બિદડામાં સરાજાહેર હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત થતાં મામલો હત્યામાં ફેરવાયો
પ્રેમ લગ્ન મુદ્દે ત્રણ મહિલાઓએ લાકડી વડે હુમલો કરતાં વૃદ્ધ ઘવાયા હતા : સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ : પોલીસની નબળી કામગીરીના કારણે મામલો હત્યા સુધી પહોંચ્યો
ભુજ : માંડવી તાલુકાના બિદડા ગામે સરાજાહેર વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ હુમલામાં ઘવાયેલા
વૃદ્ધનું મોત થતાં મામલો હત્યામાં ફેરવાયો છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ર૭મી માર્ચના સાંજે બિદડાના જુના બસ સ્ટેશન પાસે બાંકડા પર ૭પ વર્ષના લધાભાઈ સંઘાર બેઠા હતા, ત્યારે ત્રણ મહિલાઓ આવી અને વૃદ્ધને ધોકા વડે ઢોર માર માર્યો હતો. ઉપરાંત તેમની પેન્ટ ઉતારી ક્ષોભજનક સ્થિતિમાં મુકી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા અને તેમના દિકરા દિનેશે ફરિયાદ નોંધાવી હતી. કોડાય પોલીસે જે તે સમયે હુમલો કરનાર રાજબાઈ વિરમ સાકરિયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે મારામારીનો ગુનો દાખલ કર્યો હતો. ત્રણેય મહિલાઓને કારમાં બનાવ સ્થળે લઈ આવનાર સામે ફરિયાદ દાખલ કરી ન હતી. બાદમાં હોબાળો થતાં રાજબાઈના ભત્રીજા વિશાલને આરોપી બનાવાયો હતો. જે ચારેયની ધરપકડ બાદ જામીન પર છુટી ગયા છે. દરમિયાન હોસ્પિટલમાં સારવાર તળે રહેલા લધાભાઈનું મોત થતાં મામલો હત્યામાં ફેરવાયો છે.
બનાવની વાત કરીએ તો લધાભાઈના દિકરા રાજેશને ગામમાં રહેતી સમાજની યુવતી સાથે પ્રેમ સબંધ હોવાથી જાન્યુઆરી મહિનામાં ભાગી ગયા હતા. જે બાબતે આક્રોશમાં આવીને યુવતીની માતા સહિત પરિવારની ત્રણ મહિલાઓએ ર૭મી માર્ચે લધાભાઈને જાનથી મારી નાખવો છે તેમ કહી ધોકા મારી ઢોર માર માર્યો હતો. લધાભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરાતા ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી. પરંતુ પોલીસે દાખલ કરેલા ગુનામાં હળવી કલમો લગાવી હોવાનો આક્ષેપ થયો હતો. આ બનાવમાં લધાભાઈનું મોત થતાં હાલ તો કોડાય પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે. જો કે, પોલીસે અગાઉ સાવધાની રાખી હોત તો આ બનાવ અટકાવી શકાયો હોત તેવું જણાવતા સુત્રો કહે છે કે, જાન્યુઆરીમાં યુવક અને યુવતી ભાગી ગયા હતા, તે બાદ દેશલપર ગુંતલીના મંદિરમાં લગ્ન કરી પંચાયતમાંથી મેરેજ સર્ટીફિકેટ મેળવવામાં આવ્યું હતું.
જેમાં જે મારાજ બતાવાયો તે ખરેખર કિશોર હતો અને વેરાવળમાં અભ્યાસ કરતો હોઈ કિશોરના પિતાએ નખત્રાણા પોલીસમાં માર્ચ મહિનામાં રાજેશ સામે ફરિયાદ પણ લખાવી હતી. હાલ તો પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
...........
