એમ.ડી. બીએડ કોલેજની છાત્રાઓ વૈશ્વિક કક્ષાએ ઝળકી
ભુજ : હાર્ટફૂલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ, રામચંદ્ર મિશન અને ધ કોમન વેલ્થના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગ્લોબલ હાર્ટફૂલનેસ નિબંધ સ્પર્ધા-૨૦૨૪માં એમ. ડી. કોલેજ ઓફ એજ્યુકેશન, હરિપરની બે છાત્રાઓ વૈશ્વિક કક્ષાએ ઝળકી હતી. ગુજરાતી ભાષામાં ૧૯ થી ૨૫ વર્ષના વયજૂથમાં મલેક મુસ્કાન ઇકબાલભાઈએ વિશ્વ કક્ષાએ ત્રીજો અને મહેશ્વરી વંદના ગોવિંદભાઈએ વિશ્વ કક્ષાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. નિબંધનું વિષયવસ્તુ એલિઝાબેથ એડવર્ડ્સના સુવાક્ય “સ્થિતિસ્થાપકતા એટલે તમારી નવી વાસ્તવિકતાને સ્વીકારવી, ભલે તે તમારી પહેલાંની વાસ્તવિકતા કરતાં ઓછી સારી હોય.” પર આધારિત હતું. કોલેજના આચાર્ય ડૉ. હિમાંશુ પટેલે બંને છાત્રાઓને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના ચેરમેન, સેક્રેટરી, ડાયરેક્ટર, ટ્રસ્ટીગણ તેમજ તમામ કર્મચારીગણે વૈશ્વિક કક્ષાએ અસામાન્ય પ્રદર્શન કરનાર બંને છાત્રાઓને બિરદાવી હતી. હાર્ટફૂલનેસ ભુજ વતી માનસીબેન કરીયા, રીતિકાબેન કરીયા અને રૂપલબેન રાઠોડે પણ બંને છાત્રાઓને અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં યોજાનાર કોલેજના દીક્ષાંત સમારોહમાં હાર્ટફૂલનેસ ભુજ દ્વારા બંને છાત્રાઓને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવશે.
-----

Comments