મોડા પ્રાથમિક શાળા પુજ્ય ચરણોથી પાવન બની
રાપર : જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના સપ્તમાચાર્યશ્રી ડાલગણીજીના મુનિ અવસ્થાની ચાતુર્માસ સ્થલી કચ્છના ફતેહગઢમાં મંગલ પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન કરી, તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અનુશાસ્તા તથા આચાર્યશ્રી ડાલગણીજીના પરંપર પટ્ટધર, શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી તેમની ધવલ સેનાની સાથે મંગળવારની સવારે વિહાર કર્યો હતો. ફતેહગઢવાસીઓએ આચાર્યશ્રીના દર્શન કરીને મંગળ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આશરે બાર કિલોમીટરનો વિહાર કરીને યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મોડા ગામમાં પધાર્યા હતા.આ ગામ પણ કચ્છ જિલ્લામાં સ્થિત છે.આજે મોડા ગામમાં આવેલી શ્રી મોડા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રીનો મંગલ પ્રવાસ થયો.
પ્રાથમિક શાળામાં આયોજિત મંગલ પ્રવચન કાર્યક્રમમાં મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પાવન પાથેય પ્રદાન કરતાં જણાવ્યું હતુ કે, પ્રશ્ન થઈ શકે કે માણસના જીવનમાં શ્રેયસ્કર શું છે અને અહિતકારક શું છે ? કયા કાર્યોના આચરણ અને વિચારોથી આત્માનું કલ્યાણ થાય છે અને કયા વિચારો, આચરણો અને કાર્યો આત્માને નુકસાન પહોંચાડે છે, તે અંગે વિચાર કરવો જોઈએ. માણસે સદ્વિચાર અને સદાચાર અપનાવવા જોઈએ.જો માણસના વિચારો અને આચરણ બંને સારા હોય, તો કલ્યાણની શક્યતા બની શકે. કુવિચાર અને કદાવ્યવહાર, દુર્વિચાર અને દુષ્કર્મ આત્મા માટે હાનિકારક બને છે.
મોડા જૈન સંઘ તરફથી વાડીભાઈ અને પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ જીતેન્દ્ર ભટ્ટે આચાર્યશ્રીના સ્વાગતમાં તેમની ભાવાભિવ્યક્તિ આપી હતી અને આચાર્યશ્રી પાસેથી મંગળ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે ચાતુર્માસ વ્યવસ્થા સમિતિ અમદાવાદના શ્રાવક - શ્રાવિકાઓ તથા વાવ, ડીસા તેમજ કરછના શ્રાવક - શ્રાવિકાઓ પણ રસ્તાની સેવામાં સેવારત્ત છે તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

Comments