Trending News
સ્થાનિક સમાચાર

જીવનને સફળ-સુફળ બનાવવાનો પ્રયત્ન કરે માનવ : આચાર્યશ્રી મહાશ્રમણજી

03 April


ભુજ : જન-જનને સદ્દભાવના, નૈતિકતા અને નશામુક્તિનો સંદેશ આપતા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અહિંસા યાત્રા પ્રણેતા, શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે ગુરુવારે પ્રાતઃકાળની મંગલ વેળાએ આડેસરથી મંગલ પ્રસ્થાન કર્યું હતુ. લગભગ અઢી મહિના સુધી ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં વિહાર પ્રવાસ સુસંપન્ન થઇ રહ્યો હતો. જનતાને મંગલ આશીર્વાદ આપતા શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી કચ્છ જિલ્લાની સીમાને ઓળંગીને પાટણ જિલ્લાની સીમામાં મંગલ પ્રવેશ કર્યો હતો. આચાર્યશ્રીએ લગભગ નવ કિલોમીટરનો વિહાર પૂર્ણ કરી પાટણ જિલ્લાના પિપરાળા ગામમાં આવેલી શ્રી વીર ડાંગર દગાયચા દાદાના આતિથ્ય ભવનમાં પધાર્યા હતા. તીવ્ર તડકાની પરવા કર્યા વિના સમતાના સાધક આચાર્યશ્રીએ ફરીથી આશરે ૭ કિ.મી.નું વિહાર કરી રોઝુ ગામે આવેલા અમૃત કલાપૂર્ણ તીર્થ વિહાર ધામમાં પધાર્યા હતા. આ વધતી ગરમી અને તડકાની વચ્ચે પણ મહાતપસ્વી આચાર્યશ્રીએ કુલ મળીને લગભગ સોળ કિ.મી.નો પ્રલંબ વિહાર કર્યો હતો.
શાંતિદૂત આચાર્યશ્રીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પાવન પ્રબોધ આપતા કહ્યું હતું કે, જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘમાં ૩૨ આગમ માન્ય છે. તેમાં એક છે ઉત્તરાધ્યયન. છત્રીસ અધ્યયન ધરાવતો આ આગમ તત્વબોધ તથા આધ્યાત્મિક સાધનાની દિશા દર્શાવે છે. તેમજ તેમાં કથાઓ અને પ્રસંગો દ્વારા વૈરાગ્ય પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે. તેનું દસમું અધ્યયન ખૂબ જ ટૂંકું છે, પરંતુ તેમાં મનુષ્ય જન્મ દુર્લભ હોવાનો ઉલ્લેખ છે. અનેક જીવાત્માઓને લાંબા સમય સુધી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી, તેથી આ દુર્લભ જીવનમાં વ્યક્તિએ સમયનો દુરુપયોગ ટાળવો જોઈએ. ચૌર્યાસી લાખ જીવ યોનિઓમાં મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે અને હાલમાં આપણને આ જન્મ મળ્યો છે, તેથી માણસે શું કરવું જોઈએ તે વિચારણિય બાબત છે. સાધુ બનવાનું સૌભાગ્ય ન મળે તો પણ ગૃહસ્થ જીવનમાં રહીને મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ, ધ્યાન, ભક્તિ જેવા કાર્યો કરી શકાય. તીર્થંકરો પ્રત્યે શ્રદ્ધા રાખવી, ગુરુની ઉપાસના કરવી, અને તેમની આજ્ઞામાં રહી તેમની સેવા કરવી જોઈએ. જ્યાં સુધી શક્ય હોય, ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
અમૃત કલાપૂર્ણ તીર્થ વિહાર ધામ તરફથી અજીતસિંહજીએ આચાર્યશ્રીના પાવન આગમન માટે ભાવોથી અભિવ્યક્તિ આપી હતી. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે ચાતુર્માસ વ્યવસ્થા સમિતિ અમદાવાદના શ્રાવક - શ્રાવિકાઓ તથા વાવ,ડીસા તેમજ કરછના શ્રાવક - શ્રાવિકાઓ પણ રસ્તાની સેવામાં સેવારત્ત છે તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 
------------

Comments

COMMENT / REPLY FROM