Trending News
સ્થાનિક સમાચાર

ડગાળા અને વાંઢમાં ખનિજ ચોરી બદલ ૩ર લાખનો દંડ

04 April



પખવાડિયા પહેલા એલસીબી અને ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી કરી બન્ને સ્થળોએથી માટી અને બેન્ટોનાઈટના ગેરકાયદે ખનનનો કર્યો હતો પર્દાફાશ : જે તે સમયે સ્થળ પરથી ૧.૮૦ કરોડના વાહનો કરાયા હતા સીઝ


ભુજ : જિલ્લામાં વધી રહેલી ખનીજ ચોરીને પગલે અવારનવાર સરકારી વિભાગો પર આક્ષેપો થતા હોય છે. આ વચ્ચે પખવાડીયા પહેલા એલસીબી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ભુજના ડગાળા અને માંડવીમાં વાંઢમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કુલ્લ ૩ર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના ડગાળા ગામે સામજીભાઈ કરશનભાઈ વરચંદ ગામની સીમમાં આવેલ શ્રી સરકાર જમીનમાં ગેરકાયદે રીતે માટીનું ખોદકામ કરતા હોવાની બાતમીના આધારે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી જેસીબી, લોડર, બે હીટાચી અને બે ડમ્પર મળી આવ્યા હતા. જયાં ખાણકામ ચાલુ હતું હાજર ઈસમોની પુછપરછ કરતા આ મીશનો સામજીભાઈ વરચંદના હોવાનું અને તેમના કહેવાથી ખાણકામ કરતા હોવાનું જણાવ્યું હતું. કોઈ લીઝ કે આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ખનીજ વિભાગ દ્વારા માપણી કરાયા બાદ કુલ્લ ૧૬,૦૦,૭પર નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
આ તરફ માંડવી તાલુકાના વાંઢ ગામથી શેરડી જતા રસ્તા પર જખદાદાના મંદિરના પાછળના ભાગે આવેલી જમીનમાં શેરડી ગામના રતનભાઈ અભરામભાઈ સંઘાર ગેરકાયદે રીતે બેન્ટોનાઈટનું ખોદકામ કરાવતા હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે બે મશીન, ત્રણ ડમ્પર અને એક જેસીબી મળી આવ્યા હતા. સાત ઈસમો ખોદકામ કરતા હતા. તેઓની પુછપરછમાં શેરડીના રતનભાઈના કહેવાથી ખોદકામ કરતા હોવાનું જણાવ્યું હતું. કોઈ લીઝ આધારપુરાવા મળી આવ્યા ન હતા. ભુજ ખાણ ખનિજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ ૧૬,ર૧,૯પ૧ નો દંડ ભરપાઈ કરાવાયો હતો. નવાઈની બાબત એ છે કે, જે તે સમયે સ્થળ પર મસમોટા ખાડા જોવા મળ્યા હતા. તેમજ સતાવાર રીતે ૧.૮૦ કરોડના વાહનો સીઝ કરાયા હોવાનું જણાવ્યું હતું. હવે ૩ર લાખનું દંડ વસુલ કરવામાં આવ્યો છે. દંડની રકમ ઓછી હોવાનું ગણગણાટ સંલગ્ન વર્તુળોમાં થઈ રહ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM