Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના સમગ્ર શિક્ષા હિસાબનીશ કૌભાંડમાં નવા કડાકા-ભડાકાની વકી

07 April




ડીપીઈઓએ રચેલી તપાસ સમિતિ વિખેરાયા બાદ ડીડીઓની તપાસ સમિતિ દ્વારા કરાઈ તલસ્પર્શી તપાસ : સમગ્ર કૌભાંડમાં એજન્સીના હિસાબનીશને બલિનો બકરો બનાવી કરી દેવાઈ હતી બદલી : તપાસ અહેવાલ બાદ જિલ્લા કચેરીના કેટલાક અધિકારીઓ, સીઆરસી, બીઆરસી અને મુખ્ય શિક્ષકોના પગ નીચે આવશે રેલો : કચ્છના શિક્ષણ બેડામાં અટકળોનું બજાર થયું ગરમ : આ કૌભાંડ લાંબા સમયથી ચાલતો હતો ત્યારે આ મુદ્દે ડીડીઓ શું રૂખ અખ્યાર કરે છે તેની તરફ સૌની મીટ : આ કૌભાંડ આખા રાજ્યમાં ચાલતો હોવાની ચર્ચાએ જોર પકડયો



ભુજ : કચ્છ સહિત રાખજ્યભરમાં ભારે ચકચારી બનેલા કચ્છમાં સમગ્ર શિક્ષા અભિયાનના બોગસ હિસાબનીશ કૌભાંડમાં આવનારા દિવસોમાં નવા કડાકા-ભડાકા થવાના સંકેતો સાંપડી રહ્યા છે. સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યની તમામ શાળાઓને ચૂકવાતી ગ્રાન્ટના વપરાશની દેખરેખ અને તેના હિસાબોના રજિસ્ટર નિભાવવા રાજ્ય સરકાર દ્વારા ખાનગી એજન્સીને નિયુક્ત કરવામાં આવી છે. આ એજન્સીના કરાર આધારીત હિસાબનીશો દ્વારા તમામ શાળાઓના હિસાબોની તપાસ કરવાની હોય છે, પરંતુ કચ્છમાં આ કામગીરીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સંયુક્ત તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, સમગ્ર શિક્ષા અભિયાનના ડાયરેક્ટર દ્વારા તપાસ સમિતિની રચનાનો અધિકાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સંયુક્ત તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, સમગ્ર શિક્ષા અભિયાનના ડાયરેક્ટર દ્વારા તપાસ સમિતિની રચનાનો અધિકાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ન હોવાનું જણાવવામાં આવતા તે તપાસ સમિતિને વિખેરી જિલ્લા વિકાસ અધિકારીને તપાસની જવાબદારી સોંપાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રચાયેલી તપાસ સમિતિએ પોતાનો અહેવાલ સમગ્ર શિક્ષાના ડાયરેક્ટરને સુપરત કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે, જેથી સમગ્ર કૌભાંડમાં સમગ્ર શિક્ષા અભિયાનના હિસાબનીશ માથે ઠીકરૂંં ફોડી દઈ સ્થાનિકે તપાસ સમિતિ રચી ભીચુ સંકેલી લેવાના મનસુબા વિફળ રહ્યા છે અને આવનાર દિવસોમાં કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, મુખ્ય શિક્ષકો વગેરેના પગ નીચે રેલો આવે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
કચ્છ જિલ્લામાં ૧૬૬૪ સરકારી પ્રાથમિક શાળાઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટોના હિસાબોનો રજિસ્ટર નિભાવવા અને તેની ચકાસણી માટે અમદાવાદની જે.ટી. શાહ એન્ડ કંપનીને કામગીરી સોંપવામાં આવી હતી. કંપની સાથે થયેલ કરારની શરતો મુજબ શાળાઓમાં ૬૪, તાલુકા કક્ષાએ ૧૦ અને જિલ્લા સ્તરે ૧ સહિત કલ ૭પ હિસાબનીશની નિમણૂંક કરવાની હતી, પરંતુ કચ્છમાં આ જવાબદારી શાળાના મુખ્ય શિક્ષકોને સીઆરસીએ અને સીઆરસીને બીઆરસીએ ગ્રાન્ટ રજિસ્ટર નિભાવવાની કામગીરી સોંપી દીધી હતી. છેલ્લા ૧૦ વર્ષથી કચ્છમાં આ કૌભાંડ ચાલી રહ્યું હતું. છેલ્લા ૩ વર્ષથી જે.ટી. શાહ એન્ડ કંપનીના કરાર પર રિન્યુ થતા હતા, પરંતુ ડિસેમ્બર ર૦ર૪માં અચાનક જ હિસાબનીશ નિમાયા ન હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જણાયું હતું અને આ કૌભાંડનો ખૂલાસો થયો હતો. ડીઈઓ અને ડીપીઈઓએ તપાસ સમિતિ પણ રચી દીધી હતી, પરંતુ સમગ્ર શિક્ષા અભિયાનના હેડ તરીકે હોદ્દાની રૂએ ડીપીઈઓ હોવાથી ગાંધીનગર કક્ષાએથી તપાસ સમિતિને વિખેરી તટસ્થ તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીની તપાસ સમિતિએ પોતાનો અહેવાલ સોંપી દીધો છે. સૂત્રોનું માનીએ તો સમગ્ર કૌભાંડમાં જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ, સીઆરસી, બીઆરસી અને રજિસ્ટર નિભાવનાર કેટલાક મુખ્ય શિક્ષકોના પગ નીચે રેલો આવે તેવી સંભાવના છે. એજન્સી સાથે સાંઠગાંઠ ન થતાં એક ચોક્કસ સિન્ડીકેટ દ્વારા સમગ્ર કૌભાંડમાં એકાઉનટન્ટના માથે ઠીકરૂં ફોડી દેવાયું હતું. જોકે, હવે ડીડીઓના તપાસ અહેવલા બાદ નવા કડાકા-ભડાકા થવાની સંભાવના જોવાઈ રહી છે. આ કૌભાંડમાં મુખ્ય શિક્ષકથી માંડી જિલ્લા કચેરીના કેટલાક અધિકારીઓ શંકાના દાયરામાં છે. છેલ્લા ૩ વર્ષથી એજન્સી દ્વારા રજૂ થતાં પ્રમાણપત્રો શિક્ષણ કચેરીના અધિકારીઓ દ્વારા મંજૂર રખાયા છે. ત્રણ વર્ષ બાદ અચાનક જ કેમ તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા તે બાબત શંકાસ્પદ હોઈ ડીડીઓ દ્વારા રજૂ  કરાયેલા તપાસ અહેવાલ બાદ સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર મીટ મંડાઈ છે. હાલના તબક્કે એજન્સીના કરાર આધારીત હિસાબનીશની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે, પરંતુ આવનાર દિવસોમાં આ કૌભાંડમાં અનેક લોકોના પગના નીચે રેલો આવશે તેવું જિલ્લાના શિક્ષણ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.


..............................

Comments

COMMENT / REPLY FROM