વાગડમાં પીવાના પાણી મુદ્દે પાડાના વાંકે ન આપો પખાલીને ડામ..!
પાણી પુરવઠા વિભાગ સહિતના જળ સલગ્ન વિભાગોના સંકલનના અભાવે પાણીની ઉભી થાય છે પ્રતિવર્ષ કટોકટી : પા.પુ. બોર્ડ તરફથી વિતરણ વ્યવસ્થાનો માસ્ટર પ્લાન સુચારૂ ઘડાય અને તેમાં સંકલન થાય તો આવી કોઈ જ સમસ્યા ન ઉદભવે
અમુક કોમર્શિયલ અને ઉદ્યોગ-ધંધાવાળાઓને પાણી ચોરી કરતા કોણ અટકાવશે? લાલઆંખ ભરી કાર્યવાહી કરો તો પણ આવનારા જળ સંકટને નિવારી શકાશે
નર્મદા કેનાલ બંધ થવાના એંધાણ ટાંકણે આગોતરૂ આયોજન ઘડાય તે જરૂરી
ગાંધીધામ : કચ્છ નર્મદા કેનાલમાં ેગઈકાલ એક એપ્રીલ બપોરના એક વાગ્યાથી પાણી છોડવાનુ બંધ કરવામા આવ્યું છે અને તેની અસર વાગડ-ભચાઉ-રાપર અને પૂર્વ કચ્છમાં થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે જાણકારો કહે છે કે, હકીકતમાં પાણીનો જથ્થો છે, સુચારૂ આયોજન, અગમચેતભર્યુ પ્લાનીંગ કરવાની તાતી જરૂરીયાત છે.આ બાબતે પાણી ક્ષેત્રનો અભ્યાસુ વર્ગ કહી રહ્યો છે કે, વાગડમાં ઉનાળામાં પીવાના પાણી મુદે પાડાના વાંકે પખાલીને ડામ દેવામાં આવી રહ્યો હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. વાગડ વિસ્તારમાં પીવા અને વાપરવા માટે જે પાણીની વ્યવસ્થા પાણી પુરવઠા વિભાગ તરફથી ગોઠવવામાં આવેલ છે તે વ્યવસ્થામાં સબંધિત સઘળા વિભાગોની કચેરીઓ વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોય તેમજ હકીકતે આયોજન મુજબ જે તે સ્થળે પાણી પહોંચતું નહીં હોવાના કારણોનો વિસ્તૃત અભ્યાસ કરી તેમાં અવરોધરૂપ બનતા નાના મોટા પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવતું નથી તેથી દર વર્ષે ભર ઉનાળામાં લાભાર્થીઓને સહન કરવાનું આવે છે. વાગડમાં ચારેય દિશાઓમાંથી પાણીની વિતરણ વ્યવસ્થા પાણી પુરવઠા વિભાગ તરફથી કરવામાં આવેલ છે તેમાં વિગતવાર આ બાબતે વાતને સમજીએ તો (૧) લખતર બાજુએથી પાઇપ લાઇન મારફતે માળિયા બાજુથી જે મસમોટો જથ્થો કચ્છમાં પ્રવેશ કરે છે તે જથ્થો યોગ્ય સંકલન અને નિયંત્રણ અભાવે સામખિયાળી સુધી નિર્ધારિત જથ્થો પહોંચતો નથી એટલે સામખિયાળીથી વાગડ માટે ફાળવવામાં આવતો જથ્થો પર્યાપ્ત માત્રામાં વહન થતો નથી કારણકે વચ્ચે બિનઅધિકૃત રીતે પાણીની ચોરી અમુક તત્વો દ્વરા થઈ જતી હોવાનુ કહેવાય છે. યોગ્ય આયોજનના અભાવે રાપર શહેર માટે ફાળવવામાં આવતો જથ્થો પાણી પૂરવઠા વિભાગ પૂરો પાડી શકતો નથી (૨) રાપર શહેર માટે સ્થાનિકે અમુક સ્થળોએ બોર બનાવી ભૂગર્ભજળ ઉલેચી અમુક જથ્થો ઉપભોક્તાઓને પહોંચાડવા આયોજન કરવામાં આવેલ છે પરંતુ પાણી ઉલેચવા ના સાધનોની ક્ષમતા ઘટી જતા અથવા અમુક સમય અંતરે સાધનોની જે મરામત કરવાની હોય તે નિર્ધારિત સમયે થતી નથી એટલે પૂરતા પ્રમાણમાં પાણી ઉલેચાતું નથી એટલે ઘટ પડતો જથ્થો પહોંચાડી શકાતો નથી. જોકે જરૂરીયાત મુજબના મહેકમની પણ મોટી ખોટ છે તેથી પણ યોગ્ય વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહેલ છે (૩) કચ્છ શાખા નહેરમાંથી નંદાસર પાસેથી રાપર શહેર માટે પાણી ઉલેચી અને જ્યાં સુધી નહેર ચાલે ત્યાં સુધી નર્મદાના નીરનો લાભ અવશ્ય મળી રહે છે પરતું કેનાલ બંધ થયા બાદ સંગ્રહિત જથ્થો પૂરો થયા બાદ શહેર માટે પાણી પૂરું પાડવામાં ઘણી મુશ્કેલી પડે છે કારણકે ઉપર જણાવેલ બે વિકલ્પો મારફતે પણ ઉનાળામાં પાણી મેળવવું કઠિન બને છે જોકે એક મુખ્ય વિકલ્પમાં જ્યારે કેનાલ ચાલુ હોય અથવા કેનાલમાં પાણી ભર્યું હોય ત્યારે નગાસર તળાવમાં જે જથ્થો સંગ્રહ કરવાનો હોય તે જથ્થો પણ વિવિધ કારણોસર સંગ્રહિત થતો નથી તેમાં મુખ્ય કારણોમાં નહેરમાંથી પાણી ઉલેચવાના સાધનોની ખામીઓ મૂળ જવાબદાર હોવાનુ મનાય છે. આમ ત્રીજા વિકલ્પ થી વાગડમાં અપાતું પાણી નિર્ધારિત જથ્થામાં વિતરણ કરી શકાતું નથી (૪) ભચાઉ ગુરુકૃપા પંપ હાઉસથી વાગડના જે ગામોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે તેમાં પણ છાશવારે જથ્થાનું પ્રમાણ ઘટી જાય છે તેમાં મુખ્ય બે કારણોમાં એક તો પાણી વહન કરનાર સાધનોની મરામત યોગ્ય સમયે થતી નથી અને બીજું કે અમુક ઉદ્યોગો અથવા અમુક કોમર્શિયલ ધંધાવાળા પાણી ચોરી કરે છે આમ ચોથો વિકલ્પ પણ જોઈએ તેટલો કારગત નીવડતો નથી. આ તમામ બાબતે ધ્યાન અપાય અને તેને અટકાવવા કાર્યવાહી હાથ ધરવામા આવે તો ચોકકસથી આવનારી કટોકટીને ટાળી શકાય તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments