Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં નકલી પાસના આધારે ગેરકાયદે ખનીજને કાયદેસરમાં ખપાવવાનું કારસ્તાન પકડાયું

06 April



અંજાર ખાણ-ખનીજની સુરજબારી ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન ખુલ્યું ભોપાળું : નાડાપાની મિનરલ્સ કંપનીના ભાગીદારોએ ભુજની કચેરીનો નકલી ડિલિવરી પાસ બતાવ્યો : બોગસ પાસના આધારે ઓવરલોડ ચાઈનાક્લેનું પરિવહન કરાયું 


ભુજ : કચ્છમાં બેફામ બનેલી ખનીજ ચોરી પર તંત્રનું કોઈ નિયંત્રણ રહ્યું નથી અને હવે ખનીજ ચોરો એટલા બેફામ બન્યા છે કે, ખનીજ વિભાગના નકલી રોયલ્ટી પાસ અને ડિલિવરી પાસ બનાવી ગેરકાયદે ખનીજને કાયદેસરમાં ખપાવી દેવતા હોય છે ત્યારે અંજાર ખાણ ખનીજ વિભાગની સુરજબારી ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન ભોપાળું પકડાયું છે.  આ બાબતે મળતી વિગતો મુજબ સુરજબારી ખાણ ખનીજની ચેક પોસ્ટ પર ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન ટ્રક નં.જીજે૧ર-બીએચ-૯૯૩ર મા ઓવરલોડ ચાઈનાક્લે ખનીજ ફરેલું હતું. કુલ રપ.૧૦૦ મેટ્રીક ટન ખનીજ ભરવામાં આવ્યું હતું. ડ્રાઈવર નવા ગામના દેવશીભાઈ કમાભાઈ રબારી પાસે આધાર-પુરાવા માંગતા ભુજની ખાણ-ખનીજ દ્વારા ઈસ્યૂ કરાયેલો ડિલિવરી પાસ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, તપાસ કરતા તે બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેથી ડમ્પર ચાલક દેવશીભાઈ ઉપરાંત ડમ્પરના માલિક ધાણેટી ગામના કાનજીભાઈ સામજીભાઈ બાલાસરા તેમજ બોગસ પાસ જે પેઢીના નામે ઈસ્યૂ થયો હતો તો નાડાપાની ભાગ્યલક્ષ્મી મિનરલ્સ કંપનીના ભાગીદારો ઢોરી ગામના મહેશભાઈ વાલાભાઈ ગાગલ, શિવજીભાઈ રૂપાભાઈ ગાગલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.સરકારના ધારાધોરણ પ્રમાણે ખનીજના ચલણ ન ભરવું પડે તે માટે સ્ટોક ધારક મહેશભાઈ અને શિવજીભાઈએ ભુજની ખાણ-ખનીજ કચેરીના દ્વારા ઈસ્યૂ કરાયેલ ડિલિવરી પાસના આધારે બોગસ પાસ બનાવી ખનીજ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ર.ર૭ લાખની ખનીજ ચોરી બાબતે સામખિયાળી પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. પૂર્વ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી એન.એ.પટેલ દ્વારા અપાયેલી સૂચનાથી માઈન્સ સુપરવાઈઝર હિમાંશુકુમાર શિવજીપ્રસાદ ગુપ્તાએ ગુનો દાખલ કરાવ્યો હતો.

...............



ચાર મહિના પહેલા નકલી રોયલ્ટી પાસનું કૌભાંડ પકડાયું હતું 



અંજાર તાલુકાના તુણા ગામે ફ્લાઈગ સ્ક્વોર્ડ દ્વારા ચાર મહિના પહેલા ઓવરલોડ ખનીજ ભરેલા ચાર ડમ્પરો સિઝ કરવામાં આવ્યા હતા. જેના ચાલકોએ રજૂ કરેલ રોયલ્ટી પાસ બનાવટી હોવાનું સામે આવતા ૩.૧૯ લાખની ખનીજ ચોરી બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં લિઝધારક, વાહન માલિક સામે ફરિયાદ થઈ હતી. આ પૂર્વે આ પ્રમાણે વાગડ વિસ્તારમાં બોગસ રોયલ્ટી ઈસ્યૂ કરવાનું કારસ્તાન નજરમાં આવ્યું હતું. 


.............



તટસ્થ તપાસ થાય તો ભુજની કચેરીના સ્ટાફની પણ સંડોવણી ખુલે 


મંજૂર લિઝમાંથી ડાયરેક્ટ ખનીજ ભરીને લઈ જવામાં આવ્યા ત્યારે રોયલ્ટી પાસ આપવામાં આવે છે અને જ્યારે ખનીજ સંગ્રહેલું હોય અને તેનું પરિવહન કરવું હોય તો ડિલિવરી પાસ ખનીજ કચેરી દ્વારા આપવામાં આવે છે. રાજ્યમાં બેફામ ખનીજની હેરફેર થતી હોવાથી સિસ્ટમમાં બદલાવ લાવવામાં આવ્યો છે. જેમાં જીપીએસ ઉપરાંત વાહનમાં જીપીએસ હોય તો જ આ પ્રકારના પાસ ઈસ્યૂ કરવામાં આવે છે. પૂર્વ કચ્છમાં ખનીજ વિભાગની સર્તકર્તાથી બોગસ ડિલિવરી પાસનુ કૌભાંડ પકડાયું ત્યારે નાડાપાની પેઢી દ્વારા કેટલા સમયથી આ પ્રમાણે ખનીજનું પરિવહન કરવામાં આવતું હતું અને અત્યાર સુધી આ પ્રમાણે કેટલો માલ કચ્છ બહાર મોકલી દેવામાં આવ્યો તે સહિતની દીશામાં પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. ભુજની કચેરી દ્વારા ઈસ્યૂ કરાયેલા પાસને આધારે બોગસ પાસ બનાવાયો હતો ત્યારે ભુજની ખાણ ખનીજ કચેરીના કોઈ કર્મચારીની સંડોવણી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી ત્યારે ખાતાકીય તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે.

...........

Comments

COMMENT / REPLY FROM