Trending News
સ્થાનિક સમાચાર

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિ દ્વારા કચ્છમાંથી અભિપ્રાયો મેળવાયા

29 March



સમાન નાગરિક સંહિતા અંગે યુ.સી.સી. સમિતિ દ્વારા ભુજમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ : સમિતિએ કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકીય, સામાજિક, ધાર્મિક, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

ભુજ : ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્ય  સી.એલ.મીનાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય, વર્ગો, સામાજિક - ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સમાન નાગરિક સંહિતાના અમલીકરણમાં ક્યા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો - સૂચનો મેળવવામાં આવ્યા હતા.
સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય  સી.એલ. મીનાએ બેઠકમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુ.સી.સી. અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે.
શ્રી મીનાએ ઉપસ્થિત સૌને યુ.સી.સી. વિશે વિગતવાર સમજણ આપી હતી તેમજ તેના વિશે પ્રવર્તતી ગેરસમજ અંગે વિસ્તૃત વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ કે સમાજના વિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી. ઉપરાંત તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને પણ સ્પર્શતી નથી. આ સમિતિએ ઉપસ્થિત પ્રબુદ્ધ લોકોને સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા, લગ્ન પદ્ધતિઓ અંગેની વિવિધ ઉદભવેલી ભ્રાંતિઓથી આશ્વસ્ત કર્યા હતાં. વધુમાં જણાવ્યું હતું કે, યુ.સી.સી. ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આદર આપે છે. વિવિધ ધર્મ-સંપ્રદાયમાં જોવા મળતા રીતિ-રિવાજોને પણ યુ.સી.સી. આદર આપે છે.
આ તકે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઇ છાંગા, અનિરૂધ્ધભાઇ દવે, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી તેમજ અન્ય રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાંકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
રાજ્યનો કોઈ પણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ રંંજઃ//ેષ્ઠષ્ઠખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ૈહ પર અથવા -  સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો ૧૫-૪ સુધી રજૂ કરી શકશે.
બેઠકમાં જિલ્લા ક્લેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સૂંડા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર મિતેશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિપેશ ચૌહાણ, ડીઆરડીએના ડાયરેક્ટર નિકુંજ પરીખ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, વકીલ મંડળના પ્રમુખો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, કોલેજના આચાર્યો, ધાર્મિક સંસ્થાનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાન સિવિલ કોડ અંગે પોતાના સૂચનો - મંતવ્યો રજૂ કર્યા હતાં.
----------- 

 

Comments

COMMENT / REPLY FROM