Trending News
સ્થાનિક સમાચાર

સમસ્ત જૈન સમાજ દ્વારા આચાર્ય મહાશ્રમણજીને સવાયા કરછી પુજના અલંકરણથી સન્માનિત કરવામાં આવ્યાં

28 March



ભુજ : ભારત દેશના પનોતા પુત્ર તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે રીતે સવાયા કરછીનું બિરૂદ આપવામાં આવ્યું છે તેવી જ રીતે વાગડની ઘરતી ઉપર વર્ધમાન સમવસરણમાં આચાર્ય મહાશ્રમણજીના મુખ્ય પ્રવચન કાર્યક્રમ અંતર્ગત યુગપ્રધાન, મહાતપસ્વી, અણુવ્રત અનુશાસ્તા જેવા અનેક અલંકરણથી નવાજીત આચાર્ય મહાશ્રમણજીને વાગડના મુખ્ય મથક રાપર મુકામે સવાયા કરછી પુજનું અલંકરણ સમગ્ર જૈન સમાજ દ્વારા આપવામાં આવ્યું હતુ.
પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ પ્રદેશ પર આચાર્યની વિશેષ કૃપા રહી છે બહુ જ થોડા સમયમાં બીજી વખત કચ્છ પધારવા બદલ તેમને આધ્યાત્મિક ક્ષેત્રના સવાયા "કચ્છી પુજ" તરીકે અલંકૃત કરવાના પ્રસ્તાવને સમગ્ર સભાએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો હતો. 
પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, રાપર આરાધના ભવનના ટ્રસ્ટી વાડીલાલ સાવલા (સુવઈ), વર્ધમાન જૈન શ્રાવકસંઘ રાપરના પ્રમુખ ડો રમેશ દોશી, સઈ જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ વોરા, ત્રંબો જૈન સંઘના અગ્રણી શાંતિલાલભાઈ શાહ, કરછ વાગડ બે ચોવીસ સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજના પ્રમુખ કિર્તીભાઈ સંઘવી, રાપર નગરપાલિકાના કારોબારી ચેરમેન વીકાશભાઈ શાહ, કાઉન્સિલર હેતલબહેન મોરબિયા, જૈન જાગૃતિ સેન્ટર રાપરના પ્રમુખ વિનોદભાઈ દોશી, મંત્રી કિર્તીભાઈ સી. મોરબિયા, જૈન સોશિયલ ગ્રુપ રાપરના પ્રમુખ અશોકભાઈ કુબડીયા, મહિલા મંડળના પ્રમુખ સુષ્મા બહેન મોરબિયા તથા છ કોટી સંઘના પ્રમુખ કિર્તીભાઈ મોરબિયા, આઠ કોટી સંઘના પ્રમુખ નવીન વોરા, તેરાપંથ સંઘ રાપરના પ્રમુખ રમણીકભાઈ ખંડોર, ડો. મઠ, બેલાના લક્ષ્મણસિહ વાઘેલા, ભાજપના અગ્રણી કેશુભા વાઘેલા, એકતા નગર ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ બળવંતભાઈ ઠક્કર વિગેરે તથા સમસ્ત જૈન સમાજ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આ અલંકરણને વધાવી લેવામાં આવ્યું હતું. રાપર ખાતે દ્વિદિવસીય પ્રવાસ માટે પધારેલા શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજી દ્વારા રાપર પ્રવાસના બીજા દિવસે શુક્રવારે શ્રી વર્ધમાન જૈન શ્રાવક સંઘ આરાધના ભવન પરિસરમાં સ્થિત વર્ધમાન સમવસરણમાં આયોજિત મંગલ પ્રવચન કાર્યક્રમમાં રાપર તરફથી સ્વાગત સમારોહ યોજાયો હતો.
શુક્રવારે ચતુર્દશી તિથિ હોવાથી શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજીની મંગલ સન્નિધિમાં યોજાયેલા મંગલ પ્રવચન દરમ્યાન ગુરૂકુલવાસી સાધુ - સાધ્વીઓની વિશેષ ઉપસ્થિતિ પણ હતી. સાથે જ રાપરના અન્ય ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધ સાધક આચાર્યે ઉપસ્થિત જનતાને પાવન પ્રબોધ આપતાં જણાવ્યું કે જીવનમાં શરીર, વાણી અને મન આ ત્રણ પ્રવૃત્તિના સાધન છે. જીવના ત્રણ કર્મચારી છે. શરીર દ્વારા માણસ ચાલે, ફરે, ઉભા થાય -બેસે, ખાય-પીયે, ભ્રમણ કરે. વાણીથી બોલે અને મન દ્વારા ચિંતન, કલ્પના, સ્મૃતિ, વિચાર, સમીક્ષા કરે.મન એ એક એવું તત્વ છે જેને દુષ્ટ ઘોડો પણ કહેવામાં આવ્યું છે. તે સજ્જન ઘોડો પણ બની શકે.કહેવાય પણ છે ને કે, "મનના હાર્યા હાર છે, મનના જીત્યા જીત." ઘણીવાર મન હારી જાય છે તો થોડી મુશ્કેલી પણ સહન કરવી પડે છે. જ્યારે જેની પાસે સાહસ હોય, તે થોડી મુશ્કેલી અને હિંમત સાથે આગળ પણ વધી જાય છે.