સરકારનું ૧૦૦ કલાકનુ અલ્ટીમેટમ : માથાભારે શખ્સો સાણસામાં : હવે કચ્છ-ગુજરાતના કુખ્યાત ખનીજમાફીયાઓની બનાવો યાદી !
એસએમસી વક્રદ્રષ્ટી કરે : ખનીજચોરો સામે ધોક્કો પછાડે...!
એસએમસીના નિર્લિપ્ત રાય, રાજયના ખાણખનિજ વિભાગના તટસ્થ કમિશ્નરશ્રી ધવલ પટેલની સાથે સંકલન સાધી, માથાભારે અને કુખ્યાત ખનીજચોરોની યાદી બનાવડાવાશે તો કઈક ચમરબંધીઓ, ઝભ્ભાલેંગાધારીઓની ઓથવાળા સુધી પહોચશે રેલો
હવે ખનીજચોરો-માફીયાઓનો કાઢો વારો : એકમાત્ર કચ્છમાં જ જો ખનીજચોરોની યાદી બનાવાશે તો વાગડ-અબડાસા-લખપત, માંડવી, મુંદરા-ભુજ-અંજાર સહિતના તાલુકાઓમાંથી અ..ધ...ધ.કરોડની ખનીજચોરી એકના એક શખ્સો, એકના એક મશિન માલીકો કરતા હોવાનું આવશે સામે
ભુજ : ગુજરાત સરકાર, ગૃહમંત્રી અને ડીજીપી વિકાસ સહાય દ્વારા સંયુકત રીતે રાજયમાં અસમાજીક તત્વો પર તવાઈ બોલાવી દીધી અને રાજયભરમાં કાયદાનો એક કડક શબક પણ બેસાડી દેવામા આવ્યો છે. ૧૦૦ કલાકના અલ્ટીમેટમ વાળી કાર્યવાહીમાં ઘણા બંધા અસામાજીક માથાભારે તત્વો સાણસામાં આવી જવા પામ્યા છે. એસએમસી દ્વારા ગ્રાઉન્ડ સ્તરે કરાયેલી આ કાર્યવાહી ખરેખર આવકારદાયક જ કહી શકાય તેમ છે. દરમ્યાન જ હવે જાણકારો કહી રહ્યા છે કે, જે રીતે દારૂ-જુગાર, શરીર સબંધી ગુના ધરાવનારા, માથાભારે તત્વોને ડામવા, કાયદાનો તેમનામા ભય પેદા કરવાની સામુહીક કાર્યવાહી કરવામા આવી છે તે જ રીતે હવે ગુજરાતમાં ખનીજ માફીયાઓની પણ યાદી તૈયાર કરવાનુ કામ એસએમસીને સોપવામા આવે તે જરૂરી બની રહ્યું છે. ગુજરાતમાં તો અનેકવિધ સ્થળોએ ખનીજચોરીના કિસ્સાઓ સામે આવતા જ રહેતા હોય છે એ પછી બનાસકાંઠા હોય, સુરેન્દ્રનગર હોય , કે પછી સૌરાષ્ટ્ર યા તો પછી કચ્છ જ કેમ ન હોય.! ખનીજચોરો કયાંક ને કયાંક ને કયાંક સરકારી તંત્રના અમુક ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ અને ખાખીધારીઓની રહેમ નજરે અહી પણ ખુબ ફાટીને ફુલેકે જ ગયા હોવાના કિસ્સાઓ સામે આવવા પામતા રહે છે. સરકારની તિજોરીને આયોજનબદ્ધ રીતે ખનીજચોરો પણ મોટો આર્થિક ધુમ્બો પાડી રહ્યા છે. કચ્છમાં અબડાસા, લખપત, ખાવડા, વાગડ, આહિરપટ્ટી, મુંદરા, માંડવી, નખત્રાણા, ભુજ , અંજાર વિસ્તારમાં બેફામ પણે બોકસાઈટ, બેન્ટોનાઈટ, માટી, ચાઈનાકલે, પથ્થરોનું ખોદકામ થઈ રહ્યું છે. મંજુર લીઝ સિવાયના આસપાસના વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખોદી પોતાની લીઝના રોયલ્ટી પાસ પર આ ખનિજને કાયદેસર બનાવવા સાથે બેફામપણે સરકારી જમીનોમાંથી ખનીજો ખોદી પોલીસ અને ખાણ ખનીજના વહીવટદારને સાચવી લઈ આ માલ કંપનીઓમાં મોકલવામાં આવતો હોય છે. જાણે સૌ છે પણ જયાં સુધી રૂપિયાના બંડલો ટેબલ પર ખડકાતા રહે ત્યાં સુધી કાર્યવાહી કરવામાં જવાબદાર વિભાગને પણ શરમ નડે છે. હાલમાં નવો સ્ટાફ મુકાયો તેમજ ત્રણ - ત્રણ વિભાગ હોવા છતાં કચ્છમાં ખનીજ ચોરો સામે આજદિન સુધી એવી કોઈ કાર્યવાહી નથી થઈ કે જેના પર વિભાગ ગૌરવ લઈ શકે. દર વખતે રૂટીન પ્રમાણે ખનીજ ચોરી પકડાય, તપાસ થાય અંતે માપણી થયા બાદ સેટીંગ થાય અને દંડની રકમમાં બાંધછોડ કરી થોડા ઘણા સરકારી તિજોરીમાં અને બાકીના અધિકારી - કર્મચારીના ગજવામાં જાય અને હવે તો રોકડના બદલે જંગમ મિલ્કતો સ્વિકારવામાં આવતી હોય છે. જેમાં મોંઘા ફોન, ઘડીયાળ, દાગીના, ટુરની ટિકીટ, ગાડીઓ લેવામાં આવે છે. પરિણામે બન્નેના કામ થાય છે. કચ્છમાં એક સમયે ખનીજ વિભાગ સાથે જોડાયેલ સરકારી અધિકારી - કર્મચારી પહેરેલ કપડે આવ્યા અને આજે ઘણી બધી મિલ્કતો ધરાવે છે, તે કેવી રીતે આવી તે સૌ કોઈ જાણે છે. કમિશનરથી માંડી મંત્રી સુધી સૌ કોઈને સાચવી લેવા સાથે રાજકીય પ્રેશર અને નેતાઓની સંડોવણીના કારણે તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ જેવો તાલ જોવા મળે છે. ખરેખર સરકારને કાર્યવાહી કરવી જ હોય તો ખનીજચોરોનું લીસ્ટ બનાવી તેઓ સામે પગલા ભરવા જોઈએ. પરંતુ મહિને ફીકસ આવક જતી કરવામાં કોઈને રસ ન હોવાથી સરકારી જમીનો ખોદાઈ રહી છે અને ભ્રષ્ટ બાબુઓના ઘરે બેનામી સંપતિના થર ઉભા થઈ રહ્યા છે.
.............

Comments