કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી દરેક નાગરિકે તાલીમ લેવી જરૂરી
માર્ચ માસમાં ૨૫૮૫ જેટલા તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ અપાઈ
ભુજ : કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી દરેક નાગરિકે નાગરિક સંરક્ષની તાલીમ લેવી અત્યંત આવશ્યક છે. નાગરિક સંરક્ષણની તાલીમ મેળવેલ નાગરિક આપત્તિ સમયે પોતાની સાથે બીજાની મહામૂલી જીંદગી પણ બચાવી શકે છે. કંટ્રોલર, સિવિલ ડીફેન્સ, કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ નાયબ નિયંત્રક અને અધિક કલેકટર ડી.કે. પંડ્યા અને નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા તાજેતરમાં માર્ચ માસ દરમ્યાન કુલ ૨૫૮૫ જેટલા તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ
આપવામાં આવી છે. સને ૧૯૬માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકાર દ્વારા ગુજરાત અને અન્ય રાજ્યમાં સને ૬ ડિસેમ્બર, ૧૯૬૨ના રોજ નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરવામાં આવી છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદેશ યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પ્રજાજનોને સતર્ક અને સચેત રાખવા તથા ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા અને પુરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતા નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃતિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલ છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે, પુર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવસર્જિત આફતો જેવી કે, કોમી રમખાણો, મોટી આગ, મોટા અકસ્માત વગેરે વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારીઓ - કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ સ્વયંસેવકોએ ખડેપગે હાજર રહી પ્રજાની સેવાકીય કામગીરી બજાવવાની રહે છે.
આ તાલીમોમાં ચીફ વોર્ડન ચિરાગભાઇ બી. ભટ્ટે નાગરિક સંરક્ષણની સ્થાપના, મહત્વ અને તેની ૧૨ સેવાઓ, કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે કઇ રીતે કામ કરવું ? તે અંગે જાણકારી આપી હતી. મીરાબેન સાવલીયા, રોહિતભાઈ ઠક્કર, પ્રશાંતભાઇ તન્નાએ પ્રાથમિક સારવાર અંગે જેમ કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેક સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેકટીક્લ દ્વારા જાણકારી આપી હતી. ઉપરાંત ભુજ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર અને સેફ્ટી અંગેની થીયરી અને ડેમોસ્ટ્રેશન દ્વારા સમજ અપાઈ હતી આ સાથે ઇમરજન્સી સમયે ૧૦૮ અને ૧૮૧ અભયમ હેલ્પ લાઇનના ઉપયોગ બાબતે અને પોલીસની ૫૫ ટીમ દ્વારા મહિલાઓ વિરૂદ્ધના ગુના, સાયબર ફ્રોડ, ટ્રાફિકના નિયમો વગેરે મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

Comments