લગ્ન કરનારી યુવતીએ કહ્યું કાંઈ થાય તો પરિવારની સાથે પોલીસ અને એસપી જવાબદાર
દરમિયાન યુવક રાજેશ સાથે ભાગીને લગ્ન કરનાર યુવતીએ એસપી, માંડવી પીઆઈ અને કોડાય પીઆઈને સંબોધીને લખેલો પત્ર સામે આવ્યો છે. જેમાં જણાવ્યું કે, ચાર જાન્યુઆરીના દેશલપર ગુંતલી ગામે શંકર ભગવાનના મંદિરે લગ્ન કર્યા છે. અને તેની નોંધણી કરાવી છે. પુખ્તવયની ઉમર હોવાથી મારી મરજી અનુસાર સ્વખુશીથી લગ્ન કર્યા છે. માતા - પિતાની પરવાનગી વિના લગ્ન કર્યા હોવાથી તેઓ નારાજ છે અને મને અને મારા પતિને અપનાવવા તૈયાર નથી. ૮મી ફેબ્રુઆરીના પતિ સાથે પહેરેલ કપડે ઘરેથી નિકળી જતાં કોડાય પોલીસમાં ગુમ નોંધ થઈ હતી. જેના કારણે નવસારી જિલ્લાના ગણદેવી બોરીયાસ પોલીસ સ્ટેશન લઈ જતાં ત્યાં કોડાય પોલીસ આવી હતી. જે તે સમય નિવેદન વખતે પતિ સાથે જવાની ઈચ્છા બતાવી હતી. હાલ તે મુંબઈમાં રહે છે. મે પરિવારની વિરૂદ્ધ લગ્ન કર્યા હોવાથી પરિવાર દ્વારા વખતો વખત મારી નાખવાની ધમકી અપાય છે. જેથી સાસરિયા પક્ષ તરફથી પોલીસ સ્ટેશનમાં અને એસપીને રૂબરૂ અને ઈમેલ મારફતે ફરિયાદ અરજી કરાઈ છે. છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. સ્થાનિક પોલીસે કોઈ કાળજી રાખી ન હોવાથી સસરા પર હુમલો કરાયો હતો. સસરાએ કોડાય પોલીસમાં હુમલાની દહેશતની અગાઉ અરજી આપી હતી. પરંતુ પોલીસે કોઈ સૂચક પગલાં ન ભર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જો પોલીસ રક્ષણ નહીં મળે તો એસપી કચેરીએ આત્મ વિલોપન કરવાની અને જીવન ટુકાવવા સિવાય કોઈ રસ્તો નથી. તેમજ કોઈ પણ હાની થાય તો તેની જવાબદારી કોડાય પોલીસ અને એસપીની રહેશે તેમ અરજીમાં જણાવાયું છે.
........
મંગવાણાના તલાટીએ એસીડ એટેકનો ભય દર્શાવી પોલીસ રક્ષણ માંગ્યું
ભુજ : આ પ્રકરણમાં મંગવાણા જુથ ગ્રામ પંચાયતના તલાટી અને ભુજમાં રહેતા ભૂમિકાબેન છાટબારે રેન્જ આઈજી, એસપી અને નખત્રાણા પોલીસને અરજી કરી રજૂઆત કરી છે કે, ૪ જાન્યુઆરીના તેમના સબંધીએ પ્રેમલગ્ન કર્યા હતા. જેનું મનદુઃખ રાખીને ર૭મી માર્ચના ફરિયાદીના મામા લધાભાઈ પર બિદડા ગામમાં હુમલો કરાયો હતો. બિદડાના ખુશાલભાઈ અને વિરમભાઈને એવો વ્હેમ છે કે, છોકરીને ભગાડી જવામાં અમારો હાથ છે. જેથી આ લોકો ધમકી આપે છે કે, મહિલા તલાટી પર એસીડથી હુમલો કરશું અને કોઈ પણ ભોગે પતાવી નાખશું. અરજદારને બીક છે કે, આ લોકોએ ખુન કરવા માટે માણસો ભાડે રાખ્યા છે અને સતત પીછો કરે છે. અકસ્માત કરાવવાની પણ તૈયારીમાં છે. ફરિયાદી તેઓની ફરજ પર હોય છે, જે નખત્રાણા પોલીસની હદમાં આવે છે. અરજીમાં જણાવેલ ઈસમો ખુબ જ જનુની અને માથાભારે હોવાથી કોઈ પણ સમયે ગેરકાનુની કામ કરી શકે તેમ છે, જેનાથી જીવનું જોખમ છે, જેથી પોલીસ રક્ષણની માંગ કરી કાંઈ પણ અજુગતું થાય તો ખુશાલ અને વિરમની જવાબદારી રહેશે તેમ અરજીમાં જણાવાયું હતું.
..........

Comments