જિલ્લામાં જવાબદાર તંત્રવાહકોની પરવાનગી વગર ધમધમતી ફટાકડાની દુકાનો બારૂદના ઢેર સમાન
જો... જો ... કયાંક કચ્છમાં ન થાય ડીસાવાળી
જલ્લા મથક ભુજની શરાફ બજાર સહિત વિવિધ વિસ્તારોમાં બારે માસ ફટાકડાનું થાય છે ધૂમ વેચાણ : સાંકડી ગલીઓમાં આવેલ હાટડીઓ અને ગોડાઉનમાં કોઈ દુર્ઘટના બને તે ફાયરની ટીમ પહોચશે..? વહીવટી તંત્ર આવી દુકાનદારોને નિયમ પાલન કરાવે તે જરૂરી ? : જાગૃત નાગરિકોનો વેધક સવાલ : જ્યારે ઘટના બને છે ત્યારે તંત્ર દોડતું થાય છે તે પહેલા જ પગલા લેવાઈ જાય તો મોટા ઘટના બનતા અટકે
ભુજ : ડીસાની ફટાકડાની ફેકટરીમાં ગત મંગળવારે બનેલી આગની ઘટનાથી ફરી એકવખત ફાયર સેફટીનો મુદો સપાટીએ આવ્યો છે. રાજકોટના ગેમઝોનમાં બનેલ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા ફાયર સેફટી મુદ્દે આકરા તેવર અપનાવાયા હતા. કચ્છ સહિત રાજ્યભરમાં જાહેર સ્થળો જેવા કે, શાળા, કોલેજો, હોસ્પિટલો, સિનેમાઘર, મોલ સહિતના સ્થાનો પર ફાયર સેફટીના ઉપકરણો ફરજીયાત કરી દેવાયા હતા. ફાયર સેફટીના અભાવે અનેક એકમોને સીલ પણ કરી દેવાયા હતા. જો કે, થોડા સમય બાદ ફાયર સેફટીની વાત અભેરાઈએ મુકી દેવાઈ હતી. તેવામાં ડીસાની ઘટનાના પગલે ફરી એક વખત ફાયર સેફટીનો મુદો લોકચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ડીસાની ફટાકડા ફેકટરીમાં આગનો બનાવ બન્યા બાદ કચ્છના જાગૃત નાગરિકોએ જિલ્લામાં ઠેર ઠેર આવેલા ફટાકડાના ગોડાઉનમાં ફાયર સેફટીની કેટલી દરકાર લેવામાં આવે છે તેનો સવાલ ઉઠાવ્યો છે. ખાસ કરીને ભુજમાં બારેમાસ ફટાકડાનું વેચાણ થાય છે. ભુજ શહેરના શરાફ બજાર અને આસપાસના વિસ્તારમાં ફટાકડાની દુકાનો આવેલી છે. ભુજનો જુનો બજાર વિસ્તાર એટલો સાંકડો છે કે, ત્યાં બે રિક્ષાઓ સામસામે આવી જાય તો પણ ટ્રાફિક જામ સર્જાય છે. આવા ભરચક વિસ્તારમાં અનેક સ્થળો પર ફટાકડાનો વેપાર ધમધમી રહ્યો છે. કચ્છ જિલ્લામાં ભુજ સહિતના કેટલાક શહેરોમાં આવી દુકાનો અને ગોડાઉન બારૂદના ઢેર સમાન છે.
જવાબદાર તંત્ર વાહકોની પરવાનગી વગર જ કેટલાક સ્થળોને બારે માસ ફટાકડાનું વેચાણ થાય છે. ધાર્મિક કાર્યક્રમો, વિજય સરઘસો, લગ્નના વરઘોડા વખતે બારે મહિના ફટાકડાની માંગ રહે છે. ફટાકડાનું વેચાણ કરતી દુકાનો અને તેમના ગોડાઉનમાં ફાયર સેફટીના સુવિધા છે કે, કેમ તેની તપાસ ભાગ્યે જ થતી હોય છે. દિવાળીના તહેવારોમાં પણ લાઈસન્સ વગર અનેક સ્થળો પર ફટાકડાનું વેચાણ થતું હોય છે. શહેરી વિસ્તારમાં ઠેર- ઠેર લારીઓ પર ફટાકડાનું જાહરેમાં વેચાણ થતું હોય છે, જે તે સમયે જવાબદાર તંત્ર કાર્યવાહી કરવાના બદલે ઉપરી આવક મેળવી દિવાળી સુધારવામાં વધુ રસ દાખવે છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ફટાકડાની ફેકટરીમાં આગના બનાવ બાદ ફરી એક વખત કચ્છમાં ફટાકડાની પરવાનગી વગર ધમધમતી દુકાનો અને ગોડાઉનમાં કોઈ દુર્ઘટના બને તે પૂર્વે તંત્ર દ્વારા તપાસ અને જરૂરી કાર્યવાહી કરાય તે ઈચ્છનીય હોવાનું જાગૃતો ચર્ચી રહ્યા છે.

Comments