Trending News
સ્થાનિક સમાચાર

છેવાડાના નલિયામાં આઈપીએલના ઓનલાઈન સટ્ટાની રોજની લાખોની હાર-જીત

04 April



દારૂ અને ટ્રાફીક જેવા સામાન્ય ગુનાઓની સમસ્યાઓ સામે પગલા લેવામાં નાકામ નલીયા પોલીસ સાયબર શાખા સાથે સંકલન કરી સર્વેલન્સ કરે તો અનેક સટ્ટોડીયાનો થાય પર્દાફાશ



નલિયા : હાલ આઈપીએલની સિઝન પુરબહારમાં છે ત્યારે નલીયા જેવા છેવાડાના વિસ્તારમાં પણ ઓનલાઈન સટ્ટા થકી રોજની લાખોની હાર-જીત થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.
ઈન્ડિયન પ્રીમીયર લીગ એટલે કે ક્રિકેટની મોટી ટુર્નામેન્ટ શરૂ થવા સાથે કચ્છમાં સટ્ટોડીયા સક્રિય થયા છે ત્યારે આ બદી છેવાડાના અબડાસાના નલીયા સુધી વકરી હોવાની વિગતો જાણકાર સુત્રોમાંથી મળી રહી છે. ઓનલાઈન એપ થકી આઈડી બનાવી ઓનલાઈન સટ્ટામાં અનેક બરબાદ થઈ રહ્યા છે. માસ્ટર આઈડી થકી રમાડાતા સટ્ટામાં રોજની લાખોમાં હાર-જીત થતી હોવાની વિગતો સાથે રોજનું ટ્રાન્જેક્શન દોઢથી બે લાખ વીસ લાખ સુધીનું હોવાની શક્યતા જાણકારોએ વ્યક્ત કરી હતી. મુંબઈ કે દેશના અન્ય રાજ્યોના બુકીઓ સાથે સંપર્કમાં રહી રોજની લાખોની હાર-જીત થઈ રહી હોવાની હકીકતો બહાર આવી રહી છે. નલિયાના કોઈ અજ્ઞાત સ્થળેથી સટ્ટોડીયા ઓપરેટ કરતા હોવાની વિગતો પણ મળી રહી છે. અનેક યુવાનો આ બદી થકી બરબાદ થઈ રહ્યા છે.
આઈપીએલની મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડાતો હોઈ નલીયા પોલીસ સાયબર શાખાના સંકલનમાં રહી સર્વેલન્સ કરે તો ક્રિકેટના મોટા સટ્ટાનો પર્દાફાશ થાય તેમ છે. પણ નલિયા પોલીસ તો દારૂ અને ટ્રાફીકના સામાન્ય ગુનાઓ સામે પણ પગલા લેવામાં નાકામ રહેતી હોઈ એલસીબી અને તેના તાબાની સાયબર ક્રાઈમ દ્વારા અબડાસાના નલીયા, કોઠારા જેવા વિસ્તારોમાં સર્વેલન્સ કરે તો અનેક માસ્ટર આઈડી થકી રમાડાતા ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ થાય તેમ છે. અબડાસાના યુવાધનને બરબાદીના માર્ગે લઈ જતી આ બદી સત્વરે ડામી ઓનલાઈન જુગારના આ ગોરખધંધા સામે કડક કાર્યવાહી કરાય તે હવે સમયની માંગ છે. જીલ્લા સ્તરેથી કામગીરીની સ્થાનિક નાગરીકો અપેક્ષા સેવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ બુકીઓ અને સટ્ટોડીયાઓમા ચર્ચાતી વિગતો મુજબ મુંબઈથી આવેલા વિષ્ણુ એ અબડાસા સહિત દસ થી બાર વ્યક્તિઓને આઈડી આપી છે, જેની તપાસ કરવામાં આવે તો અબડાસા સહિત મોટો ક્રિકેટ સટ્ટાનો કૌભાંડ ઝડપાય તેમ છે. 

 

Comments

COMMENT / REPLY FROM