ન પેપર, આન્સર કી અને પરિણામમાં કોઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરવા કરાયો અનુરોધ
ભુજ : કાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કા એટલે કે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ ૨૦૨૫ માટે કુલ ૬૨૭ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી ૨૨૬ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમો મુજબ પ્રવેશ પ્રક્રિયાથી મુક્તિ મળી હતી, જ્યારે ૪૦૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવાની હતી. આ પરીક્ષા ૬ એપ્રિલ ના રોજ કચ્છ યુનિવર્સિટીના ડી બ્લોકમાં યોજાઈ હતી.
કચ્છ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પીએચડી પ્રવેશ પરીક્ષામાં કુલ ૪૦૧ વિદ્યાર્થીઓમાંથી ૩૨૫ વિદ્યાર્થીઓએ ૨૦ વિષયોમાં પરીક્ષા આપી હતી. પરીક્ષાનું સંચાલન કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાનિયામક અને ઇન્ચાર્જ કુલસચિવ ડૉ. તેજલ શેઠના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રકાશિત થયેલા પ્રોવિઝનલ રીઝલ્ટ મુજબ કુલ ૩૨૫ વિદ્યાર્થીઓમાંથી ૧૪૫ વિદ્યાર્થીઓ પીએચડી પ્રવેશ પરીક્ષામાં પાસ થયા હતા. એટલે કે ૪૪.૬% રિઝલ્ટ આવ્યું હતું. પ્રોવિઝનલ રીઝલ્ટની જાહેરાત બાદ યુનિવર્સિટી દ્વારા ૯ એપ્રિલ ૨૦૨૫ સુધી વિદ્યાર્થીઓને પ્રશ્ન પેપર, આન્સર કી અને પરિણામમાં કોઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી એ ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓની જેન્યુન રજૂઆતને ધ્યાનથી પહોંચીવળીને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પીએચડી પ્રવેશ પરીક્ષા ૨૦૨૫ નું ફાઇનલ રીઝલ્ટ જાહેર થશે અને તે પછી પીએચડીની આગળની પ્રવેશ પ્રક્રિયા જેવી કે પર્સનલ ઇન્ટરવ્યૂ અને આરએસી પ્રેઝન્ટેશન જે તે વિષયના વિભાગો દ્વારા યોજાશે. મે ૨૦૨૫ સુધી મેરીટ લિસ્ટ અને આરએસીમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પીએચડી માટે પ્રવેશ આપવામાં આવશે.
કચ્છ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગના વડા ડૉ. ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, પીએચડી પ્રવેશ પરીક્ષા ૨૦૨૫નું પરિણામ છેલ્લા વર્ષોની તુલનામાં વધુ શ્રેષ્ઠ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરીક્ષામાં માત્ર કચ્છ જ નહીં, પરંતુ ગુજરાત અને ભારતભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જે આ કચ્છ યુનિવર્સિટીની રાષ્ટ્રીય પ્રતિષ્ઠાને દર્શાવે છે. આ શ્રેય કચ્છ યુનિવર્સિટીના પીએચડી ગાઈડ્સને જાય છે, જેમણે ઉચ્ચતમ સ્તરીય રિસર્ચ કાર્ય કરવામાં મદદરૂપ થવામાં યોગદાન આપ્યું છે. ડૉ. ચૌહાણે ઉમેર્યું કે, જ્યારે વધુ વિદ્યાર્થીઓ કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસ શરૂ કરશે ત્યારે તેનો સીધો ફાયદો કચ્છ યુનિવર્સિટીના રિસર્ચ, ઈનોવેશન અને ડેવલોપમેન્ટ ક્ષેત્રે મળશે. આથી યુનિવર્સિટીને નેક, એનઆઈઆરએફ અને જીએસઆઇઆરએફ જેવા વિવિધ મૂલ્યાંકનોમાં લાભ થશે અને સારા ગ્રેડ પ્રાપ્ત થશે. આ ઉપરાંત પીએચડી અભ્યાસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ શિષ્યવૃત્તિઓ અને ફેલોશીપ માટે અરજી કરી શકશે અને યૂનિવર્સિટીમાં વધુ રિસર્ચ સકોલર અને ફંડ આવે તેવી શક્યતા રહેશે.
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે સફળતાપૂર્વક પીએચડી પ્રવેશ પ્રક્રિયા આયોજિત કરવા માટે ડૉ. તેજલ શેઠ તથા તેઓ સાથે જોડાયેલ આ પીએચડી પ્રવેશ પરીક્ષાની કામગીરી કરનાર સંપૂર્ણ ટીમ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગને પરીક્ષાની કામગીરી બદલ અને ખાસ કરીને પીએચડી પ્રવેશ પરીક્ષામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને સહયોગ આપવા બદલ અભિનંદન આપ્યા હતા તેમજ પરીક્ષામાં પાસ થયેલા અને પરીક્ષામાંથી મુક્તિ પામેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમણે પીએચડીની આગળની પ્રક્રિયાની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રેરણા આપી અને કચ્છ વિસ્તાર તથા ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
------

Comments