Trending News
સ્થાનિક સમાચાર

અંજાર પંથકમાં કેબલ ચોર ટોળકી બેફામ : પખવાડિયામાં બીજીવખત ગામોમાં અંધારપટ

28 March

પોલીસ અને વીજતંત્રને ખુલ્લો પડકાર.... 





‘રીઢા’ કેબલ તસ્કરોએ દોરડા નાખતા સતાપર, લાખાપર, આંબાપર સહિતના ગામોમાં રાતભર ખોરવાઈ ગયો વીજપુરવઠો : બેલગામ બની ગયેલા તસ્કરો સામે કાર્યવાહી કરવામાં તંત્ર વિફળ : ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત હોવાનો સ્થાનિકો 
દ્વારા કરાયો સનસનીખેજ આક્ષેપ 



અંજાર : પૂર્વ કચ્છ વિસ્તારમાં કેબલ ચોર તત્ત્વોનો આતંગ વધ્યો છે. કાયદાનો કોઈ જ ભય ન હોય તેમ રીઢા કેબલ ચોરો બેલગામ બન્યા છે. વાગડથી માંડી અંજાર - મુંદરા સુધીના વિસ્તારોમાં કેબલ તસ્કરો બેફામ બની પોતાની ગેરપ્રવૃતિને અંજામ આપી રહ્યા છે. કચ્છ જિલ્લામાં કેબલ ચોર ટોળકીઓ સામે કાર્યવાહી કરવામાં તંત્ર સંદતર નિષ્ફળ રહ્યું છે, ત્યારે એક પખવાડિયાથી ઓછા સમયગાળામાં ફરી એકવખત અંજાર પંથકમાં વાયર ચોરોએ નાખેલા દોરડાના કારણે અનેક ગામોમાં ગત રાત્રીએ અંધારપટ છવાઈ ગયો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અંજારથી મુંદરા તરફ જતી ઓપીજી લાઈનને અવારનવાર કેબલ ચોરો નિશાન બનાવતા હોય છે. ગત ૧૪મી માર્ચની રાત્રે કેબલ ચોરી કરવા માટે તસ્કરોએ નાખેલા દોરડાના કારણે ર૦ જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આવી જ ઘટનાનું ગત રાત્રીએ પુનરાવર્તન થયું છે. રર૦ કેવી અને ૬૬ કેવીની લાઈન પર તસ્કરોએ કેબલ ચોરી માટે નાખેલા દોરડાથી કપાયેલા વાયર નીચેથી પસાર થતી ૧૧ કેવીની વીજલાઈન પર પડતાં સતાપર, લાખાપર, આંબાપર વગેરે ગામોમાં રાત્રે પોણા વાગ્યે વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાઈ ગયો હતો. સવારે ૯ઃ૩૦ વાગ્યા સુધી વીજ પુરવઠો ઠપ્પ રહ્યો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને અંજાર તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અરજણભાઈ ખાટરિયાએ જણાવ્યું હતું કે, કેબલ ચોરોના વધતા આતંક સામે કાર્યવાહી કરવામાં વીજતંત્ર અને પોલીસ નાકામ રહ્યા છે. 
અવાર નવાર કેબલ ચોરોના અધમાના કારણે ગ્રામિણ વિસ્તારોમાં અંધારપટ છવાઈ જાય છે. આ અંગે ગેટકો અને પીજીવીસીસએલ સમક્ષ રજૂઆત કરતાં તંત્ર એકબીજા પર દોષારોપણ કરે છે. શ્રી ખાટરિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કેબલચોરોનું વીજતંત્રના ભ્રષ્ટ અધિકારીઓ કે કર્મચારીઓ સાથે મીલીભગત જણાઈ રહી છે. ૧પ દિવસથી ઓછા સમયગાળામાં બીજીવખત કેબલ ચોરોના કારણે સતાપર પંથકના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ જવાની ઘટના બની છે, પરંતુ જવાબદાર તંત્રો કડક કાર્યવાહી કરવાના બદલે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. કરોડો રૂપિયાની કેબલ ચોરી કરતા તત્ત્વો સામે કાયદાના રક્ષકો શા માટે કાર્યવાહી કરતા નથી તેવો તેમણે સવાલ કર્યો હતો. 
એકતરફ રાજ્યના ડીજીપીના આદેશ બાદ પોલીસ તંત્ર હિસ્ટ્રીશીટરો સામે ધોંસ બોલાવી રહ્યું છે, તો બીજીતરફ રીઢા કેબલ ચોરો પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, કેબલ ચોરો કિંમતી વીજ વાયરોની ચોરી કરી વીજતંત્રને કરોડોનું નુકશાન પહોંચાડી રહ્યા છે તેમ છતાં વીજતંત્ર પોલીસ ફરિયાદ કરવા કેમ આગળ આવતું નથી તેવો વેધક સવાલ પણ સ્થાનિકે ઉઠી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM