કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતીનો નિર્ણય આવકારદાયક, પણ હવે પોલીસ - PGVCL ન્સહિતમાં કેમ ન થાય આ જ પ્રથા લાગુ?
જિલ્લાના રાજકીય જગતે રાજય સરકાર તબક્કે સંયુકત રીતે કરેલી રજુઆતની અસર પડી હોવાનો ચિત્તાર દર્શાયા છે, ખુબ સારૂ કહેવાય, પરંતુ આ જ રીતે કચ્છમાં પોલીસતંત્રમાં પણ સ્થાનિક ભરતી બાબતે વિચાર કરોને? કચ્છમાં અગાઉ સ્થાનિક ભરતી પોલીસ વિભાગની થતી જ હતી, એ ન ભુલવુ જોઈએ..બહારના કર્મચારીઓ હાલમાં મુકાયા છે, પરંતુ એ થોડા સમયમાં જ બદલીઓ કરાવીને જતા રહે છે, અને અહીની જગ્યા ખાલીને ખાલી જ રહી જતી હોય છે..!
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ કચ્છનો ખાસ સ્કીમમાં સમાવેશ કરી અને જયા નોકરી ત્યાં જ નિવૃતીનો શિક્ષક ભરતીમાં નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. કચ્છમાં પાછલા લાંબા સમયથી શિક્ષકોની ઘટ્ટનો પ્રશ્ન ભરતી કર્યા બાદ પણ સતાવતો હતો, સ્થાનિકના સૌ કોઈ આગેવાનોએ આ બાબતે સરકાર તબક્કે સમયાંતરે રજુઆતો કરી અને સરકારે તે વાતને ધ્યાને લઈ અને હાલમાં જ કચ્છનો ખાસ કિસ્સામાં સમાવેશ કરી અને અહી પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય ન માત્ર જાહેર કર્યો બલ્કે, જે શિક્ષકોની કચ્છમાં ખાસ કિસ્સામાં ભરતી કરવામા આવનાર છે તે શિક્ષકોને ફરજીયાત તેમની નોકરી કચ્છમાં જ પૂર્ણ કરવાની થશે એટલે કે
નિવૃતી પણ તેઓએ કચ્છમાથી જ લેવાની થશે.
એટલે કચ્છની લાંબા સમયથી પડતર રહેલી શિક્ષકોની ઘટ્ટનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ધારણા સાથે આ નિર્ણય કરાયો છે. આ નિર્ણય ખુબજ આવકારદાયક કહી શકાય તેવો છે, તેની અમલવારી વેળાસર થાય અને જે રીતે તેનો રોડમેપ નકકી કરાય તે જ અનુસાર શિક્ષકો અનુસરે તેવી આશા સેવી એ, અલબત્ત એ બધું જ હજુ ઘણી બધી પ્રક્રીયાઓ હેઠળથી પસાર થવાનુ બાકી છે, પરંતુ આ નિર્ણય તો ચોકકસથી આવકારદાયક કહી જ શકાય તેવો છે ત્યારે હવે સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, જે રીતે કચ્છનો શિક્ષકોની ભરતીમાં આ નિર્ણય કરવામા આવ્યો છે તે જ રીતે હવે પોલીસતંત્ર તથા પીજીવીસીએલમાં પણ જુનીયર એન્જીનીયર કક્ષાનાઓની સ્થાનિકેથી જ ભરતી કરવામાં આવે તેવો અભ્યાસજનક સુર વહેતો થવા પામી રહ્યો છે.
જાણકારો કહી રહ્યા છે કે, જે રીતે શિક્ષકોમાં સમસ્યાઓ થવા પામી રહી છે તેવી જ રીતે પોલીસતંત્રમાં પણ તાલ થવા પામી રહ્યો છે. કચ્છમાં છેવાડાના સરહદી વિસ્તારમાં પોલીસ કર્મીઓ કચ્છ સિવાયના જિલ્લાના આવે છે અને અમુક સમય થાય એટલે રાજકારણી કે અન્ય કોઈથી પોતાની વગ લગાડી અને વતનમાં જતા રહે છે. આવા કર્મીઓ બદલી કરાવી અમુક જ સમયમાં પરત ભાગી જતા હોય છે. અને બહારથી આવનારા અવા અમુક કર્મીઓ ભ્રષ્ટાચાર આચરી, વહીવટદારો બનીને એટલા મજબુત બની જતા હોય છે કે, રાજકારણીઓ પર પણ તેઓ સારી પકકડ કરી લેતા હેાય છે એટલે રાજકારણીઓએ પણ તેમની વાત માનવી પડતી હોય છે. રાજકીય આગેવાનો આવા બહારના જિલ્લાઓની બદલીઓમાં પણ એટલે જ રસ લેતા હોય છે. આવી સ્થિતીએ અહી ભરતી કરવામાં આવી હોવા છતા પણ જગ્યા ખાલીની ખાલી જ રહી જતી હોય છે. આવી જ રીતે પીજીવીસીએલમાં પણ કચ્છમાં સમસ્યાઓ સતાવી રહી હોવાનુ સામે આવી રહ્યું છે. જુનીયર ઈન્જીનીયર કક્ષાથી માંડી અને વિવિધ પદો પર અહી બહારના જિલ્લામાથી ભરતી કરાયેલાઓને મુકી દેવાય છે, આવા લોકો પોતાના સંજોગોના આધારે કે પછી વતનનીનજીકનો લાભ લેવાના બહાને કચ્છમાથી યેન કેન પ્રકારે બદલીઓ કરાવીને જતા રહેતા હોય છે. એટલે આ વિભાગમાં પણજગ્યાઓ ખાલીની ખાલી જ રહી જવા પામતી હોય છે. આ અંગે પણ જરૂરથી વિચારવુ ઘટે અને તેમાં પણ સરકાર તબક્કે શિક્ષણની જેમ રજુઆત કરાઈ છે અને તેનો પડઘો સરકારે જીલ્યો છે, તે જ રીતે પોલીસતંત્ર સહિતનાઓમાં પણ કચ્છની સ્થાનિક ભરતી જે અગાઉ પણ કરવામાં આવતી હતી તે જ પ્રથા ફરીથી અમલી થાય તે માટે સૌ કોઈએ આગળ આવવુ જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

Comments