જીવનમાં મનની સ્થિતિ સારી હોય તો જીવન વધુ સુખમય બની શકે. મનની સારી સ્થિતિ માટે પ્રથમ તો મનમાં પ્રસન્નતા અને શાંતિ હોવી જોઈએ, બીજી બાબત છે કે મનમાં બળ અને હિંમત હોવી જોઈએ અને ત્રીજી બાબત કે વિચાર કરીએ તો સદવિચાર જ કરવા જોઈએ. આ ત્રણ વસ્તુઓ જો મન સાથે જોડાઈ જાય,તો મન સુખી રહી શકે.મનુષ્યના ચિત્તમાં પ્રસન્નતા હોવી જોઈએ. જો મન પ્રસન્ન હોય તો માણસ સારો કાર્ય કરી શકે, મહેનત કરી શકે. જો મન ખિન્ન હોય, દુઃખી હોય તો એ શું કરી શકે ?  જીવને અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમતાનાં માર્ગે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનોબળ હોય તો વ્યક્તિ મુશ્કેલીઓનો સામનો કરી શકે.
જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ હોય - ક્યારેક વેપારની મુશ્કેલી, ક્યારેક સામાજિક મુશ્કેલી, તો ક્યારેક કુટુંબની મુશ્કેલી. ક્યારેક અપમાન, વિરોધ, તો ક્યારેક કોઈ ધમકી પણ મળી શકે. છતાંય જો વ્યક્તિ પાસે મનોબળ હોય તો તે સમસ્યાઓનો સામનો કરી શકે. આચાર્યે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે "વિરોધ થતો હોય, તોપણ વ્યક્તિએ શાંતિ અને સમતાનો આધાર રાખવો જોઈએ. જો મનમાં શાંતિ, સદવિચાર અને મનોબળ હોય, તો મનરૂપી ઘોડો ઉત્તમ ઘોડો બની શકે." આજે ચૈત્ર કૃષ્ણ ચતુર્દશી છે. આ ચૈત્ર મહિનો વિક્રમ સંવતનો અંત લાવી રહ્યો છે અને આગામી વિ.સં. ૨૦૮૨ નો પ્રારંભ થવાનો છે. આજના પાવન દિવસે, ચતુર્વિધ સંઘ સમક્ષ હાજરીનું વાંચન સુંદર રીતે પાર પડ્યું હતુ. આચાયર્શ્રીએ હાજરીની પ્રક્રિયાને સંપન્ન કરી. તેમણે મુમુક્ષુ વૈરાગીઓ અને સમણીઓને પાવન પ્રેરણા પ્રદાન કરી હતી. મુંનિ નિકુંજકુમારજી સાથે મુંનિ માર્દવજીને મુમુક્ષુઓ બનાવવાની પ્રેરણા આપી હતી.
આચાર્યની અનુમતિથી સાધ્વી દેવાર્યપ્રભાજી અને સાધ્વી ધન્યપ્રભાજી દ્વારા લેખપત્રનું વાચન કરવામાં આવ્યું હતુ. આચાર્યએ બે બે કલ્યાણક બક્ષીશ આપી. ત્યારબાદ ઉપસ્થિત સાધુ-સાધ્વીઓએ પોતાના સ્થાન પર ઉભા રહી લેખપત્ર ઉચ્ચારિત કર્યું હતુ. આચાર્યના મંગલ પ્રવચન બાદ, સાધ્વી સંબુદ્ધયશાજીએ રાપરવાસીઓને ઉદ્દબોધિત કર્યા હતા. સ્વાગત સમારોહમાં પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, છ કોટી સંઘના પ્રમુખ કીર્તિભાઈ મોરબિયા, આઠ કોટી સંઘના અધ્યક્ષ નવીનભાઈ વોરા, વાગડ બેચોવીસી સંઘના પ્રમુખ અશોકભાઈ, ‘બેટી તેરાપંથની’ તરફથી છાયા બાબરિયા, બાલિકા ખુશી, રમેશભાઈ દોશી અને કચ્છ- ભુજના અધ્યક્ષ વાડીભાઈ મહેતા સહિતે ભાવાભિ વ્યક્તિ આપી. જીવદયા મંડળ રાપરના પ્રમુખ વિપુલ મહેતા તથા તેમની ટીમ,યુવક મંડળ રાપરના પ્રમુખ જીતેશભાઈ મોરબિયા તથા તેમની ટીમ તેમજ સમગ્ર બે ચોવીસ સમાજ તથા તેરાપંથ સમાજના દરેક મેમ્બર્સે આચાર્ય મહાશ્રમણજીના બે દિવસના પ્રવાસમાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આચાર્યે સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્ય સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ્‌, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. આચાર્ય મહાશ્રમણજીનો આગામી તારીખ ૩૦, ૩૧ માર્ચનો પ્રવાસ ફતેહગઢ મધ્યે રહેશે. ૩૧ના તેમની કચ્છ યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે આચાર્ય મહાશ્રમણજી ચાતુર્માસ પ્રવાસ વ્યવસ્થા સમિતિ અમદાવાદ આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ભુજ પાસેથી ધ્વજ હસ્તાંતરણ સ્વીકારશે અને આગળની જવાબદારી સંભાળશે. તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ભુજના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM