ચિરઈમાં લાકડાની કંપનીમાં ભીષણ આગ, ૭ ફાયર ફાઈટર કામે લાગ્યા
૯ કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવાઈ : કરોડોની નુકશાનીનો અંદાજો : આગનું કારણ અકબંધ પરંતુ ઉપરાઉપરી બનેલી ઘટનાઓએ ચિંતા જગાવી
ભુજ : એપ્રિલના આરંભે જ સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ કચ્છમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. સિઝનના પ્રારંભે કચ્છ હીટવેવની ઝપેટમાં આવી ગયું અને દેશનો સર્વાધિક તાપ કચ્છમાં નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે.
તાજેતરમાં ગાંધીધામ નજીક શંકર ટીમ્બરમાં આગ લાગતા આસપાસના નાના એકમો પણ ઝપેટમાં આવી ગયા હતા. તે બાદ વાહનો તેમજ નાની મોટી જગ્યાઓએ આગના છમકલા બનતા આવ્યા છે ત્યારે ભચાઉના ચીરઈ ગામ નજીક આવેલી આકાશ વિનિયર્સ નામની લાકડાની કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો. ગઈકાલે રાત્રે બે વાગ્યાના અરસામાં આગ લાગી હતી. જેના પગલે ભચાઉ તેમજ ગાંધીધામ પાલિકાના ફાયર ફાઈટર ઉપરાંત ખાનગી કંપનીઓના ફાયર ફાઈટર આગ બુઝાવવા માટે આખી રાત દોડ્યા હતા. અંદાજે ૯ કલાક સુધી ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવાયો તે બાદ સવારે ૧૧ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આગના પગલે કરોડો રૂપિયાની નુકશાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આગને પગલે સ્થાનિકે ભય ફેલાયો હતો. આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી. ઉપરા ઉપરી જિલ્લામાં આગ લાગવાની વધી રહેલી ઘટનાઓ ચિતાજનક છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ઉદ્યોગોની સંખ્યા વધારે છે અને અવાર-નવાર આગ લાગવાની ઘટના બને છે પરંતુ જોઈએ તેટલી ફાયર સુવિધા નથી. ગાંધીધામમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે પરંતુ તે કામ આવતું નથી. સીએસઆર અંતર્ગત કંપનીઓ પાસેથી ફંડ મેળવી તાલુકા મથક અને મહત્ત્વના ગામોને ફાયર ફાઈટર અપાય તો ઈમરજન્સીની પરિસ્થિતિમાં ઉપયોગમાં આવી શકે તેમ છે.

Comments